વિદ્યાર્થીઓને રાહત:ગુજરાત બોર્ડે ધો. 9થી 12નો કોર્સ 30% ઘટાડ્યો, કોરોનાને લીધે ધો.10-12 બોર્ડની પરીક્ષા મે-2021 અને ધો.9-11ની પરીક્ષા જૂનમાં યોજાશે

2 વર્ષ પહેલા
  • વર્તમાન કોરોનાની સ્થિતિને કારણે માત્ર એક વર્ષ સુધી જ આ નવો નિયમ લાગુ પડશે
  • ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓને પૂરો કોર્સ ભણાવાશે પણ પૂછાશે માત્ર 70%માંથી

ગુજરાત સરકારે માધ્યમિક શિક્ષણ બોર્ડ હસ્તકના ધોરણ 9થી ધોરણ 12ના અભ્યાસક્રમમાં 30 ટકા ઘટાડો કર્યો છે. કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે સરકારે વિદ્યાર્થીઓને આંશિક રાહત આપતા અભ્યાસક્રમમાં ઘટાડો કરવાનો આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વિદ્યાર્થીઓ કોરોનાના કારણે હાલ સ્કૂલ જઈ શકતા નથી ત્યારે અત્યારસુધી અભ્યાસ ઓનલાઈન ચાલી રહ્યો છે. એટલું જ નહીં, હાલ ચાલી રહેલા ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓને પૂરો કોર્સ ભણાવાશે પણ બોર્ડનું પેપર પૂછાશે માત્ર 70% કોર્સમાંથી, એમ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું છે.

અભ્યાસનો નિયમ એક વર્ષ માટે જ લાગુ પડશે
રાજ્ય સરકારે ગુજરાતમાં એક વર્ષ માટે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં 30 ટકા ઘટાડો કર્યો છે. વર્તમાન કોરોનાની સ્થિતિને કારણે માત્ર એક વર્ષ સુધી જ આ નિયમ લાગુ પડશે. એટલું જ નહીં, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ તણાવમુક્ત પરીક્ષા આપી શકશે. જો કે, સ્કૂલો ક્યારે શરૂ થશે તે બાબતે હજી સુધી ગુજરાત સરકારે કોઈ નિર્ણય લીધો નથી પરંતુ કેન્દ્રની એસઓપી મુજબ દિવાળી પછી સ્કૂલ શરૂ કરવા બાબતે નિર્ણય લેવાઈ શકે છે.

વિદ્યાર્થીઓને રાહત આપતો નિર્ણય
ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારે ઘટાડેલા અભ્યાસક્રમ પૈકીના મુદ્દાઓને આવરતા પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે નહીં. જો કે તેનું શિક્ષણ શિક્ષકોએ વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાને ધ્યાને આપવું પડશે. જેના કારણે ઘટાડેલા અભ્યાસક્રમથી સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

મે મહિનામાં લેવાશે ધો. 10 અને 12ની પરીક્ષા
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી હતી કે, વિદ્યાર્થીઓના હિતમાં અભ્યાસક્રમમાં 30 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ હવે 70 ટકા અભ્યાસક્રમમાં ધ્યાન આપે. કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા ધો. 10 અને 12ની પરીક્ષા મે મહિનામાં યોજવાનું અને ધો. 9 અને ધો. 11ની પરીક્ષા જૂન મહિનામાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. 21મેથી ધો. 10 અને 12ની પરીક્ષા શરૂ કરવામાં આવશે.

ટૂંકમાં કોર્સની માહિતી જાહેર કરાશે
આવનારા સમયમાં બોર્ડ દ્વારા ક્યા ધોરણમાં ક્યા પ્રકરણ આ વર્ષ માટે પરીક્ષાના કોર્સમાંથી રદ કરાયા છે તેની વિગતવાર માહિતી જાહેર કરાશે. આ માહિતી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા દરેક સ્કૂલોને મોકલાશે, ઉપરાંત બોર્ડની વેબસાઇટ પર પણ આ વિગતો જાહેર કરાશે.

દિવ્યભાસ્કર અગ્રેસરઃ 3 મહિના પહેલા જ કહ્યું હતું અભ્યાક્રમ ઘટશે
દિવ્યભાસ્કરે 3 મહિના પહેલા જ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોના મહામારીના કારણે અભ્યાસક્રમમાં ઘટાડો થઇ શકે છે. ત્યારે અમે જણાવ્યું હતું કે સ્કૂલોના અભ્યાસક્રમ માટે એક વિકલ્પ એ છે કે, જો સપ્ટેમ્બરમાં સ્કૂલો ફરીથી ખોલવાની થાય તો અભ્યાસક્રમમાં 20%નો ઘટાડો થઈ શકે છે. જો ઓક્ટોબરમાં શાળાઓ ફરીથી ખોલવાની હોય તો અભ્યાસક્રમમાં ૩૦%નો ઘટાડો કરવો પડશે. જ્યારે નવેમ્બરમાં સ્કૂલો ફરીથી ખોલવાની હોય તો તે સમયે અભ્યાસક્રમમાં 40% અથવા તેથી વધુનો ઘટાડો કરવો પડશે. જો ગુજરાતમાં સ્કૂલો 14 નવેમ્બરના રોજ દિવાળીના તહેવાર પહેલા ખુલશે તો મિડ–ટર્મ વેકેશનમાં પણ કાપ મૂકવો પડશે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.

અન્ય સમાચારો પણ છે...