રાજ્યમાં યુવાનોને રોજગારી આપવામાં પ્રથમ હોવાનો દાવો કરનારી ગુજરાત સરકારે વિધાનસભામાં કબૂલ્યું છે કે અહીંના ઉદ્યોગો સ્થાનિક બેરોજગાર યુવકોને ઉદ્યોગો રોજગારી આપતાં નથી અને બે વર્ષમાં 2.83 લાખ યુવાનો બેરોજગાર તરીકે નોંધાયા છે. રાજ્યમાં જન્મ લેતાં બાળકોમાં કુપોષણનું પ્રમાણ પણ ઊંચું છે અને 1.25 લાખ બાળકો કુપોષણનો શિકાર બનેલા છે.
રાજ્યમાં યુવાનોને રોજગારી આપવામાં પ્રથમ હોવાનો દાવો કરનારી ગુજરાત સરકારે વિધાનસભામાં કબૂલ્યું છે કે અહીં...
85% નોકરી સ્થાનિકને આપવાના નિયમનું ઉદ્યોગો દ્વારા પાલન નહીં
શ્રમ અને રોજગાર મંત્રીએ રજૂ કરેલી વિગતો પ્રમાણે પાછલાં બે વર્ષમાં રાજ્યની રોજગાર વિનિમય કચેરીમાં 2.83 લાખ બેરોજગાર યુવાનોની નોંધણી થઇ છે અને આ આંકડો માત્ર નોંધણી થયેલા યુવાનોનો જ છે.ગુજરાતમાં ઉદ્યોગનીતિ હેઠળ લાભ મેળવીને ઉત્પાદન કામ ચાલું કરનારાં તાતા, અદાણી, મારુતિ, કોકાકોલા, હોન્ડા જેવી કંપનીઓએ પોતાના કુલ સ્ટાફના 85 ટકા જેટલો સ્ટાફ સ્થાનિક યુવાનોથી ભરવાનો રહે છે, પરંતુ તેમ થતું નથી, આ ઉદ્યોગો આ નિયમનો ભંગ કરે છે.
નર્મદા અને વડોદરા જિલ્લામાં રાજ્યમાં સૌથી વધુ કુપોષણ
મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં 1.25 લાખથી વધુ બાળકો કુપોષિત છે. આ પૈકી 1.01 લાખ બાળકો ઓછા વજનવાળાં છે અને 24 હજારથી વધુ બાળકો અતિ ઓછા વજનવાળા બાળકો છે. સૌથી વધુ કુપોષિત બાળકો આદિવાસી વિસ્તાર ધરાવતા નર્મદા જિલ્લામાં 12 હજાર કરતા વધુ અને તે પછીના ક્રમે વડોદરા જિલ્લામાં 11 હજારથી વધુ બાળકો નોંધાયા છે. સરકાર કુપોષણ દૂર કરવા વિવિધ યોજનાઓ ચલાવે છે.
રાજ્યના માત્ર બે જિલ્લામાં જ 1500થી વધુ શિક્ષકોની ઘટ
શિક્ષણ મંત્રીએ આપેલા આંકડા મુજબ અમદાવાદ અને ગાંધીનગરની સરકારી પ્રાથમિક શાળાઓના 1થી 5 ધોરણના વર્ગોમાં 1,520 શિક્ષકોની ઘટ છે જ્યારે ધોરણ 6થી 8માં ભાષાના 168, ગણિત વિજ્ઞાનના 222 અને સામાજિક વિજ્ઞાનના 172 શિક્ષકોની ઘટ છે. રાજ્ય સરકારે શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે ભરતી કરવામાં આવશે તેવું જણાવ્યું છે, પરંતુ પ્રવાસી શિક્ષકો મૂકીને હંગામી વ્યવસ્થા કરીને જ કામ ચલાવી લેવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.