બજેટ મંજૂર કરાયું:ગુડા મિલકતો વેચીને રૂ 502 કરોડની આવક મેળવશે

ગાંધીનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુ઼ડાનું વર્ષ-2022-23નું 676.38 કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર કરાયું
  • ભૂગર્ભ ગટર માટે 5.81 કરોડ, પીવાનાં પાણી માટે 51 કરોડના ખર્ચની જોગવાઈ

ગાંધીનગર ગુડાનું વર્ષ-2022-23નું વાર્ષિક બજેટ રૂ. 676.38 કરોડની પુરાંતવાળું બોર્ડ બેઠકમાં મંજુર કરવામાં આવ્યું છે. ગુડા વર્ષ-2022-23માં પ્લોટ, દુકાનો, જમીન સહિતના વેચાણથી રૂ. 502 કરોડની આવક મેળવશે. આવકમાંથી વિવિધ વિકાસકામો કરાશે.

802.82 કરોડની આવકની સામે વર્ષ દરમિયાન 602.17 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે
ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળની 80મી બોર્ડ બેઠક ચેરમેન ધવલ પટેલની અધ્યક્ષતામાં મળી હતી. બેઠકમાં ગુડાએ 2022-23નું સૂચિત અંદાજપત્ર રજૂ કર્યું છે. તેમાં એક વર્ષમાં ગુડાને કુલ રૂ. 802.82 કરોડની આવકની સામે વર્ષ દરમિયાન રૂ. 602.17 કરોડનો ખર્ચ કરાશે. ગુડાના અંદાજપત્રમાં શરૂઆતની અંદાજિત પુરાંત સિલક રૂ. 475.72 કરોડ અને વર્ષાન્તે રૂ. 676.38 કરોડની પુરાંત રહેવાની શક્યતા રહેલી છે.

ગુડા ડેવલપમેન્ટ ચાર્જ, બેટરમેન્ટ અને એમીનીટીઝ ફી, ચાર્જેબલ એફએસઆઇ ફી, ડ્રેનેજ ચાર્જ, વિવિધ આવાસ યોજનાના લાભાર્થીઓનો ફાળો, રીઝર્વ પ્લોટ ભાડાની, પાઇપલાઇન કેબલ લેન ચાર્જ અને ઇમ્પેક્ટ ફી સહિતની રૂ. 203.22 મૂડી આવકની શક્યતા બજેટમાં દર્શાવી છે. જ્યારે દુકાનો, પ્લોટ અને ગુડાને ફાળવેલી જમીનની તેમજ લોન, અનુદાન અને ડિપોઝીટ પેટે અને મહેસૂલી આવક સહિત કુલ 802.82 કરોડની આવક થશે.વિવિધ વિસ્તારમાં ભૂર્ગભ ગટર બનાવવા 5.81 કરોડ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પાછળ રૂ. 37.40 કરોડ જ્યારે પીવાના શુદ્ધ પાણી માટે રૂ. 51 કરોડનો ખર્ચ કરશે. સાથે જ રસ્તાના નિર્માણ પાછળ 40 કરોડનો ખર્ચ કરશે. ઉપરાંત સ્ટ્રીટ લાઇટનાં કામો માટે કુલ 4 કરોડની જોગવાઈ છે. વધુમાં અન્ય વિકાસ કામો માટે 77.86 કરોડના ખર્ચ બજેટમાં છે.

TP-9 સરગાસણ TP-13ના વાવોલમાં, 150 કરોડના ખર્ચે નવા 2800 આવાસ બનાવાશે
​​​​​​​ગુડા ટીપી-9 સરગાસણ અને ટીપી-13ના વાવોલ વિસ્તારમાં 2800 આવાસનું નિર્માણ કરશે. આ માટે ગુડાએ રૂ. 150 કરોડનું બજેટ ફાળવ્યું છે. સાથેસાથે હાલની 2100 આવાસ યોજના માટે રૂ. 83.10 કરોડનું બજેટ ફાળવ્યું છે. ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા વર્ષ-2022-23 દરમિયાન ગુડા વિસ્તારમાં નવા 2800 આવાસનું નિર્માણ કરશે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નવા આવાસનું નિર્માણ સરગાસણ અને વાવોલ વિસ્તારમાં કરવામાં આવશે. તેમાં ટીપી-9 અને ટીપી-13ના વિસ્તારમાં નવા બનાવવામાં આવનાર આવાસ ઇડબલ્યુએસ-2 ટાઇપના બનાવવામાં આવશે.

આવાસ યોજનાનું નિર્માણ માટે ગુડાએ વર્ષ-2022-23ના બજેટમાં રૂ. 150 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. જ્યારે હાલમાં સરગાસણ, કુડાસણ, વાવોલ અને પેથાપુરમાં કુલ 2100 આવાસનું નિર્માણની કામગીરી ચાલી રહી છે. તેના માટે રૂ. 83.10 કરોડની વધારાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. નવા આવાસ યોજના વર્ષ 2022-23 દરમિયાનમાં પૂર્ણ કરીને લાભાર્થીઓને મકાનનું પઝેશન આપી દેવાય તેવું આયોજન કરવામાં આવશે.

નગર રચના યોજના હેઠળ,25 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાશે
બજેટમાં 25 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. તેમાં ઓલમ્પિકના નોમ્સ મુજબ સ્વિમીંગ પુલ, બેડમિન્ટ, ટેબલ ટેનીસ, સ્કેટીંગ, કરાટે, યોગા, જિમ્નાસ્ટિક, બોક્સ ક્રિકેટ સહિતની રમતના મેદાનો બનાવવામાં આવશે. બજેટમાં નગર રચના યોજના નંબર-9 (સરગાસણ, તારાપુર, વાસણા હડમતીયા, ઉવારસદ)ના ફાજલ પ્લોટ નંબર-154 ઉપર રૂપિયા 25 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે.

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઇન્ડોર અને આઉટડોર રમતો માટે ઊભા કરવામાં આવનાર મેદાનો ઓલિમ્પિકના નોમ્સ મુજબ કરવામાં આવશે. તેના આધારે ખેલાડીઓને તાલીમ આપવાની પણ સુવિધાઓ કોમ્પ્લેક્સમાં ઊભી કરાશે. તેમાં તમામ ઋતુને ધ્યાનમાં રાખીને 25 મીટર પહોળો અને 50 મીટર લાંબો સ્વિમીંગ પુલ બનાવવામાં આવશે. બેડમિન્ટન, ટેબલ ટેનીસનું મેદાન સ્પોર્ટસ ઓથોરેટી ઓફ ઇન્ડિયાની ગાઇડ લાઇન મુજબ બનાવાશે. જ્યારે સ્કેટીંગ માટે 48 મીટર લાંબા અને 13.5 મીટર મેદાન ઉભુ કરાશે.

વિકાસકામોના નવા દ્વારા ખૂલશે,ગુડાનાં 26 ગામમાં ખૂટતાં કામો માટે 50 કરોડ ખર્ચાશે
ગુડા હસ્તકના 26 ગામોમાં શહેરી વિસ્તાર જેવી સુવિધાઓ ઉભી કરવા માટે ગુડાએ 2022-23ના બજેટમાં 50 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તેમાં સામાજિક પ્રવૃત્તિઓ તેમજ સુવિધાઓમાંથી ખુટતા કામોનો સર્વે કરીને કામગીરી હાથ ધરાશે. ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા વર્ષ-2022-23ના બજેટમાં કરાયેલા ઉલ્લેખ મુજબ હસ્તકના 26 ગામોના વિકાસ માટે રૂપિયા 50 કરોડનો ખર્ચ કરાશે.

ગુડાના હસ્તકના ગામોના વિકાસ કરીને શહેરી વિસ્તાર જેવી જ માળખાકિય સુવિધાઓ ઉભી કરવામાં આવશે. તેમાં રોડ-રસ્તા, પીવાના પાણીની સુવિધા, ગટર લાઇનની સુવિધા, જરૂર હોય તેવા ગામોમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વરસાદી પાણીના નિકાલ, સ્ટ્રીટલાઇટ, ઘનકચરાના નિકાલની વ્યવસ્થા, ડોર ટુ ડોર કચરાની વ્યવસ્થા, બાગ-બગીચા સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. આથી ગુડા હસ્તકના ગામોના લોકોને શહેરી વિસ્તાર જેવી સુવિધા મળતી થશે. ઉપરાંત ગુડાના ગામોમાં આવેલી આંગણવાડી, પંચાયત ઘર, સરકારી આરોગ્ય કેન્દ્ર સહિતના તમામ પ્રકારના સરકારી મકાનોમાં જરૂરી મરામત તેમજ નવુ બનાવવું હશે તે કરવામાં આવશે. ​​

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...