નિર્ણય:ગુડા સરગાસણ અને વાવોલમાં રૂ.13.50 કરોડના ખર્ચે 13 બગીચા બનાવશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરગાસણવાવોલ સહિતના વિસ્તારોમાં 65 કિમીના રસ્તા બનાવાશે
  • ​​​​​​​બુધવારે મળેલી સત્તામંડળની બેઠકમાં ગુડાના અધ્યક્ષે સત્તાના ખર્ચનો એસ્ટિમેટ અને પ્લાન બનાવવા સૂચના આપી

ગુડા દ્વારા સરગાસણ અને વાવોલ સહિતના વિસ્તારોમાં વિકાસલક્ષી કામોને બોર્ડ બેઠકમાં લીલીઝંડી આપવામાં આવી છે. તેમાં સરગાસણ અને વાવોલમાં રૂપિયા 13.50 કરોડના ખર્ચે કુલ-13 જેટલા બાગ-બગીચા બનાવાશે. ઉપરાંત આ વિસ્તારોમાં અંદાજે 65 કિમી રસ્તાઓનું પણ નિર્માણ કરવાનો પણ બેઠકમાં નિર્ણય લેવાયો છે.ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળની બોર્ડ બેઠક બુધવારે ગુડાના ચેરમેન ધવલ પટેલની અધ્યક્ષતામાં મળી હતી. ગુડાની બોર્ડ બેઠકમાં ટીપી નંબર-6, ટીપી નંબર-7, ટીપી નંબર-9નો સરગાસણ અને વાવોલ વિસ્તારના ડેવલોપમેન્ટ ઉપર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે.

ઉપરાંત નગર રચના યોજના નંબર-7, નગર રચના યોજના નંબર-9 અને 13માં રસ્તા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં અડાલજ ઉવારસદ વાવોલ ક-રોડ રસ્તા ઉપરાંત વાવોલના 45 મીટર પહોળાઇ ધરાવતો આરસીસી બાયપાસ રોડ ઉપર ગરનાળું રૂપિયા 1.10 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. ઉપરાંત સરગાસણ અને વાવોલના ટીપી વિસ્તારોમાં રૂપિયા 13.50 કરોડના ખર્ચે 13 જેટલા બાગ બગીચા બનાવવામાં આવશે.

બગીચા માટે નગર રચના યોજનાઓમાં અનામત પ્લોટ જેમાં ટીપી-6, એફ.પી. નંબર 186, 189, 190 તેમજ ટીપી-7 સરગાસણ જેના ફાઇનલ પ્લોટ નંબર 195 ટીપી-9 ના ફાઇનલ પ્લોટ નંબર 171 તથા નગર રચના યોજના નંબર-13 વાવોલના ફાઇનલ પ્લોટ નંબર 273, 308, 315, 329, 330માં બગીચા બનાવવાનો બોર્ડ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

જ્યારે ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર નવીન નગર રચના યોજના અંતર્ગત સરગાસણ અને વાવોલ સહિતના આસપાસના વિસ્તારોમાં કુલ 65 કિમી રસ્તાઓ બનાવવાનો નિર્ણય ગુડાની બોર્ડ બેઠકમાં લેવાયો હતો. જોકે રસ્તાના ખર્ચ એસ્ટીમેન્ટ તેમજ પ્લાન અંગેનો પ્લાન તૈયાર કરવા ગુડાના ચેરમેને સુચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...