જી-20 દેશોની સમિટ માટે ભારત પ્રથમવાર યજમાન બન્યું છે અને સમિટ દરમિયાન કુલ 15 બેઠકો ગુજરાતમાં યોજાનાર છે ત્યારે સમિટમાં આવનાર આમંત્રિત મહેમાનોને રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના આતિથ્ય સત્કારનો પરિચય કરાવવામાં આવશે. જી-20ની પ્રારંભિક બેઠક 22થી 24 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનાર છે. આ બેઠકમાં બિઝનેસ રીલેટેડ ચર્ચાઓ થશે.
મહાત્મા મંદિરમાં કુલ 10 બેઠક યોજાનાર છે. પ્રારંભિક બેઠકથી જ આમંત્રિત મહેમાનોને ગુજરાતના આતિથ્ય સત્કારનો પરિચય થાય તેવી તૈયારીઓ કરવામાં આવી છે. આ બેઠકમાં ભાગ લેવા આવી રહેલા મહેમાનોને ગુજરાતના પરંપરાગત પોષાક જેમકે કુર્તા- પાઇજામા, શાલ વગેરે આપવામાં આવશે જ્યારે મહિલા મહેમાનોને સાડી અપાશે.
મહાત્મા મંદિરમાં મહેમાનોને પ્યોર વેજ ભોજન પીરસવામાં આવશે જેમાં ગુજરાતની ઓળખ સમાન ગુજરાતી વાનગીઓ રહેશે. ગુજરાતનો ઐતિહાસિક વારસો, સ્થાપત્ય, કલા અને પ્રાચિન સંસ્કૃતિને આવરી લેતા કાર્યક્રમો પણ ખાસ તૈયાર કરવામાં આવ્યા છે. ગુજરાતની વિરાસતની ઝાંખી કરાવવા માટે આ કાર્યક્રમો મહેમાનો સમક્ષ રજૂ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.