પહેલી વાર આંકડા જાહેર:મ્યુકોરમાઈકોસિસના દર્દીઓમાં 67% પુરુષો, કુલ દર્દીમાં 59% ડાયાબિટીસવાળા ને 22.1%ની ઈમ્યુનિટી ઓછી,11 તજજ્ઞોની ટાસ્કફોર્સ રચાઈ

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ રોગના સંક્રમિતો માટે અલાયદા વોર્ડ શરૂ કર્યા - Divya Bhaskar
આ રોગના સંક્રમિતો માટે અલાયદા વોર્ડ શરૂ કર્યા
  • ડેન્ટલ-ઇ.એન.ટી.-ઓપ્થેલ્મોલોજી-મેડીસીન વિભાગના સરકારી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોના તબીબોનો સમાવેશ.
  • રાજ્યમાં મ્યુકરમાયકોસિસના સૌથી વધુ 46.3% દર્દી 45-60 વર્ષની (આધેડ) વયજૂથના, 24.9% 60થી વધુ (વૃદ્ધ) વયના.
  • અત્યારસુધીમાં 14.3 ટકા દર્દીઓ સાજા થયા, હજી 81.6% દર્દી સારવાર હેઠળ, 49.5%ને સ્ટીરોઈડ થેરાપી આપવી પડી.

રાજ્યમાં વકરી રહેલા મ્યુકોરમાઈકોસિસના જીવલેણ રોગના દર્દીઓની વિગતોના આંકડા પહેલીવાર સરકારે જાહેર કર્યા છે. ગુજરાત સરકારના ડેટા અનુસાર રાજ્યમાં મ્યુકોરમાઈકોસિસના કુલ દર્દીઓમાં દર ત્રણમાંથી બે એટલે કે 67% પુરુષો છે. એટલું જ નહીં, ડાયાબિટીસ હોય ને કોરોના થયો હોય તેવા લોકોની કુલ દર્દીઓમાં 59% જેટલી ઊંચી ટકાવારી છે. ત્યારબાદ 22.1% દર્દી ઓછી ઈમ્યુનિટીવાળા છે. જ્યારે અત્યારસુધીના કુલ દર્દીઓમાંથી 81.6% હજી સારવાર હેઠળ છે. દર્દીઓને ઝડપી સારવાર મળે તે માટે સરકારે 11 તજજ્ઞ તબીબોની એક ટાસ્કફોર્સ રચી છે, જે સારવારના પ્રોટોકોલ અને માર્ગદર્શિકા નક્કી કરશે.

રોગના સંક્રમિતો માટે અલાયદા વોર્ડ શરૂ કર્યા
રાજ્ય સરકારે બધી સિવીલ હોસ્પીટલોમાં ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં આ રોગના સંક્રમિતો માટે અલાયદા વોર્ડ શરૂ કર્યા છે.રાજ્ય સરકાર દ્વારા મ્યુકરમાયકોસીસના રોગના નિયંત્રણ માટેની રચવામાં આવેલી ટાસ્ક ફોર્સમાં ડેન્ટલ, ઇ.એન.ટી., ઓપ્થેલ્મોલોજી, મેડીસીન વિભાગના રાજ્યની વિવિધ હોસ્પિટલો તેમજ મેડિકલ કોલેજોના 11 તજજ્ઞ તબીબોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રોગચાળા સંદર્ભમાં રાજ્યના આરોગ્ય વિભાગે ગુજરાતમાં રોગગ્રસ્તોની સારવાર, વય અને જાતિજૂથ તેમજ અન્ય બાબતો અંગે જે તારણો-નિષ્કર્ષ કાઢ્યો છે તેની વિગતો આ મુજબ છે.

કુલ દર્દીઓમાંથી 81.6 ટકા દર્દીઓ રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે
કુલ દર્દીઓમાંથી 81.6 ટકા દર્દીઓ રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે

રાજ્યમાં 81.6 ટકા દર્દીઓ સારવાર હેઠળ છે
રાજ્યભરમાં મ્યુકરમાયકોસીસના અત્યાર સુધીમાં નોંધાયેલ કુલ દર્દીઓમાંથી 81.6 ટકા દર્દીઓ હાલમાં રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે. જયારે 14.3 ટકા દર્દીઓ સાજા થયા છે. તેમજ 4.1 ટકા દર્દીઓના મૃત્યુ થયા છે. વયજૂથની દૃષ્ટિએ જોઇએ તો, આ રોગના દર્દીઓ પૈકી માત્ર 0.5 ટકા દર્દીઓ 18 વર્ષથી ઓછી વયના, 28.4 દર્દીઓ 18 થી 45 વર્ષની ઉંમરના, 46.3 ટકા દર્દીઓ 45થી 60 વર્ષની ઉંમરના છે. જયારે 24.9 ટકા દર્દીઓ 60 થી વધારે વયના છે.

સ્ત્રીઓ કરતાં પુરુષોમાં મ્યુકરનું પ્રમાણ વધારે
આ રોગનું પ્રમાણ સ્ત્રીઓની સરખામણી એ પુરુષોમાં વધારે જોવા મળ્યું છે અને અત્યાર સુધી નોંધાયેલા કુલ દર્દીઓમાંથી 67.1 ટકા પુરુષો જયારે 32.9 ટકા સ્ત્રી દર્દીઓ છે.આ રોગમાંના માત્ર 33.5 ટકા દર્દીઓને કોરોનાની સારવાર દરમ્યાન ઓક્સિજનની જરૂર પડી હતી. જયારે 66.5 ટકા દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત ઊભી થઇ નહોતી. એટલું જ નહીં, નોંધાયેલ કુલ દર્દીઓમાંથી 59 ટકા દર્દીઓને ડાયાબીટીસ, 22.1 ટકા દર્દીઓને ઈમ્યુનો કોમ્પ્રોમાઈઝડ જયારે 15.2 ટકા દર્દીઓને કોમોર્બિડ કન્ડિશન હોવાનું સામે આવ્યું છે. 49.5 ટકા દર્દીઓને કોરોનાની સારવાર દરમ્યાન સ્ટીરોઇડ થેરાપી આપવામાં આવી હતી જયારે ૫૦.૫% દર્દીઓમાં સ્ટીરોઇડ થેરાપીની જરૂર પડી નહોતી.

આ 11 તજજ્ઞ તબીબોનો સમાવેશ કરવામાં આવ્યો

  • અમદાવાદની સરકારી ડેન્ટલ કોલેજના અધિક નિયામક અને ડીન ડો. ગીરીશ પરમાર
  • બી. જે. મેડીકલ કોલેજ, સિવિલ હોસ્પિટલના મેડીસીન વિભાગના ડો. કમલેશ ઉપાધ્યાય
  • બી.જે. મેડીકલ કોલેજના ઈ.એન.ટી ડો. બેલા પ્રજાપતિ
  • અમદાવાદની એમ.એન્ડ જે. ઇન્સ્ટિટયુટ ઓફ ઓપ્થેલ્મોલોજીના ઓપ્થેલ્મોલોજી ડો.હંસા ઠક્કર
  • સુરતની સરકારી મેડીકલ કોલેજના મેડીસીન વિભાગના ડો.અશ્વિન વસાવા
  • સુરતની સરકારી મેડીકલ કોલેજના ઈ. એન. ટી. વિભાગના ડો.આનંદ ચોધરી
  • જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજના મેડીસીન વિભાગના ડો.બી.આઈ.ગોસ્વામી
  • રાજકોટની પી.ડી.યુ. મેડીકલ કોલેજના ઈ. એન. ટી. વિભાગના ડો.સેજલ મિસ્ત્રી
  • રાજકોટની પી.ડી.યુ. મેડીકલ કોલેજના ઓપ્થેલ્મોલોજી ડો.નીતિ શેઠ
  • ભાવનગરની સરકારી મેડીકલ કોલેજના ઈ.એન. ટી. વિભાગના ડો. સુશીલ ઝા
  • ભાવનગરની સરકારી મેડીકલ કોલેજના ઓપ્થેલ્મોલોજી ડો.નીલેશ વી. પારેખ
અન્ય સમાચારો પણ છે...