કોલસાની તંગી-ભાવમાં કરંટ:છ ગણા ઊંચા ભાવે વીજળી ખરીદવા ગુજરાત સરકાર મજબૂર, 20 રૂપિયા યુનિટે ખરીદી કરવી પડે છે

ગાંધીનગર11 દિવસ પહેલાલેખક: હિમાંશુ દરજી
  • કૉપી લિંક
  • એનર્જી એક્સચેંજ પર ઊંચા ભાવે વીજ ખરીદી કરવી પડી છે, રાજ્ય સરકારના વધુ કોલસાની ખરીદી કરવા પ્રયાસ તેજ

કોલસાના વૈશ્વિક સ્તરે વધેલા ભાવની સાથે દેશ-વિદેશમાં કોલસાની અછતને પગલે ઊર્જાસંકટ તોળાઇ રહ્યું છે. એવા સંજોગોમાં ગુજરાતમાં પણ કોલસો એક અઠવાડિયા ચાલે એટલો જથ્થો છે, પરંતુ કોલસાના ભાવ વધવાની સાથે વીજ ઉત્પાદન ઘટ્યું છે અને એને પરિણામે ગુજરાત સરકારને વીજળીનાં પાંચથી છ ગણાં નાણાં ચૂકવીને મોંઘી વીજળી બહારથી એટલે કે એનર્જી એક્સચેંજ પાસેથી ખરીદવી પડે છે, એટલે કે કોલસાની તંગી રાજ્ય સરકારને માથે મોટો બોજ બની રહી છે.

ખાનગી કંપનીનુ વીજ ઉત્પાદન ઠપ

રાજ્યમાં હાલમાં ગેસ આધારિત પાવર પ્લાન્ટ એની પડતર કિંમત વધુપડતી હોવાથી વર્ષોથી બંધ છે. જોકે મોટા ભાગની વીજ માગ કોલ આધારિત પ્લાન્ટથી પૂરી પાડવામાં આવી રહી છે. એમાં રાજ્ય સરકારની માલિકીના પાવર પ્લાન્ટ અને આયાતી કોલસા પર આધારિત પાવર પ્લાન્ટમાં ઉત્પાદન ઠપ છે.

તંગીને પગલે ભાવમાં તોતિંગ વધારો થયો
સામાન્ય સંજોગોમાં જે તે કંપનીઓ વીજ ઉત્પાદન કરે તેના વપરાશ બાદ વધુ પડતું વીજ ઉત્પાદન એનર્જી એક્સચેંજમાં વેચવા તૈયારી દાખવે છે. હાલમાં કોલસાની તંગી પહેલા એનર્જી એક્સચેંજમાં જે વીજળી પાંચથી સાત રૂપિયે યુનિટ વીજળી વેચાતી હતી. તેમાં તંગીને પગલે તે ભાવમાં તોતિંગ વધારો થયો છે. રાજ્યના ઊર્જા વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર ખૂબ ઊંચા ભાવે વીજળી ખરીદવા મજબૂર થઇ રહી છે. રાજ્ય સરકારને પીક અવરમાં 20 રૂપિયાથી વધુના ભાવે અને સામાન્ય સમયમાં સાત રૂપિયાથી વધુ પ્રતિ યુનિટના ભાવે વીજળી ખરીદી કરી છે.

ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ પાસેથી રાજ્ય સરકારે ખરીદેલી વીજળીનો ભાવ.
ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ પાસેથી રાજ્ય સરકારે ખરીદેલી વીજળીનો ભાવ.

મોં માગ્યા ભાવ આપવા પડે છે
ઇન્ડિયન એનર્જી એક્સચેંજ-આઇઇએક્સ પર ગુજરાત સરકારે એટલેકે જીયુવીએનએલે ખરીદેલી વીજળી અંગેના ડેટા જોઇએતો , રોજે રોજ અને દર કલાકે વીજ યુનિટના ભાવ જુદા હોય છે. તેવા સંજોગોમાં જીયુવીએનએલે અગાઉ જે વીજળી ઓછા ભાવે ખરીદતું હતુ તેના મોં માગ્યા ભાવ આપવા પડે છે. જેમ કે તારીખ 5 ઓકટોબરના રોજ સવારે પાંચ વાગ્યે 10 રૂપિયા યુનિટથી લઇને સાંજે સાડા છથી રાત્રિના આઠ વાગ્યા સુધીમાં સૌથી ઊંચા ભાવે 20 રુપિયે પ્રતિ યુનિટ વીજળી જીયુવીએનએલે ખરીદી છે. સામાન્ય રીતે જીયુવીએનએલ એટલે કે સરકાર ગ્રાહક પાસેથી રૂ 3.50 પ્રતિ યુનિટના ભાવે વીજળી આપે છે. તેનાથી છ થી સાત ગણા ભાવે હાલમાં એક્સચેંજ પાસેથી વીજળી ખરીદવામાં આવી રહી છે.

વધુ કોલસો મળે તે દિશાામાં ચક્રો ગતિમાન
ગુજરાતમાં કોલસાની અછતની સ્થિતિ અંગે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શાહમીના હુસૈને દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે હાલમાં કોલસાની તંગી દેશમાં અને બહાર પણ છે. તેવા સંજોગોમાં અમે પરિસ્થિતિને પહોંચી વળવા પગલાં ભરી રહ્યા છીએ,અમારા પ્લાન્ટ વીજ ઉત્પાદન વધે તે દિશામાં ઉપાય જોઇ રહ્યા છે. વધુ કોલસો મળે તે દિશાામાં ચક્રો ગતિમાન છે, અને એનટીપીસી પાસેથી પણ વીજળી મેળવવાની કામગીરી થઇ રહી છે.

એક્સચેંજમાં પણ પાવરની તંગી જેવી સ્થિતિ
ઊંચા ભાવે બહારથી વીજળી ખરીદવા અંગે શાહમીના હુસૈને જણાવ્યું હતું કે બહારથી પાવર ખરીદવાની એક લિમિટ હોય છે, અને દેશ આખાયમાં કોલસાની ખેંચને પગલે એક્સચેંજમાં પણ પાવરની તંગી જેવી સ્થિતિ છે. ત્યાં પણ સાત ગણી ડિમાન્ડ છે.

કરાર કરતાં પણ વીજળી મોંઘી પડતી હોય છે
રાજ્ય સરકારના અધિકારીએ આવી સ્થિતિના નિકાલ માટે કેવા પગલાં લઇ શકાય તે અંગે જણાવ્યું હતું કે, આ સ્થિતીમાં ખાનગી કંપનીઓ વીજળી ઉત્પાદન કરી શકે છે. તેમણે કરેલા કરાર કરતાં પણ વીજળી મોંઘી પડતી હોય છે. તેવા સંજોગોમાં ખાનગી વીજ ઉત્પાદકો પાસેથી વીજળી મેળવવા રાજ્ય સરકારે આવા સંકટમાંથી બહાર આવવા કોઇ નવી ફોર્મ્યુલા લાવવી જોઇએ અને રાજય સરકારના જે પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વધુ હોય છે પરંતુ તેમા વીજ ઉત્પાદન ક્ષમતા કરતાં અડધી હોય છે. આ ક્ષમતા વધે તે દિશામાં પગલાં ભરવાં જોઇએ.

કોલ આધારિત થર્મલ પાવર સ્ટેશન પર નિર્ભર
ગુજરાત હાલ વીજળી માટે સૌથી વધુ કોલ આધારિત થર્મલ પાવર સ્ટેશન પર નિર્ભર છે. ગુજરાતના કોલસા આધારિત આ પ્લાન્ટની કુલ ક્ષમતા 5,160 મેગાવોટ છે જે કુલ ક્ષમતા 6,776 મેગાવોટના 76 ટકા છે. રાજ્યમાં સરકારના ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન, જી-સેક પાસે ઉકાઇ, ગાંધીનગર, વણાંકબોરી અને સિક્કા કોલ આધારિત પ્લાન્ટ છે જેની વીજ ઉત્પાદન ક્ષમતા 4,510 મેગાવોટ છે, જ્યારે કચ્છ અને ભાવનગર લિગ્નાઇટ બેઝ પ્લાન્ટ છે જેની ક્ષમતા 650 મેગાવોટની છે. આ તમામ પ્લાન્ટમાં હાલ કોલસાની ખેંચ છે.ગેસ આધારિત પ્લાન્ટની ક્ષમતા 2,400 મેગાવોટ છે પણ તે પણ ખૂબ મોંઘી પડે છે.

અન્ય સમાચારો પણ છે...