તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2020ના ન ભુલાય તેવા દ્રશ્યો:લોકડાઉનમાં મહિલા એ પોલીસ સ્ટે.માં દીકરાને ફિડિંગ કરાવ્યું, સોમનાથમાં શ્રાવણના 1લા દિવસે ભક્તોએ લાકડી ખાધી

ગાંધીનગર3 મહિનો પહેલા

કોરોના મહામારીએ 2020ને બાનમાં લીધું હતું. હવે એની વિદાય આડે ગણતરીના કલાકો જ બચ્યા છે, ત્યારે ગુજરાત માટે આ વર્ષ પડકારરૂપ રહ્યું હતું. કોરોના અને ત્યાર બાદની લોકડાઉન જેવાં પગલાંએ ગુજરાતીઓને ઘરમાં જ કેદ કર્યા હતા. રાજ્યનાં નાનાં-મોટાં શહેરો અને ગામડાંમાં લોકડાઉનને કારણે રસ્તા સૂમસામ બન્યા હતા. અમદાવાદ, રાજકોટની કોવિડ હોસ્પિટલની આગની દુર્ઘટનાઓમાં દર્દીઓના કોરોના નહીં, પણ આગને કારણે મોત થયાં. કોરોનાકાળમાં ફરજ અને માતૃત્વના કિસ્સા પણ સામે આવ્યા, લોકડાઉનમાં લોકોને ખાવાનાં ફાંફાં પડતાં નાછૂટકે કહેવું પડ્યું કે ભોજન દો અથવા ઝેર આપો. કોરોનાને કારણે મોત બાદ પણ મલાજો ન જાળવ્યાના કિસ્સા બહાર આવ્યા હતા. નેતાઓને કોરોનાનો ભય જ હોય તેમ છતાં ફોટોસેશન કરાવતા જોવા મળ્યા હતા, કોરોના વચ્ચે મેઘરાજાએ કહેર વરસાવતા સુરત, દ્વારકા અને રાજકોટમાં પાણી પાણી હોય એવાં દૃશ્યો સામે આવ્યાં હતાં. સોમનાથ મંદિરે કોરોનાકાળમાં દર્શન કરવા માટે ભક્તોને દંડા ખાવા પડ્યા. ક્યાંક સગર્ભાને એમ્બ્યુલન્સમાં ન લઈ શકાતી હોવાથી ઝોળીમાં જીવનના જોખમે દવાખાને લઈ જવી પડી હતી. નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે પણ મોતનો મલાજો જાળવવા કોરોના વોરિયર્સ પીપીઈ કિટ પહેરી દર્દીના અંતિમસંસ્કાર કરી માનવધર્મ નિભાવતા દેખાયા. અનેક રીતે પડકારજનક રહેલા વર્ષ 2020ની અલવિદા અને આવી જ કેટલીક ઘટનાઓ સાથે DivyaBhaskarનો ખાસ રિપોર્ટ.

રાજકોટમાં મહિલા ASI પોલીસ સ્ટેશનમાં જ ફરજ સાથે માતૃત્વ નિભાવતાં, પતિ લઈ આવે એટલે 1 વર્ષના પુત્રને ફીડિંગ કરાવતાં
રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનનાં ASI રેખાબેન રમેશભાઇ સાવલિયાને સંતાનમાં બે બાળક છે. એક વર્ષના પુત્રને ફીડિંગ કરાવવા તેમના પતિ દર ત્રણ કલાકે પોલીસ સ્ટેશન જતા હતા. રેખાબેન પોલીસ સ્ટેશનમાં 12 કલાક નોકરી કરતાં હતાં. ત્યારે કોરોના વોરિયર એવાં મહિલા ASIની તસવીર વાઈરલ થઈ હતી અને લોકોએ કોરોના વોરિયર માતાને સો સો સલામ કરી હતી.

અમદાવાદ-વડોદરા-રાજકોટ-સુરત શહેરો સહિત સમગ્ર રાજ્યમાં લોકડાઉનમાં સન્નાટો છવાયો
કોરોના સામે જંગ લડવા ભારતમાં સરકારે લોકડાઉન જાહેર કર્યું હતું. ત્રણ તબક્કાના લોકડાઉને અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત રાજ્યનાં મોટાં શહેરો અને ગામડાંને બાનમાં લીધાં હતાં. લોકડાઉનને પગલે લોકોએ ઘરમાં પુરાઈ રહેવું પડ્યું હતું અને રસ્તાઓ ભેંકાર ભાસતા હતા. ચારેય તરફ સન્નાટો છવાયેલા હતો.

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં રાત્રે 3 વાગે આગ લાગતાં કોરોનાનાં 8 દર્દીનાં મોત
નવરંગપુરા વિસ્તારની કોવિડ-19 ડેઝિગ્નેટેડ ચાર માળની શ્રેય હોસ્પિટલના ટોપ ફ્લોર પર ICUમાં 5 ઓગસ્ટે મધરાતે 3:30 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી હતી. આ આગમાં કોરોનાના દર્દી એવા 5 પુરુષ અને 3 મહિલા સહિત 8 દર્દીનાં મોત થયાં હતાં. શ્રેય હોસ્પિટલમાં ફરજ બજાવતા વોર્ડ બોય ચિરાગના જણાવ્યા મુજબ, અરવિંદભાઈ ભાવસાર નામના દર્દી ઓક્સિજન માસ્ક કાઢી નાખતા હોવાથી તેમને બેડ સાથે બાંધવામાં આવ્યા હતા, પરંતુ તેને છોડાવી ન શકતા આગમાં તેમનું મોત થયું છે.

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલની આગમાં 5 ભડથું, રેસ્ક્યૂ કરાયેલાં માજીની તસવીર વાઈરલ
રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં 27 નવેમ્બરની મધરાતે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં હતા. આ હોસ્પિટલમાં કોરોનાના કુલ 33 દર્દી સારવાર લઈ હેઠળ હતા. તેમને ફાયરબ્રિગેડની ટીમે બચાવીને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કર્યા હતા. ફાયરબ્રિગેડના રેસ્ક્યૂ ઓપરેશન, વોર્ડની સ્થિતિ અને કણસી રહેલા દર્દીઓની કેટલીક ભયાનક તસવીરો સામે આવી હતી. તેમાં એ માજી જેઓ આગમાં બચ્યાં હતાં તેમની તસવીર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી.

ભાજપ પ્રદેશ-પ્રમુખ ખોડલધામ પહોંચ્યા, ફોટોસેશનમાં ઊમટી ભીડ
ભાજપના પ્રદેશ-પ્રમુખ સી. આર. પાટીલ જૂનાગઢથી રાજકોટ ગયા એ પહેલાં 23 ઓગસ્ટે સૌરાષ્ટ્રના આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામમાં દર્શને ગયા હતા. ત્યાં ભાજપના ધારાસભ્યો તેમજ નેતાઓ દર્શન બાદ ફોટોસેશન કરાવવા માટે એકઠા થયા હતા અને જાણે તેમની પાસે કોરોનાની રસી આવી ગઈ હોય તેમ એકદમ નજીક આવીને ફોટા પડાવવા માટે ઊભા રહી ગયા હતા. સોશિયલ ડિસ્ટન્સ ન જાળવી તેમણે કોરોનાની સાવચેતીના તમામ નિયમોનો કચ્ચરઘાણ કાઢ્યો હતો. ઘણા નેતાઓએ તો માસ્ક પણ પહેર્યા ન હતાં, આ બાબતે ‘માસ્ક ખોવાયું છે’ તેવી રમૂજ પણ ફેલાવાઈ હતી. ખોડલધામમાં સી.આર.પાટીલને ચાંદીથી તોલવામાં આવ્યા હતા.

રાજકોટ: 6 ઈંચ વરસાદથી રામનાથપરા વિસ્તાર પાણીમાં, રામનાથ મહાદેવ મંદિરની અડધી છત ડૂબી
રાજકોટમાં 24 ઓગસ્ટે છ ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાંચ ફૂટ સુધી પાણી ઘૂસ્યાં હતાં. શહેરના રામનાથપરા, જંગલેશ્વર, લલૂડી વોકળી સહિતના વિસ્તારોમાં રહેતા લોકોનાં ઘરમાં પાણી ઘૂસી ગયાં હતાં. 1 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાવવું પડ્યું હતું. પોલીસ કમિશનરે આ વિસ્તારને કોર્ડન કરી લોકોને નીચાણવાળા વિસ્તારમાં ન જવા અપીલ કરી હતી. આજી ડેમ ઓવરફ્લો થતાં 12 દરવાજા 8 ફૂટ ખોલવામાં આવ્યા હતા.

ભગવાન કૃષ્ણની દ્વારકા નગરીમાં કેડસમા પાણી ભરાયાં
દ્વારકામાં 48 કલાકમાં 25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, આથી ભગવાન કૃષ્ણની નગરી દ્વારકામાં આજે ત્રીજા દિવસે પણ હજી કેડસમા પાણી ભરાયેલાં છે. ઘરો અને દુકાનોમાં હજી એકથી 2 ફૂટ સુધી પાણી ભરાયેલાં છે, આથી વેપારીઓનો સામાન પલળી જતાં મોટા નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. દ્વારકામાં વરસાદી પાણીમાં ડૂબી જવાથી 26 વર્ષના યુવાનનું મોત નીપજ્યું છે.

શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ સોમનાથ દાદાના ભક્તોને પોલીસે માર્યા, મંદિરમાં વ્યવસ્થાનો અભાવ
આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે જ સોમનાથ દાદાના ભક્તો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. સોમનાથ મહાદેવના મંદિરમાં ભક્તોની ભીડ જામી હતી અને કોવિડની ગાઈડલાઈન્સના લીરેલીરા ઊડ્યા હતા. મંદિર પરિસરમાં ધક્કામુક્કી અને ટોળાશાહીનાં દૃશ્યો સામે આવ્યાં હતાં. પોલીસે ભક્તો પર લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરતાં ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો, જેને કારણે પોલીસ અને ભક્તો વચ્ચે મારામારીની ઘટના બની હતી. સવાલ એ થાય છે કે ડાકોર, કુબેરભંડારી સહિતનાં મંદિરો બંધ રાખવામાં આવ્યાં છે તો પછી સોમનાથ મંદિર કેમ ખુલ્લું રાખવામાં આવ્યું છે?

દેવ નદીમાં પૂરને પગલે કોઝવે પાણીમાં ગરકાવ, ધસમસતા પાણીમાં સગર્ભાને ઝોળી બાંધીને જીવના જોખમે દવાખાને લઈ જવાઈ
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં આવેલા માથાસર ગામની મહિલાને પ્રસૂતિની પીડા ઊપડતાં દેવ નદીના ધસમસતા પાણી પ્રવાહમાં જીવના જોખમે તેનાં પરિવારજનોએ ઝોળીમાં બાંધીને લઈ જવા લાચાર બન્યા હતા. માથાસર ગામ પાસે નદી પર બનેલા નાના કોઝવે પર વરસાદી પાણી ફરી વળતાં ગામલોકોનો વાહનવ્યવહાર બંધ થયો છે. દર ચોમાસામાં આવી વિકટ પરિસ્થિતિમાંથી પસાર થતાં આ ગામના લોકોને 108 એમ્બ્યુલન્સની તથા સ્વાસ્થ્યની ઈમર્જન્સી સેવાનો લાભ મળતો નથી.

અંકલેશ્વરમાં કોરોના વારિયર્સે વરસતા વરસાદે ધસમસતી નર્મદાના પૂરના પાણી વચ્ચે PPE કિટ પહેરી કોરોનાગ્રસ્ત મૃતકની અંતિમવિધિ કરી
નર્મદા નદીનો જળસ્તર વધતાં નદીના પાણી અંકલેશ્વર બાજુના છેડે આવેલા ગુજરાતના સૌથી પહેલા સ્પેશ્યિલ કોવિડ સ્મશાન સુધી પહોંચ્યા હતા. નર્મદાના ધસમસતા પ્રવાહ સામે વરસતા વરસાદ વચ્ચે કોરોનાગ્રસ્ત મૃતકની અંતિમવિધિ કરવાની ફરજ પડી હતી. આટલા વરસાદ અને પૂર વચ્ચે પણ કોરોના વારિયર્સે કોરોનાગ્રસ્તના મૃતકનો મોતનો મલાજો જાળવી રાખ્યો હતો.

વડોદરાના જલારામનગરના 2 હજાર રહીશોએ કહેવું પડ્યું, ભોજન નહીં તો ઝેર આપી દો, જેથી ભૂખ્યા ન રહેવું પડે
કોરોના સંક્રમણને અટકાવવા માટે લોકડાઉનના 10 દિવસ બાદ સ્લમ વિસ્તારમાં રહેતા લોકોની હાલત વધારે ખરાબ થઇ હતી. વડોદરામાં 2 હજારની વસતિ ધરાવતા કારેલીબાગ જલારામનગરના લોકોએ તંત્ર અપીલ કરતાં જણાવ્યું પડ્યું હતું કે જો અમને મદદ કરી શકતા ન હોય તો અમને ઝેર આપી દો. જેથી લોકડાઉનમાં ભૂખ્યા મરવું ન પડે.

સુરતની શેરીઓમાં 2006 બાદ પૂરનાં પાણી ફરી વળ્યાં, ઉકાઈ ડેમના 19 દરવાજામાંથી પાણી છોડાયું હતું
ગુજરાતના ડાયમંડ સિટી સુરતમાં ઓગસ્ટના મધ્યમાં ખાડી પૂરની સ્થિતિ સર્જાઈ હતી. 2006ના પૂર બાદ ફરી સુરતની શેરીઓમાં પૂરનાં પાણી ઘૂસ્યાં છે. ખાડી કિનારાના લિંબાયત, બમરોલી, સરથાણા અને પરવત પાટિયા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. લોકોનાં ઘર સુધી ખાડીના પાણી પ્રવેશી જતાં તેમનામાં ખાડી પૂરનો ગભરાટ જોવા મળ્યો હતો.

ગાંધીનગર સેક્ટર-30ના સ્મશાનગૃહમાં એક જ એમ્બ્યુલન્સમાં 4 મૃતદેહના ખડકલાએ લોકોને હચમચાવી દીધા
ગાંધીનગરમાં 24 અને 25 નવેમ્બરે કોરોનાથી કોઈ દર્દીનું મૃત્યુ ન થયું હોવાનું સરકાર અને ગાંધીનગર જિલ્લા પંચાયતે સત્તાવાર રીતે જાહેર કર્યું હતું, પરંતુ બીજી તરફ આ જ દિવસોમાં કોરોનાથી મૃત્યુ પામેલા એકસાથે 4 દર્દીના મૃતદેહો એક જ શબવાહિનીમાં લઈ જવાતાં તંત્રનું જુઠ્ઠાણું ખુલ્લું પડ્યું હતું. સેક્ટર-30ના મુક્તિધામમાં અંતિમસંસ્કાર માટે એક જ શબવાહિનીમાં 4 મૃતદેહ લવાતાં સિવિલ હૉસ્પિટલ તંત્ર મોતનો મલાજો પાળવાનું ચૂક્યું હોવાનો રોષ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો