માલધારી સમાજ આકરાં પાણીએ:વિધાનસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો ગુજરાત માલધારી મહાપંચાયતનો નિર્ણય

ગાંધીનગર9 દિવસ પહેલા

માલધારી સમાજનાં જૂના પડતર પ્રશ્નોનો આજદિન સુધી નિવેડો નહીં આવતા ગુજરાત માલધારી મહા પંચાયત દ્વારા વિધાનસભા ચુંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો આકરો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા દોઢ વર્ષથી ગુજરાતનાં માલધારી સમાજ ઉપર કાયદાની આંટીઘૂંટીમાં સમાજના ભાઈઓ-બહેનો ઉપર અનેક ખોટા પોલીસ કેસો કરી જેલમાં ભેગા કરવામાં આવ્યા હોઇ માલધારી સમાજ વિધાનસભા ચુંટણીમાં ભાજપને ઘર ભેગી કરવા એક થયો છે.

ગુજરાત માલધારી મહાપંચાયતનાં પ્રવક્તા નાગજીભાઈ દેસાઈએ જણાવ્યું છે કે, છેલ્લા ઘણા દિવસોથી માલધારી સમાજમાંથી સુચનો લીધા બાદ નિર્ણય લેવામાં આવ્યો કે ગુજરાતમાં માલધારી સમાજ ભાજપ વિરૂધ્ધ મતદાન કરશે. જેથી આવનાર સમયમાં આપણી આવનાર પીઢીને કોઈપણ રાજકીય પક્ષ છેતરીના જાય તેમજ આપણા માલધારી સમાજની અવગણના ના થાય તેમજ માલધારી સમાજનાં જુના પડતર પ્રશ્નોનો નિકાલ કરવામાં ભાજપ નિષ્ફળ નિવડ્યું છે. સાથે સાથે ગુજરાત સરકાર જોડે આપણા સંતો-મહંતો, ભુવાજીઓ, સામાજીક રાજકીય આગેવાનો, ગીર બરડા અને આલેચનાં મુદ્દે અનેક વખત મીટીંગો કરી ચુક્યા છે. છતાંય સમાજને કોઈ ન્યાય મળ્યો નથી.

છેલ્લા દોઢ વર્ષથી ગુજરાતનાં માલધારી સમાજ ઉપર કાયદાની આંટીકુટીમાં આપણા સમાજના ભાઈઓ-બહેનો ઉપર અનેક ખોટા પોલીસ કેસો કરી જેલમાં નાખ્યા છે. તાજેતરમાં એક માલધારીને બે વર્ષની સજા પણ થયેલ છે. સમાજની બેન-દિકરીઓને ધક્કા-મુક્કા મારીને પોલીસે અને કોર્પોરેશને જુલમ ગુજાર્યો છે. આપણા ગાયોના ગૌચરો બે પગવાળા ઉદ્યોગપતિઓ આખલાઓને પધરાવી દીધાં છે. શહેરી વિસ્તારમાં વર્ષોથી માલધારી સમાજની માંગણી છે કે માલધારી વસાહતો બનાવી માલધારી સમાજને ન્યાય આપવો જોઈએ.

જેથી નિર્દોષ રાહદારીઓને થતા અકસ્માતો અટકે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા દોઢ વર્ષથી માલધારી સમાજ ભાજપથી ખૂબ નારાજ છે તે વાત સાચી પણ લોકશાહીમાં તમારો મત એજ આપણી તાકાત પાંચ વર્ષે બતાવવાની હોય છે. જેથી સરકાર કોઈપણ આવે પણ તમે એકજુઠ થઈ મતદાન કર્યું હશે તો આવનાર કોઈપણ સરકાર આપણા સમાજની ગણના કરશે અને જો આપણે કોઈપણની સેહ-શરમમાં કે વાતમાં આવીને આપણો મત વેડફી નાંખીશું તો આવનાર આપણી પેઢી આપણાને માફ નહીં કરે.

ગુજરાત માલધારી મહાપંચાયત છેલ્લા ઘણાંય સમયથી માલધારી સમાજ માટે લડત આપી રહી છે અને જો માલધારી સમાજને ગુજરાત માલધારી મહાપંચાયતને આ આહવાન યોગ્ય લાગે તો આહવાન મુજબ મતદાન કરવા વિનંતી છે.આ આહવાનને કોઈએ રાજકીય રીતે ન લેવું જોઈએ પરંતુ આપણા સમાજની પ્રગતિનાં હિત માટે આ સમય રાજકીય નેતાઓને અને રાજકીય પાર્ટીઓને શાન ઠેકાણે લાવવા યોગ્ય છે.

લોકશાહીમાં કોઈને પણ મત અધિકાર માટે ફરજ પાડી શકાય નહીં પરંતુ સમાજનાં હિત માટે કોઈપણ સંગઠન વિનંતી કરવાનો અધિકાર ધરાવે છે તે ભાગરૂપે સમગ્ર માલધારી સમાજને ગુજરાત માલધારી મહાપંચાયતની વિનંતી છે કે ચુંટણીનાં દિવસે ભાજપ વિરૂધ્ધ મતદાન કરશો.

સાથે સાથે સમાજ ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ જગદિશભાઈ ઠાકોરનો તેમજ કોંગ્રેસનાં 64 ધારાસભ્યોનો આભાર માનીએ છીએ કે સમાજના કપરા સમયમાં માલધારી સમાજની સાથે કોંગ્રેસ પક્ષ તેમજ અન્ય વિવિધ રાજકીય પક્ષો તેમજ વિવિધ પશુપાલક સમાજો પણ શેરથા, મહેસાણા હાઈવે ઉપર થયેલ લાખોની મેદનીની જાહેર સભામાં સમર્થન આપ્યું હતું.

માલધારી સમાજની માંગણીઓ

  • (1) ગીર, બરડા અને આલેચ નાં પ્રશ્ન નો નિકાલ ન થયો.
  • (2) માલધારી વસાહતો ન બનાવી અને નિર્દોષ લોકોને અકસ્માતોનો ભોગ બનવો પડયું.
  • (3) હાલ તબક્કે પણ માલધારી સમાજનાં પશુપાલન કરતા લોકો ઉપર ખોટા પોલીસ કેસ કરી જેલમાં પુરવામાં આવે છે.
  • (4) 156 નગરપાલિકા અને 8 મહાનગરપાલિકા, 70 લાખ કરતા પણ વધુ માલધારીઓ વસવાટ કરે છે તેઓને બેરોજગાર બનાવવામાં ગુજરાત સરકાર અગ્રેસર રહી છે.
  • (5) સમગ્ર ગુજરાતમાં દુધની ડેરી અને મંડળીઓમાંથી માલધારી સમાજનો એકડો કાઢી નાખ્યો.
  • (6) માલધારી સમાજને ખેડૂત બનાવનો હક્ક ના આપ્યો.
અન્ય સમાચારો પણ છે...