રાજ્ય સરકારની જાહેરાત:ગુજરાતમાં આગામી ચાર વર્ષ માટે ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી જાહેર કરાઈ, ટૂ-વ્હીલર માટે 20 હજાર અને ફોર-વ્હીલર માટે દોઢ લાખ સબસિડી

ગાંધીનગર2 વર્ષ પહેલા
ફાઈલ ફોટો
 • દેશમાં સૌપ્રથમ ગુજરાતે ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી જાહેર કરી
 • મારુતિ સાથે ત્રણ જાપાનીઝ કંપની પ્રોડક્શન શરૂ કરી દેશે
 • હાલમાં 250 ચાર્જિંગ સ્ટેશનોને મંજૂરી અપાઈ છે
 • હોટલો પાસે ચાર્જિંગ સ્ટેશનો ઊભાં કરવામાં આવશે

ગુજરાતમાં આગામી ચાર વર્ષ માટે ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી જાહેર કરવામાં આવી છે. આ પોલિસી જાહેર કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજીને ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસીમાં મળનારી સબસિડીની માહિતી આપી હતી, જેમાં 2-વ્હીલર માટે 20 હજાર અને 4-વ્હીલર માટે દોઢ લાખ રૂપિયાની સબસિડી આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

ઇ-વ્હીકલની નવી ટેકનોલોજીને પ્રોત્સાહન મળશે
આ નીતિ-પોલિસી દ્વારા ઇ-વ્હીકલની નવી ટેકનોલોજીને પ્રોત્સાહન મળશે તથા ઇ-વ્હીકલના ડ્રાઇવિંગ, વેચાણ, ધિરાણ, સર્વિસિંગ અને ચાર્જિંગ વગેરે ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં વૃદ્ધિ
થશે. રાજ્ય સરકારે કાળજીપૂર્વકની વિચારણા તેમજ ઇલેક્ટ્રિક વ્હીકલ ક્ષેત્રના વિવિધ નિષ્ણાતોના અભિપ્રાયો અને સહાયથી ટેકનોલોજી, ઉત્પાદન પ્રક્રિયા તેમજ ઇ-વ્હીકલ સંબંધિત
પરિબળો તથા ભારત સરકારની નીતિઓને ધ્યાનમાં લઇને ગુજરાતની આ ઇ-વ્હીકલ પોલિસી ઘડવામાં આવી છે. રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીમાં મુખ્યત્વે
ચાર બાબત પર વિશેષ ઝોક આપવામાં આવ્યો છે.

વાયુ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય છે
રાજ્યમાં ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ વધારવો, રાજ્યને ઇ-વ્હીકલ અને એને આનુષાંગિક સાધન-સામગ્રીના ઉત્પાદનનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવવું તેમજ ઇલેક્ટ્રિક મોબિલિટી ક્ષેત્રે
યુવા સ્ટાર્ટઅપ અને રોકાણકારોને પ્રોત્સાહિત કરવા સાથોસાથ વાહનોના ઇંધણના ધુમાડાથી થતા વાયુ-ધ્વનિ પ્રદૂષણને ઘટાડી પર્યાવરણની રક્ષા કરવી એવા બહુવિધ ધ્યેય આ
પોલિસીનું છે. 1 લાખ 10 હજાર ટૂ-વ્હીલર, 70 હજાર થ્રી-વ્હીલર અને 20 હજાર જેટલા ફોર-વ્હીલર આગામી 4 વર્ષમાં રાજ્યમાં આવશો એવો અંદાજ છે. આવાં વાહનોનો પ્રતિ
કિલોમીટરનો વપરાશ ખર્ચ અન્ય વાહનો કરતાં એવરેજ 30થી 50 ટકા ઓછો આવે છે તેમજ વાયુ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય છે.

6 લાખ ટન જેટલું કાર્બન ઉત્સર્જન ઘટશે
આગામી ચાર વર્ષમાં 2 લાખ ઇલેક્ટ્રિક વાહનો ગુજરાતના માર્ગો પર યાતાયાત માટે આવશે ત્યારે ઓછામાં ઓછા આશરે પાંચ કરોડ રૂપિયાની ઇંધણ બચત થશે તથા અંદાજે 6
લાખ ટન જેટલું કાર્બન ઉત્સર્જન ઘટશે એવો અંદાજ રાખવામાં આવ્યો છે. ઇલેક્ટ્રિક વાહનો મોંઘાં છે અને સામાન્ય માનવીને એ પરવડી શકે એમ નથી એવી માન્યતા દૂર થાય અને
ચાર વર્ષમાં બે લાખ ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગનો લક્ષ્યાંક વાસ્તવિકતા બને એનો પણ સુદૃઢ વિચાર કરીને આ પોલિસી તૈયાર થઇ છે. રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી
માટે વાહનના કિલોવોટદીઠ રૂ. 10 હજારની સબસિડી આપશે.

ચાર વર્ષમાં રાજ્ય સરકાર રૂ. 870 કરોડનો બોજ વહન કરશે
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દેશનાં અન્ય રાજ્યો આવી સબસિડી પ્રતિ કિલોવોટ વધુમાં વધુ રૂ. 5 હજાર આપે છે, જ્યારે ગુજરાતમાં એનાથી બમણી એેટલે કે પ્રતિ કિલોવોટ રૂ. 10
હજારની સબસિડી સરકાર આપશે. આને પરિણામે ચાર વર્ષમાં રાજ્ય સરકાર રૂ. 870 કરોડનો બોજ વહન કરશે. રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ખરીદનાર
વ્યક્તિને 20 હજાર રૂપિયા સુધીની સબસિડીનું પ્રોત્સાહન મળશે. એ જ રીતે થ્રી-વ્હીલર માટે 50 હજાર સુધી અને ફોર-વ્હીલર માટે રૂ. 1 લાખ 50 હજાર સુધીનું પ્રોત્સાહન અપાશે. આ
સબસિડીનો લાભ 1.50 લાખ સુધીની કિંમતના ટૂ-વ્હીલર, 5 લાખ સુધીની કિંમતના થ્રી-વ્હીલર અને 15 લાખ સુધીની કિંમતના ફોર-વ્હીલરને મળવાપાત્ર થશે.

વિજય રૂપાણીએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરી

 • ગુજરાત રાજ્યમાં ઈન્વેસ્ટમેન્ટ કરવામાં સૌને સમાન તક મળે છે.
 • આજે નવી પોલિસી શરૂ કરી છે.
 • ઇલેક્ટ્રિક વ્હીકલ વધારે લોકો વાપરતાં થાય.
 • પેટ્રોલ-ડીઝલનો ઓછો વપરાશ થાય એ માટે આ જાહેરાત કરવામાં આવી છે.
 • ઇલેક્ટ્રિક વ્હીકલથી પ્રદૂષણ ઘટે છે.
 • લોકો માટે ઈલેક્ટ્રિક વ્હીકલ બને એ ઉદ્દેશ મહત્ત્વનો છે.
 • સરકાર ટૂ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલર પર ભાર આપે છે.
 • આ પોલિસી 6 લાખ કાર્બન ઉત્સર્જન અટકાવશે.
 • ટૂ-વ્હીલર માટે 20 હજાર, થ્રી-વ્હીલર માટે 50 હજાર અને ફોર-વ્હીલર માટે દોઢ લાખની સબસિડી મળશે.
 • વાહન ચાર્જ કરવા માટે ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરવામાં આવશે.
 • સરકાર ચાર્જિંગ સ્ટેશન પર પણ સબસિડી આપશે.
 • આ માટે અલગ અલગ હોટલો પર ચાર્જિંગ ઓપ્શન માટે વિચારણા હાથ ધરાઈ છે.
 • 500 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરવામાં આવશે.
 • સરકારની હાલની ધારણા પ્રમાણે 1.25 લાખ ટૂ-વ્હીલર, 75 હજાર રિક્ષા અને 25 હજાર કારથી શરૂઆત કરવાની ઈચ્છા છે.
 • સબસિડીમાં પ્રતિ કિલો વોટ સબસિડાઈઝ કરાશે.
 • હાલમાં 250 ચાર્જિંગ સ્ટેશનને મંજૂરી અપાઈ છે અને આગળ જતાં 250ને અપાશે.
 • બેટરી સ્વેપિંગ સ્ટેશનને પ્રોત્સાહન અપાશે.
 • રાજ્ય સરકારે અન્ય રાજ્યો કરતાં ઉદારતાપૂર્વક જાહેરાત કરી છે.
 • સબસિડી આપનારું ગુજરાત પ્રથમ રાજ્ય બનશે.
 • મારુતિ સાથે ત્રણ જાપાનીઝ કંપની પણ પ્રોડક્શન શરૂ કરી દેશે.​​