જાણીતા ગુજરાતી સિંગર વિજય સુવાળાનો આમ આદમી પાર્ટી સાથેનો મોહ ભંગ થઈ ગયો છે. 'આપ'માં જોડાયાના સાત મહિનામાં જ સિંગર રાજીનામુ આપી ભાજપ સાથે જોડાશે. વિજય સુવાળાના અત્યંત નજીકના વ્યક્તિએ દિવ્ય ભાસ્કરને માહિતી આપી છે કે 'ભુવાજી' વિજય સુવાળા આવતી કાલે 12 વાગ્યે કમલમ ખાતે ભાજપનો કેસરસિયો ખેસ પહેરશે.
ગઈ કાલે આપ નેતા ઈસુદાન ગઢવી મનાવવા ગયા હતા
નોંધનીય છે કે ગઈ કાલે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી વિજય સુવાળાને મનાવવા તેના ઘરે ગયા હતા. જોકે ઈસુદાન ગઢવીના મનામણા છતાં વિજય સુવાળા પોતાના નિર્ણયથી ટસના મસ થયા નહોતા. વિજય સુવાળા છેલ્લાં કેટલાક દિવસથી આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં પણ હાજરી આપતા નહોતા. વિજય સુવાળા કયા કારણોસર પાર્ટીથી નારાજ હતા એ વિગત હજી બહાર આવી નથી.
કઈ પાર્ટીમાં જોડાઈશ એ હજી નક્કી કર્યું નથી- વિજય સુવાળા
રાજીનામું આપ્યા બાદ વિજય સુવાળાએ સ્પષ્ટ રીતે ભાજપમાં જોડાવાની વાતનો સ્વિકાર્ય કર્યો નહોતો. તેમણે કહ્યું હતું, ''હું મારા અંગત કારણોસર આમ આદમી પાર્ટીમાં રાજીનામુ આપી રહ્યો છું. હું પાર્ટીને યોગ્ય સમય આપી શકતો નથી. હવે ગીતો અને ડાયરા પર વધુ ધ્યાન આપી શકીશ. આમ આદમી પાર્ટીએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. પાર્ટી પ્રત્યે કોઇ નારાજગી નથી. મારા આત્માનો નિર્ણય છે કે હવે હું ડાયરા અને આલ્બમ કરું. છેલ્લા બે મહિનાથી હું નિષ્ક્રીય જ હતો.'' એટલું જ નહીં વિજય સુવાળાએ બીજી પાર્ટીમાં જોડાવવા અંગે કહ્યું હતું, ''હજી કઈ નક્કી કર્યું નથી કે કઇ પાર્ટીમાં જઇશ. તેમજ હજી કોઈ પાર્ટી સાથે સંપર્ક પણ કર્યો નથી.''
સાત મહિના પહેલા વિજય સુવાળા આપમાં જોડાયા હતા
આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનારા લોકગાયક વિજય સુવાળા જૂન મહિનામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આપ જોઈન કર્યા બાદ વિજય સુવાળા ખૂબ એક્ટિવ દેખાતા હતા. ઉત્તર ગુજરાતમાં અનેક કાર્યક્રમો યોજી રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પાર્ટીએ સુવાળાને પ્રદેશ ઉપપ્રમુખ બનાવી સંગઠનમા સ્થાન પણ આપ્યું હતું. જોકે ત્યાર બાદ ધીમે ધીમે વિજય સુવાળા નિષ્ક્રીય થઈ ગયા હતા.
વિજય સુવાળા ભાજપ માટે કેમ મહત્વના છે?
વિજય સુવાળા ઉત્તર ગુજરાતના ગીતો ગાતા ગાયક છે અને વતની પણ ઉત્તર ગુજરાતના છે. આ ઉપરાંત હાલમાં તેઓ સમગ્ર ગુજરાતમાં પણ જાણીતા છે. આથી જો વિજય સુવાળા ભાજપમાં જોડાય તો ભાજપને મોટો ફાયદો થઈ શકે એમ છે. કેમકે ભાજપને તેઓની લોકપ્રિયતાનો ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સમગ્ર ગુજરાતમાં મળી શકે છે. આમ ભાજપમાં વિજય સુવાળાના જવાથી ભાજપને ફાયદો મળશે તે નક્કી છે.
વિજય સુવાળા કોણ છે?
વિજય સુવાળા મહેસાણા જિલ્લાના સુવાળાના વતની છે. વિજય સુવાળાના પિતા રણછોડભાઈએ 16 વર્ષની ઉંમરે અમદાવાદ આવીને ચા વેચવાનો ધંધો કર્યો હતો. વિજય સુવાળાના પિતાજી ટ્રકના ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા. વિજય સુવાળાએ નાનપણમાં પિતાનો સંઘર્ષ ખૂબ નજીકથી જોયો હતો. આથી નાનપણમાં મેળામાં ફરવા જવા માટે 10 રૂપિયા પણ માગી શકતા નહોંતા. ઘરની આર્થિક સ્થિતી સારી ન હોવાથી વિજય સુવાળાને ભણવામાં મન લાગતું નહીં અને ઝડપથી પૈસાદાર બનવાનો વિચારો આવતા હતા. આથી એક ખાનગી ટેલીકોમ કંપનીના કોલ સેન્ટરમાં રૂ. 6500ની નોકરીથી શરૂઆત કરી હતી.
ગાવાની શરૂઆત કેવી રીતે થઈ?
મોટા બાપુજીના ઘરે માતાજીના જાતરનો પ્રસંગ હતો. આ પ્રસંગે માતાજીનો માંડવા હતો ત્યારે ગણપતિનું ભજન ગાયું હતું. પરિવારના લોકોએ પૈસાની ઘોર કરી અને ભજનિક રમેશ રાવળે અવાજના વખાણ કર્યા તો ગાયક બનવાનો વિચાર આવ્યો. પિતાના મિત્ર ગોવિંદભાઈ ભરવાડના ઘરે ભજનમાં જતા ત્યારથી ન ખબર પડતા ગાયક બનવાની શરૂઆત થઈ ચૂકી હતી. દુરદર્શનમાં ભજનોનું રેકોર્ડિંગ થતું ત્યારે પણ ઓડિયન્સમાં બેસવા જતા હતા.
‘સીદડી તલાવડી’ ગીતે રાતોરાત પ્રસિદ્ધિ અપાવી
વિજય સુવાળા ભુવાજી હોવાથી શરૂઆતમાં માતાજીની રેગડી અને ગરબા જ ગાતા હતા. સંજય ત્રાગડ નામના મિત્રએ સૌપ્રથમ વખત વિજય સુવાળાને પ્રોફેશનલ સિંગર બનવાનું સપનું દેખાડ્યું. આથી વિજય સુવાળાએ રેગડી સિવાયના ઉત્તર ગુજરાતના ગીતો ગાવા લાગ્યા. રણાસણ ગામમાં એક માતાજીના કાર્યક્રમમાં વિજય સુવાળાએ ‘સીદડી તલાવડી’ ગીત ગાયું હતું. આ ગીતનો વીડિયો ઉત્તર ગુજરાતમાં વાયરલ થતા વિજય સુવાળા રાતોરાત લોકપ્રિય બની ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.