કાયદો:ગુજરાતમાં પણ ઉત્તરપ્રદેશ જેવો ગુંડા એક્ટ બનાવવાની તૈયારી, પાસાના કાયદામાં સુધારા થશે

ગાંધીનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગુનાખોરી અને ગંભીર પ્રકારના ગુનામાં આ નવા કાયદા હેઠળ પોલીસને અમર્યાદિત સત્તા આપવામાં આવી શકે છે

ગુજરાત સરકાર રાજ્યમાં ગુનાખોરીને કાબૂમાં લેવા માટે નવો કાયદો લાવવા તૈયારી કરી રહી છે. જે આ કાયદો ઉત્તર પ્રદેશના કંટ્રોલ્સ ઓફ ગુંડાઝ એક્ટ સમાન હશે. એટલે કે બીજા શબ્દોમાં ગુજરાતની અંદર પણ હવે યુપી જેવો ગુંડા એક્ટ લાગુ કરશે. જેમાં પોલીસની સત્તા પણ વધારવામાં આવશે અને હાલના પાસા એક્ટમાં પણ ધરખમ ફેરફારો કરશે, આ અંગે વિધાનસભાના ચોમાસુ સત્રમાં સુધારા વિધેયક લાવી શકે છે.

ગુંડા એક્ટમાં સામેલ જોગવાઈઓ

  • માનવ તસ્કરી
  • ગૌવંશ હત્યા
  • નાણાંકીય છેતરપિંડી સહિતના ગુનાઓ
  • જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાનો ગુનો
  • સરકારની વિરૂદ્ધ કોઈ સમાજને ભડકાવવો અથવા તેના જેવું કૃત્ય

વિધાનસભામાં અધ્યાદેશ કે કાયદાના રૂપે ગુંડા એક્ટ આવી શકે છે
ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને રાખીને મુખ્યમંત્રી અને રાજ્યની કેબિનેટે અધિકારીને નવો કાયદો અને સુધારેલા કાયદા તેમજ અધ્યાદેશ માટેની તૈયારી કરવા માટે જણાવ્યું છે. નવો ગુંડા કંટ્રોલ એક્ટ એવો હશે જે હાલ ઉત્તરપ્રદેશમાં લાગુ ગુંડા એક્ટ જેવો હોઈ શકે છે. આ કાયદાથી પોલીસ અને તપાસ એજન્સીઓ પાસે સત્તા આવશે કે તેઓ અસામાજીક તત્વો સામે પગલાં લઈ શકશે. આ વિધાનસભામાં એક કાયદા તરીકે અથવા અધ્યાદેશ તરીકે રજૂ કરવામાં આવી શકે છે.

પોલીસ-તપાસ એજન્સીઓની ગુંડાઓ સામે સત્તા વધશે
ગુંડા એક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે કાયદાની છટકબારીનો ઉપયોગ કરવા પોતાને મળેલા બંધારણીય અધિકારોનો દુરુપયોગ કરનારા ગુંડાઓ પર લગામ કસાશે. ઉત્તરપ્રદેશના ગુંડા એક્ટમાં અસામાજિક તત્ત્વોને જેર કરવા પોલીસને અઢળક સત્તાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ જેવી વિવિધ ગુના નિવારણ શાખાઓ તથા તપાસ એજન્સીઓની સત્તાઓ પણ વધશે. અમુક સંજોગોમાં પોલીસ નિર્ધારિત કરતા વધુ સમય સુધી ગુંડાઓની પૂછપરછ માટે અટક પણ કરી શકશે.