ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીએ પોતાના પ્રદેશ સંગઠનમાં બદલાવ કર્યાં છે. ચૂંટણી પહેલા ધર્મવિરોધી નિવેદનો કરનારા પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની ગુજરાતમાંથી હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. તેમને રાષ્ટ્રીય સ્તરે સહમંત્રી બનાવીને મહારાષ્ટ્રના સહપ્રભારી બનાવી દેવાયા છે. જ્યારે તેમના બદલે ઇસુદાન ગઢવીને પ્રદેશ પ્રમુખ બનાવી દેવાયા છે. ગઢવીને અગાઉ રાષ્ટ્રીય મહામંત્રી બનાવાયા હતા તેને બદલે હવે તેમને ગુજરાતમાં જવાબદારી સોંપવામાં આવી છે.
તે સિવાય ધારાસભ્ય ચૈતર વસાવા અને ચૂંટણીમાં હારી ચૂકેલા ઉમેદવાર અલ્પેશ કથીરિયા, જગમાલ વાળા, કૈલાશ ગઢવી અને ડો. રમેશ પટેલની નિયુક્તિ કાર્યકારી અધ્યક્ષ તરીકે કરાઇ છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી ડો. સંદીપ પાઠકે આ અંગેની જાહેરાત બુધવારે કરી હતી.
ગુજરાતમાં 12 ટકાથી વધુ વોટશેર મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા પ્રાપ્ત કરી લીધી છે. આવનારી લોકસભા ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાના ઉમેદવાર ઊભા રાખવા જઇ રહી છે, તે પૂર્વે પાર્ટીએ ઇસુદાન ગઢવીને માથે ગુજરાતની જવાબદારી મૂકી દીધી છે. વિધાનસભા ચૂંટણી બાદ દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતના નેતાઓ સાથે મુલાકાત કરીને અહીંના સંગઠનમાં બદલાવનો ઇશારો આપી દીધો હતો.
આ સિવાય આમ આદમી પાર્ટીએ કોંગ્રેસની તર્જ પર ગુજરાતમાં છ કાર્યકારી અધ્યક્ષોની નિમણૂક કરી છે. આ દરેક કાર્યકારી અધ્યક્ષોને ગુજરાતના વિવિધ ઝોનની જવાબદારી આપવામાં આવી છે. એક મહિલા નેતા સહિત બે પાટીદાર, એક આદિવાસી, એક કોળી નેતાઓને કાર્યકારી અધ્યક્ષ બનાવાયાં છે. હવે થોડા સમયમાં જ આમ આદમી પાર્ટી ગુજરાતભરમાં પોતાના નવા સંગઠનની જાહેરાત કરશે.
આપના ઝોનવાર કાર્યકારી અધ્યક્ષ
કાર્યકારી અધ્યક્ષ | ઝોન |
અલ્પેશ કથીરિયા | સુરત |
ચૈતર વસાવા | દક્ષિણ ગુજરાત |
ડો. રમેશ પટેલ | ઉત્તર ગુજરાત |
જગમાલ વાળા | સૌરાષ્ટ્ર |
જ્વેલ વાસરા | મધ્ય ગુજરાત |
કૈલાશ ગઢવી | કચ્છ |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.