સ્ટોલ ધારકોને મોટું નુકશાન:ગુજરાત વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રખાતા સ્ટોલ ધારકોને મોટું નુકશાન, 200 થી વધુ સ્ટોલ ઉભા કરી દેવાયા હતા

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાઇબ્રન્ટ સમિટમાં 27 દેશો સમિટમાં ભાગ લેવાના હતા
  • ગ્લોબલ ટ્રેડ શોનું પણ આયોજન સરકાર દ્વારા ઘડી કાઢવામાં આવ્યું હતું
  • 48 સ્કવેર મીટરના સ્ટોલનું ભાડું રૂ. ત્રણ લાખ લેવાયું હતું

ગાંધીનગરમાં ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ ચાર દિવસ પહેલા યોજાવાની હતી, જેને કોરોનાના વધતાં જતાં સંક્રમણનાં પગલે સરકારે અણધારી રીતે આજે અચાનક નિર્ણય કરીને મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. વાયબ્રન્ટ સમિટમાં વિવિધ કંપનીઓ, યૂનિવર્સિટી સહિતના સ્ટોલ ધારકોને મોટું આર્થિક નુકશા વેઠવાનો વારો આવ્યો છે. અત્યાર સુધી 200 થી વધુ સ્ટોલ ઉભા કરી દેવાયા હતા.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ આગામી 10થી 12મી જાન્યુઆરી દરમિયાન યોજવા માટે સરકાર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી. જેમાં 27 દેશો સમિટમાં ભાગ લેવાના હતા અને ગ્લોબલ ટ્રેડ શોનું પણ આયોજન સરકાર દ્વારા ઘડી કાઢવામાં આવ્યું હતું. જેનાં માટે ઈન્ડેક્સ-બી વિભાગ દ્રારા ખ્યાતનામ કંપનીઓ, શૈક્ષણિક સંસ્થા સાથે કરારો કરીને ભાડું વસૂલી હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે જે તે કંપની સહિતને સ્ટોલ પણ ફાળવી દેવાયા હતા.

જે અન્વયે સ્ટોલ ધારકો દ્વારા છેલ્લા ઘણા દિવસોથી તડામાર તૈયારીઓ કરી લેવાઈ હતી. જેમાં મોટા 12 જેટલા અને શૈક્ષણિક સંસ્થાઓ સહિતના નાના 200 જેટલા સ્ટોલ ઉભા કરાયા હતા. જે 48 સ્કવેર મીટરનું ભાડું રૂ. ત્રણ લાખ રખાયું હતું. જેનાં માટે સ્ટોલ ધારકો દ્વારા કોઈ કચાશ રહી ના જાય તે માટે લાખો રૂપિયાનો ધુમાડો કરી દેવાયો હતો. ઉપરાંત ઘણાએ કોન્ટ્રાક્ટ પર ખર્ચો કરીને જરૂરી સર સામાન, લાઈટનિંગ સહિતની સુવિધાઓ પણ ઉભી કરી દીધી હતી.

એટલે સુધી કે જે તે સ્ટોલ ધારકોને વાયબ્રન્ટ સમિટ દરમિયાન પોતાના વિભાગમાં લોકોને આમંત્રિત પણ કરી દીધા હતા. આ અંગે શૈક્ષણિક સંસ્થાના એક સ્ટોલ ધારકે નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું હતું હતું કે, વાયબ્રન્ટ સમિટના પગલે મહિના પહેલાંથી સંસ્થા દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી. મોડી રાત્રે બાર બાર વાગ્યા સુધી હેલીપેડ એક્ઝિબિશન ખાતે રાત દિવસ કામગીરી કરાવી હતી. જેની પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરી દેવામાં આવ્યો છે. અને સ્ટોલનું ભાડું પણ ચૂકવી દઈ જરૂરી પ્રક્રિયા પણ પૂર્ણ કરી દીધી હતી.

છેલ્લાં ઘણાં દિવસથી વાયબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાની માંગ ઉઠવા પામી હતી. જો સરકારે સમિટ મોકૂફ જ રાખવાની હતી તો અગાઉથી અમોને જાણ કરવાની જરૂરિયાત હતી. આ રીતે અચાનક જ સમિટ મોકૂફ રાખી દેવામાં આવતા હવે મોટું નુકશાની વેઠવાનો વખત આવ્યો છે. અમારે લોકોને બિલ પણ ચૂકવવાના બાકી છે. જોકે, એક વાત ચોક્કસ છે કે હાલની સ્થિતિ જોતાં સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયને આવકારીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...