• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Gujarat With 6 Percent Of The Country's Land Area Has Become The Leading State Contributing 33 Percent To The Country's Pharmaceuticals Production

પ્રિ-વાયબ્રન્ટ સમિટ:દેશનો 6 ટકા ભુ-ભાગ ધરાવતું ગુજરાત દેશના ફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્શનમાં 33 ટકા જેટલું યોગદાન આપનારૂં અગ્રીમ રાજ્ય બન્યું છે: ભૂપેન્દ્ર પટેલ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતમાં ઉત્પાદિત થતી દવાઓ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રએ લોકોનો સંપૂર્ણ ભરોસો-વિશ્વાસ સંપાદિત કર્યો છે
  • ગુજરાતમાં ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમીનીસ્ટ્રેશનની 5 દાયકાની સફળ ગાથાના પુસ્તકનું વિમોચન સંપન્ન

મુખ્યમંત્રી ગાંધીનગરમાં પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ખાતે પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ અન્વયે આયોજિત હોલિસ્ટીક હેલ્થકેર: ફોક્સ ઓન ફાર્માસ્યુટિકલ્સ એન્ડ મેડીકલ ડિવાઇસીસ સમિટના ઉદ્દઘાટન અવસરે સંબોધન કરી રહ્યા હતા. આ સંદર્ભમાં ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, દેશના કુલ વિસ્તારનો 6 ટકા ભુ-ભાગ ધરાવતું ગુજરાત ભારતના ફાર્માસ્યુટિકલ પ્રોડક્શનમાં 1/3 એટલે કે 33 ટકા જેટલું યોગદાન આપીને અગ્રેસર બન્યું છે.

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મનસુખ માંડવીયા, ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી મતી નિમીષાબહેન સુથાર તેમજ ફાર્માસ્યુટિકલ વિભાગના કેન્દ્રીય સચિવ સુએસ. અર્પણા, ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયા ડૉ. સોમાણી, યુ.એસ.એફ.ડી એ ના સુમેકમૂલેન સહિત વરિષ્ઠ સચિવો અને અગ્રણી ફાર્મા-મેડીકલ ડિવાઇસીસ ઉદ્યોગકારો આ સમિટમાં જોડાયા હતા. મુખ્યમંત્રીએ ફાર્માસ્યુટિકલ, મેડીકલ ડિવાઇસીસ સેક્ટરના ઉદ્યોગકારો-નિવેશકોને વાયબ્રન્ટ સમિટમાં સહભાગી થવાનું નિમંત્રણ પાઠવ્યું હતું

તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના આહવાનને સાકાર કરવા ફાર્મા ઉદ્યોગો માટે આ સમિટ ઉપયુકત બનશે. ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, ગુજરાતમાં ઉત્પાદિત થતી દવાઓ અને ફાર્માસ્યુટિકલ સેક્ટરે લોકોનો સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ સંપાદિત કર્યો છે. ગુજરાત તબીબી ઉપકરણોના ઉત્પાદનમાં પણ અગ્રેસર છે. કાર્ડીયાક સ્ટેન્ટનું 70 ટકાથી વધુ તથા ઓર્થોપેડીક ઇમ્પ્લાન્ટસનું 60 ટકા જેટલું ઉત્પાદન રાજ્યમાં થાય છે. ગુજરાતનું આ ક્ષેત્ર ગુણવતા શ્રેષ્ઠતાના માનાંક પર ખરૂં ઉમર્યુ છે તેની ભૂમિકા આપતાં ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે ભરૂચ નજીક અત્યાધુનિક બલ્ક ડ્રગ પાર્ક કેન્દ્ર સરકારના સહયોગથી સ્થપાવાની કાર્યવાહી ગતિમાં છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

એટલું જ નહિ, કોરોના મહામારીમાં દવાઓ-ઔષિધઓની જે માંગ ઊભી થઇ તેની આપૂર્તિ પણ ગુજરાતે કરી છે. દવાઓ ઉપરાંત વેક્સિન અને એ.પી.આઇ ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં પણ ગુજરાતનું ઉલ્લેખનીય પ્રદાન છે એમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમીનીસ્ટ્રેશનની ૬ દાયકાની સફળતાની ગાથા આલેખતા પુસ્તકનું વિમોચન પણ કર્યુ હતું. તેમણે આ અંગે જણાવ્યું કે, દવાઓની ગુણવતાને લઇને રાજ્ય સરકારનું તંત્ર સતર્ક છે. દવા જેવી જીવન રક્ષક બાબતમાં કોઇ ચેડાં સરકાર ચલાવી લેવા માંગતી નથી. ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના તેમજ રાજ્યમાં કાર્યરત દીનદયાળ જન ઔષધિ સ્ટોર્સને પરિણામે સૌને સરળતાએ તથા સસ્તી, ગુણવતાયુકત જેનેરિક દવાઓ મળી રહે છે તેમ પણ ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ હેલ્થકેર અને ફાર્મા ઉદ્યોગોને હજુ આગળ લઇ જવાની નેમ દર્શાવતાં જણાવ્યું કે, આવનારા બે દાયકાના ભવિષ્યને ધ્યાનમાં રાખી લોકોને વાજબી ભાવે, ગુણવતા સભર દવાઓ અને આરોગ્ય સેવા પ્રદાન કરવાનું આયોજન ઘડવાનો હવેનો સમય છે. તેમણે આ દિશાના વિચાર-મંથન માટે હોલિસ્ટીક હેલ્થકેર-ફોક્સ ઓન ફાર્માસ્યુટિકલ્સ એન્ડ મેડીકલ ડિવાઇસીસ વિષયક સમિટ એક સક્ષમ પ્લેટફોર્મ બનશે તેવી આશા વ્યકત કરી હતી. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ ફાર્માસ્યુટીકલ ઉત્પાદકોને આહવાન કરતાં કહ્યું કે, દેશના જવાનો જેમ સીમાની સુરક્ષા કરે છે એ રીતે આપ સૌ નાગરિકોને સસ્તી અને ગુણવત્તાલક્ષી દવાઓનું ઉત્પાદન કરીને ઉત્તમ સેવાનું માધ્યમ બનાવીને જન સેવાનું અપ્રતિમ કાર્ય કરશો એવો મને દૃઢ વિશ્વાસ છે.

આજે ગુજરાત સરકાર દ્વારા આયોજીત હોલિસ્ટેક હેલ્થ કેર : હેલ્થ ઓન ફાર્માસ્યુટીકલ એન્ડ મેડીકલ ડિવાઈસીસ-પી ઇવેન્ટ સમીટના આયોજનને અભિનંદન આપતાં મંત્રી માંડવિયાએ કહ્યું કે, ગુજરાતને રોલ મોડલ પ્રસ્થાપિત કરવાના આશયથી તત્કાલીન મુખ્ય મંત્રીઅને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નોલેજ શેરીંગના માધ્યમ દ્વારા શરૂ કરાયેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટની આગામી સમયમાં દશમી શૃંખલા યોજાનાર છે એ માટે આ પ્રિઇવેન્ટ સમીટ મહત્વની પુરવાર થશે.

મુખ્યમંત્રી-કેન્દ્રીય આરોગ્ય મંત્રી સહિતના નેતા ઉપસ્થિત રહ્યાં
મુખ્યમંત્રી-કેન્દ્રીય આરોગ્ય મંત્રી સહિતના નેતા ઉપસ્થિત રહ્યાં

તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તમામ ક્ષેત્રોના વિકાસ માટે એક હોલીસ્ટીક એપ્રોચ અપનાવ્યો છે એટલે જ આરોગ્ય અને ફાર્માસ્યુટીકલ ક્ષેત્રને સાંકળીને એક જ મંત્રીપાસે હવાલો રાખ્યો છે. જેના પરિણામે નિર્ણયશક્તિ અને વિકાસની કામગીરીમાં એકસૂત્રતા તથા ઝડપ વધી છે. ભારતમાં સુદૃઢ માળખાગત સવલતો તો છે જ એની સાથે વિશ્વના દેશોને ભારતમાં વિશ્વાસ પણ છે એટલે જ ભવિષ્યમાં ફાર્મા ક્ષેત્રે ગુજરાત અને દેશ રીસર્ચ- પ્રોડકશનમાં આગળ વધશે. તેમણે વાયબ્રન્ટ ગુજરાત સમીટમાં વિશ્વના રોકારણકારોને ભાગીદારીમાં રોકાણ કરી મેન્યુફેકચરીંગ વધારીને એક્ષ્પોર્ટ કરવા પણ અપીલ કરી હતી.

માંડવિયાએ ઉમેર્યું કે, આરોગ્ય ક્ષેત્રને પણ વિકાસ સાથે જોડીને સ્વસ્થ સમાજના નિર્માણ માટે વડાપ્રધાનએ જે અભિગમ હાથ ધર્યો છે તેના સુભગ પરિણામો સાંપડયા છે. કેન્દ્ર સરકારદ્વારા ગરીબ પરિવારોને ગંભીર બિમારીઓમાં વિનામૂલ્યે સારવાર પૂરી પાડવા આયુષ્યમાન ભારત યોજના કાર્યાન્વિત કરી છે. જેના લીધે અમીર પરિવારો જે હોસ્પિટલોમાં સારવાર મેળવે છે ત્યાં જ ગરીબ પરિવારોને વિનામૂલ્યે સારવાર મળે છે. દેશના 10 કરોડ પરિવારો આનો લાભ મેળવી રહ્યા છે. દેશભરમાં 90 લાખ જેટલા હેલ્થ એન્ડ વેલનેમ સેન્ટરો કાર્યરત કર્યા છે અને આગામી બે વર્ષમાં 1.50 લાખ સેન્ટરોનું નિર્માણ કરવાનો અમારો નિર્ધાર છે. સાથે સાથે તબીબોની ઉપલબ્ધિ થાય એ માટે એમ.બી.બી.એસ.ની 80 હજાર બેઠકો ઉપલબ્ધ છે અને આગામી સમયમાં 1 લાખ જેટલી બેઠકો ઉપલબ્ધ કરાવાશે. તેમણે કહ્યું કે, નેશનલ હેલ્થમિશન અંતર્ગત દરેક રાજ્યમાં એક એઇમ્સ હોસ્પિટલ નિર્માણનું આયોજન છે. હાલ રર જેટલી એઇમ્સ દેશભરમાં કાર્યરત કરી દેવાઇ છે.

મંત્રી માંડવિયાએ કહ્યું કે, નાગરિકોને સસ્તી અને ગુણવત્તાલક્ષી દવાઓ મળી રહે એ માટે 8500 જેટલા જન ઔષધિ કેન્દ્રો કાર્યરત કરી દેવાયા છે. ભારતમાં બનતી જેનરીક દવાઓ પૈકીની 40 ટકા દવાઓ અમેરિકામાં વપરાય છે. જેનરીક દવાઓનો ફાળો આજે દેશભરમાં 8 ટકાથી વધુ છે. દેશમાં ફાર્માસ્યુટીકલ ક્ષેત્રે આગળ વધવા અને ઉત્પાદન વધારવા માટે કેન્દ્ર સરકારે પારદર્શી નીતિ સાથે મંજૂરીઓ માટે વધુ સરળીકરણની નીતિ અપનાવી છે. દેશમાં 10 હજારથી વધુ એમ.એસ.એમ.ઇ. એકમો દ્વારા દવાઓનું ઉત્પાદન થઇ રહ્યું છે.

માંડવિયાએ ઉમેર્યું કે, આત્મનિર્ભર ભારત માટે આપણી જરૂરિયાતો પુરી કરીને દેશ અને દુનિયાની જરૂરીયાતો પૂર્ણ કરવા સૌએ પ્રયાસ કર્યો છે તે અભિનંદનને પાત્ર છે. કોવિડ-19ની વૈશ્વિક મહામારી સમયે વેક્સીનની શોધ કરી ટૂંકા ગાળામાં વેકસીન ઉપલબ્ધ બનાવીને 150થી વધુ દેશોને આપણે રસી પૂરી પાડીને મદદ કરી છે. ભારતમાં મેનપાવર, બ્રેઇનપાવર તો છે જે એને ચેનલાઇઝ કરવાનું કામ દેશના વડાપ્રધાનએ કર્યું અને કોવિડ સામે વિશ્વને સુરક્ષિત કરવામાં ભારતે યોગદાન આપ્યું એ આપણા માટે ગૌરવરૂપ છે.

તેમણે કહ્યું કે, ફાર્મા ઉત્પાદકોએ રીસર્ચ કરી ભારતની પેટન્ટ ઉભી કરી દુનિયાને પહોંચાડી છે એ માટે કેન્દ્ર સરકાર રીસર્ચ પોલીસીની દિશામાં કામ કરી રહી છે ત્યારે આવનાર સમયમાં ભારત આ ક્ષેત્રે પણ વિશ્વને રાહ ચીંધશે. આત્મનિર્ભર ભારત માટે રોકાણકારો માટે ભારત બેસ્ટ ડેસ્ટીનેશન બન્યું છે. કોવિડ બાદ રોકાણ માટે ભારતની પ્રથમ પસંદગી લોકો કરી રહ્યા છે. ભારત મોટી લોકશાહી સાથે મજબૂત નેતૃત્વ અને મજબૂત જસ્ટીસનું માળખું છે. જેના લીધે હિન્દુસ્તાન પર લોકોનો વિશ્વાસ વધ્યો છે એ તાકાતનો આપણે ઉપયોગ કરી ઉત્તમ સેવા કરવાના અવસરને આપણે ઉચ્ચત્તમ રીતે નિભાવવાનો છે, તેમ તેમણે ઉમેર્યું છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે કહ્યું કે, ભારત વૈશ્વિક સ્તરે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે. ભારત વૈશ્વિક સ્તરે જેનરિક દવાઓનો સૌથી મોટો પ્રદાતા છે. દેશમાં 10,000થી વધુ ફાર્માસ્યુટિકલ ઉત્પાદન એકમો છે. ભારત 60 થેરાપ્યુટિક કેટેગરીમાં 60,000થી વધુ જેનરિક ડ્રગ બ્રાન્ડ ઓફર કરે છે વધુમાં, ભારત વિવિધ રસીઓ માટેની વૈશ્વિક માંગના 60% થી વધુ અને વૈશ્વિક સ્તરે ઉપયોગમાં લેવાતી એન્ટિરેટ્રોવાયરલ દવાઓના લગભગ બે તૃતીયાંશ ભાગનો પુરવઠો પૂરો પાડે છે. દેશમાં વૈજ્ઞાનિકો અને ઈજનેરોનું એક મોટું વ્યાવસાયિક સંગઠન પણ છે, જે ઉદ્યોગને વધુ ઊંચાઈએ લઈ જવાની ક્ષમતા ધરાવે છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા

મંત્રી પટેલે ઉમેર્યું કે, ભારતના ફાર્માસ્યુટિકલ માર્કેટમાં ગુજરાતનો હિસ્સો લગભગ 1/3 છે. રાજ્યમાં 3,300 થી વધુ ફાર્માસ્યુટિકલ એકમો કાર્યરત છે, જેમાં 130થી વધુ USFDA મંજૂર એકમો અને લગભગ 700 WHO GMP ઉત્પાદન એકમોનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર દ્વારા ભરૂચમાં હોલસેલ ડ્રગ્સ પાર્ક સ્થાપવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં રૂ. 11,000 કરોડથી વધુના રોકાણની અપેક્ષા છે જે આપ સૌના સહયોગથી પૂરી થશે. બલ્ક ડ્રગ પાર્કમાં વેરહાઉસથી લઈને ટેસ્ટિંગ લેબ સુધીની તમામ સુવિધાઓ હશે. જે કાર્યક્ષમતા વધારવામાં, ખર્ચ-સ્પર્ધાત્મકતા બનાવવામાં અને ઉત્પાદન પોર્ટફોલિયોને વિસ્તૃત કરવામાં મદદ કરશે.

મંત્રી પટેલે વધુમાં ઉમેર્યું કે, ગુજરાત ફાર્માસ્યુટિકલ ઉત્પાદનમાં અગ્રેસર છે. બલ્ક ડ્રગ પાર્ક મુખ્ય પ્રારંભિક સામગ્રી અને કાચા માલની આયાત પરની આપણી નિર્ભરતાને ઘટાડવામાં ફાળો આપશે. ગુજરાત રાજ્ય ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) ગુજરાતમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં વ્યવસાય કરવાની સરળતા વધારવા માટે વધુને વધુ પ્રયાસો કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ફાર્મા ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદકોને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે પણ અનેક વિધ નવતર આયામો હાથ ધર્યા છે. તેના પરિણામે ઉત્પાદન ક્ષેત્રે નોંધપાત્ર વધારો થશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભારતના ડ્રગ કન્ટ્રોલર ડૉ. વી.જી. સોમાની એ કહ્યું કે, ગુજરાત સરકાર, ડીપીટીએમટી અને એફડીસીએ સમયનું મૂલ્ય જાણે છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દેશના ફાર્મા ઉધોગની જરૂરિયાતને જાણી તેને પૂરી પાડવા ઝડપથી કાર્ય કરે છે.

સોમાનીએ ઉમેર્યું કે, ગુણવત્તાયુક્ત અને પરવડે તેવી હેલ્થકેર સુધી પહોંચ એ કેન્દ્ર સરકાર માટે પ્રાથમિકતા છે. દવાઓ પરનો ખર્ચ ઘટાડવા માટે, ભારત સરકારની પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજના (PMBJP) અને ગુજરાત સરકારના દીનદયાળ પ્રધાન જન ઔષધિ સ્ટોર દર્દીઓને જેનરિક દવાઓ પૂરી પાડે છે. જેનરિક દવાઓની કિંમત તેમના બ્રાન્ડેડ વર્ઝન કરતાં 30% થી 80% જેટલી ઓછી હોય છે. જેનરિક દવાઓ તેમની સલામતી અને અસરકારકતાના સંદર્ભમાં બ્રાન્ડેડ દવાઓ જેટલી જ અસરકારક છે. આજે ગુજરાત આ ક્ષેત્રે પોતાની કુશળતા પુરવાર કરી રહ્યું છે. આગામી દિવસોમાં ગુજરાત દવાઓનું પ્રમુખ સપ્લાયર બની જશે.

આરોગ્ય વિભાગના અધિક મુખ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે સ્વાગત પ્રવચન કરતા કહ્યુ કે,તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને રોલ મોડલ બનાવવા માટે વર્ષ ૨૦૦૩થી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શૃખલા ની શરૂઆત કરી હતી જેની અગામી જાન્યુઆરી માસમા દશમી શૃખલા યોજાશે જેના ભાગરૂપે આજે ફોકસ ઑન ફાર્માસ્યુટીકલ્સ એન્ડ મેડીકલ ડીવાઈસીઝ પ્રી ઈવેન્ટ સમિટનુ આયોજન કર્યુ છે. તેમણે પ્રિ ઈવેન્ટ સમિટનો હેતુ સ્પષ્ટ કરતા કહ્યુ કે, આત્મનિર્ભર ગુજરાતના નિર્માણ થકી આત્મનિર્ભર ભારતનુ સપનુ સાકાર કરવા આ સમિટ મહત્વની પુરવાર થશે.

કેન્દ્રીય આરોગ્ય સચિવ એસ.અપર્ણાએ આ પ્રિ ઈવેન્ટ સમિટના આયોજન અંગે ગુજરાત સરકારને અભિનંદન આપતા કહ્યુ કે, નોલેજ શેરીગ અને ઈન્ડ્રસ્ટીઝ ક્ષેત્રને મજબૂત બનાવી સામાજિક વિકાસના આશયથી શરૂ કરાયેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે આજે વૈશ્વિક ઓળખ મેળવી છે અને રોકાણકારો ગુજરાત તરફ આકર્ષાયા છે. નાગરિકોને સસ્તી અને ઉત્તમ ગુણવત્તા વાળી દવાઓ મળી રહે એ દિશામાં ગુજરાત કાર્ય કરી રહ્યું છે.

ગુજરાત આવનારા દિવસોમાં વધુને વધુ સંશોધનો કરી દવાઓના ઉત્પાદન ક્ષેત્રે નવી સિદ્ધિઓ હાંસલ કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. USFDA ના કન્ટ્રી ડાયરેક્ટર સારાહ મેકમુલને કહ્યું કે, સામાજિક-આર્થિક વિકાસ માટે બિઝનેસ નેટવર્કિંગ, નોલેજ શેરિંગ અને વ્યૂહાત્મક ભાગીદારી માટેના સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક ફોરમ તરીકે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે નામના મેળવી છે. ગુજરાત મેડિકલ અને ફાર્મા ક્ષેત્રે એક હબ તરીકે ઉભરી આવ્યું છે કારણ કે અહીં નિષ્ણાંત તબીબો, અદ્યતન સાધનો, હેલ્થકેરનું સમૃદ્ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનહિત લક્ષી યોજનાઓ, વ્યાજબી કિંમતે દવાઓ અને નજીવો તબીબી ખર્ચ છે.

ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ.જી. કોશિયાએ આભાર વ્યક્ત કરતા કહ્યું કે, ભારત સરકારની સૂચિત પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ અને આગામી બલ્ક ડ્રગ પાર્ક રાજ્યની ઉત્પાદન ક્ષમતાઓમાં વધારો કરવા અનુકૂળ સ્થિતિ આપે છે. આમ આ સમિટમાં ફાર્મા ઉદ્યોગકારોના વ્યાપક સામાજિક-આર્થિક વિકાસ માટે પૂરતી તક રહેલી છે. આ કાર્યક્રમમાં આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષાબેન સુથાર, કેન્દ્ર અને રાજ્યના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા હેલ્થ અને ફાર્મા ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...