સ્કોચ ગોલ્ડ એવોર્ડ:ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની એમીશન ટ્રેડીંગ સ્કીમને પ્રતિષ્ઠિત સ્કોચ ગોલ્ડ એવોર્ડ એનાયત કરાયો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દીલ્હી ખાતે યોજાયેલા 81મા સ્કોચ સમીટમાં એવોર્ડ એનાયત કરાયો

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની એમીશન ટ્રેડીંગ સ્કીમને પ્રતિષ્ઠિત સ્કોચ ગોલ્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પરિણામો આપતી અનેક સંસ્થાઓને સ્કોચ એવોર્ડથી સન્માનિત કરવા તાજેતરમાં દીલ્હી ખાતે યોજાયેલા 81મા સ્કોચ સમીટમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને સુરત ખાતેના ઔધોગિક એકમો માટે બોર્ડ દ્વારા કાર્યાન્વિત કરવામાં આવેલ એમીશન ટ્રેડીંગ સ્કીમ માટે પ્રતિષ્ઠિત સ્કોચ ગોલ્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે.

સ્કોચ એવોર્ડ છેલ્લા 20 વર્ષથી દેશમાં સૌથી વિશ્વસનીય રીતે અપાતા એવોર્ડ છે અને તેને પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણ, સામાજીક ઉત્થાન, ઉર્જા, વિગેરે ક્ષેત્રોમાં અસાધારણ પ્રયાસો માટે તૃતીય-પક્ષ દ્વારા મૂલ્યાંકનના આધારે આપવામાં આવતા ભારતના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંનો એક ગણવામાં આવે છે.

આ પ્રસંગે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ આર.બી. બારડે જણાવ્યું હતું કે, એમીશન ટ્રેડીંગ સ્કીમ એ હવા પ્રદૂષણ નિયંત્રણની દિશામાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની એક નવતર પહેલ છે જે અન્ય રાજ્યો તથા દેશો માટે પ્રેરણારૂપ શાબિત થશે. બારડે વધુમાં જણાવેલ કે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એમીશન ટ્રેડીંગ સ્કીમનું સુરત ખાતે સફળતાપૂર્વક અમલીકરણ કરવામાં આવેલ છે અને તેના ઉત્સાહજનક પરિણામોને ધ્યાને લેતાં હવે એમીશન ટ્રેડીંગ સ્કીમનું અમદાવાદ ખાતે અમલીકરણ કરવાનું નક્કી કરવામાં આવેલ છે.

બોર્ડના સભ્ય સચિવ એ. વી. શાહે જણાવ્યું હતું કે, એમીશન ટ્રેડીંગ સ્કીમ બોર્ડ્નો એક સીમાચિહ્ન રૂપ પ્રોજેક્ટ છે જેનાથી હવા પ્રદૂષણમાં ઘટાડાના કારણે નાગરિકોનું આરોગ્યનું રક્ષણ થાય છે, કન્ટીન્યુઅસ એમીશન મોનીટરીંગ સીસ્ટમ (CEMS) દ્વારા પાર્ટીક્યુલેટ મેટર ઉત્સર્જનના દર મીનીટે મળતા ચોક્કસ અને સચોટ રીડીંગ્સ ના કારણે પ્રદૂષણ કરતાં એકમોનું સતત મોનીટરીંગ કરી શકાય છે તેમજ પાર્ટીક્યુલેટ મેટરનું ઓછું ઉત્સર્જન કરનાર એકમોને પરમીટ વેચવાથી નાણાંકીય ફાયદો પણ થાય છે આમ એમીશન ટ્રેડીંગ સ્કીમ નાગરિકો, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તેમજ ઓછું પ્રદૂષણ કરતાં ઉદ્યોગો એમ તમામ માટે Win-Win-Win પરિસ્થિતિ પ્રદાન કરે છે.

સુરત ખાતે કાર્યરત એમીશન ટ્રેડીંગ સ્કીમ એ દેશની સર્વ પ્રથમ એમીશન ટ્રેડીંગ સ્કીમ છે અને પાર્ટીક્યુલેટ મેટરના પ્રદૂષણ માટે વિશ્વની સર્વ પ્રથમ એમીશન ટ્રેડીંગ સ્કીમ છે જેનું વિશ્વની નામાંકિત યુનીવર્સીટી ઓફ શીકાગો અને યેલ યુનીવર્સીટીના સંશોધકો તેમજ જેપાલ-સાઉથ એશીયા ના સહયોગથી તા. 16-09-2019થી સુરત ખાતે 342 ઔદ્યોગિક એકમોમાં એમીશન ટ્રેડીંગ સ્કીમનું અમલીકરણ કરવામાં આવ્યું છે.

એમીશન ટ્રેડીંગ સ્કીમના અમલીકરણથી એમીશન ટ્રેડીંગમાં ભાગ લેતા ઔદ્યોગિક એકમો દ્વારા થતા પાર્ટીક્યુલેટ મેટરના કુલ ઉત્સર્જનમાં 18 % નો ઘટાડો નોંધાયેલ છે. સુરત ખાતે ઉત્સાહજનક પરિણામોને ધ્યાને લેતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હવે અમદાવાદ ખાતે પણ એમીશન ટ્રેડીંગ સ્કીમનું અમલીકરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

એમીશન ટ્રેડીંગ સ્કીમ માટે અમદાવાદ અને આસપાસમાં આવેલ આશરે 200 ઔદ્યોગિક એકમોની પસંદગી કરી દેવામાં આવેલ છે અને હાલમાં ઔદ્યોગિક એકમોની ચીમનીઓ પર કન્ટીન્યુઅસ એમીશન મોનીટરીંગ સીસ્ટમ (CEMS) પ્રસ્થાપિત કરવાની કામગીરી ચાલી રહી છે.

અમદાવાદ ખાતે એમીશન ટ્રેડીંગ સ્કીમ ના અમલીકરણથી આ સ્કીમ માટે પસંદ કરવામાં આવેલ ઔદ્યોગિક એકમો દ્વારા થતા પાર્ટીક્યુલેટ મેટરના કુલ ઉત્સર્જનમાં ઘટાડો થશે અને અમદાવાદ શહેરની વ્યાપક હવાની ગુણવત્તા સુધરશે.

અન્ય સમાચારો પણ છે...