આરોગ્ય કર્મચારીઓને આદેશ:આજથી રજાના દિવસે વેક્સિનેશન સહિતની કામગીરીથી અળગા રહેવાં ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘનો નિર્ણય

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહા સંઘના પ્રમુખ કિરીટસિંહ ચાવડાએ પત્ર જાહેર કર્યો

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહા સંઘ દ્વારા અગાઉ વારંવાર રજૂઆત કરવા છતાં રજાના દિવસે પણ રાજ્યની વિવિધ જિલ્લા પંચાયતો હસ્તકના આરોગ્ય કર્મચારીઓને રજાના દિવસે પણ રસીકરણનો ટાર્ગેટ પૂર્ણ કરવા કામગીરી કરવાની ફરજ પાડવામાં આવી રહી હતી. જેનાં પગલે ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આજથી રજાના દિવસે ફરજ નહીં બજાવવા સર્વાનુમતે નિર્ણય કરી આરોગ્ય કર્મચારીઓને આદેશ આપવામાં આવ્યો છે.

ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહા સંઘના પ્રમુખ કિરીટસિંહ ચાવડાએ જાહેર કરેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, રાજયની વિવિધ પંચાયતો હસ્તક ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓને રજાના દિવસે ફરજ નહીં બજાવવા આદેશ આપવામાં છે. મહા સંઘની રૂબરૂ મુલાકાત, વારંવારની લેખિત રજૂઆતો અને ગત તા. 24 સપ્ટેમ્બરે જાહેર રજા અંગેનો પત્ર આપવા છતાં કોઈ રજૂઆતને ધ્યાને લેવામાં આવી નથી.

છેલ્લા દોઢ વર્ષથી આરોગ્ય કર્મચારીઓ અવિરત સેવા આપતા હોવાથી શારીરિક, માનસિક અને સામાજિક રીતે ભાંગી પડ્યા છે. તેમ છતાં રજાનો લાભથી આરોગ્ય કર્મચારીઓને વંચિત રાખી અન્યાય કરાઈ રહ્યો છે. જેથી જિલ્લા કક્ષાના મહાસંઘો અને મંડળોએ લેખિત રજૂઆતો કરવામાં ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ને મળી હતી. જેની પુખ્ત વિચારણાના અંતે હવેથી રાજયના આરોગ્ય કર્મચારીઓને રજાના દિવસોમાં ફરજ નહીં બજાવવા આદેશ કરવામાં આવે છે.

વધુમાં પ્રમુખ ચાવડાએ ઉલ્લેખ કર્યો છે કે, આંદોલન સમયના પડતર પ્રશ્નો, ક્ષેત્રીય ફેરણી ભથ્થું આપવા, કોરોના વોરીયર પ્રોત્સાહિત રકમ તેમજ કોરોના કાળ સમયે જાહેર રજાના દિવસે ફરજ બજાવેલ દિવસોનો રજા પગાર આપવાનું નક્કી થયું હતું. જે અંગે પણ આજદિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. જેથી આરોગ્ય કર્મચારીઓમાં તીવ્ર રોષ વ્યાપી ચૂક્યો છે.

આરોગ્ય કર્મચારીઓને બેવડી નીતિ અપનાવી "રસી લેવી મરજિયાત પણ આરોગ્ય કર્મચારીઓએ લક્ષ્યાંક પૂર્ણ કરવો" તેવા વડી કચેરીથી આદેશો થતાં આરોગ્ય કર્મચારીની હાલત બદતર થઈ ગઈ છે. જેથી પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓએ આજે તા. 17 મી ઓક્ટોબર થી હવે પછી જાહેર રજા અને રવિવારના દિવસોમાં ફરજ નહીં બજાવવા આદેશ આપવામાં આવે છે. આ આદેશનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જો કે કોવિડ પોજીટીવ જગ્યાએ અને અન્ય રોગચાળો હોય તે જગ્યાનાં કર્મચારીઓએ ફરજ બજાવવાની રહેશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...