તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એસ.ટી વિભાગને ફટકો:કોરોનાકાળમાં બસો બંધ રહેતા આવક ન હોવાથી એસ.ટી વિભાગને 500 કરોડથી વધુનું નુકસાન થયું

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દહેગામમાં 6 કરોડના ખર્ચે તૈયાર બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું
  • રાજયમાં નિયમિત 25 લાખ જેટલા લોકો બસ પરિવહનની સુવિધાનો ઉપયોગ કરે છે: નાયબ મુખ્યમંત્રી
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 43.72 કરોડના વિવિધ લોકાર્પણ-ખાતમુહૂર્ત વીડિયો કોન્ફરન્સથી સંપન્ન કર્યા.

આજે રાજ્યમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં વિવિધ તાલુકા મથકોના 8 નવા બસ મથકો 1 એસ.ટી. વર્કશોપના ઇ-લોકાર્પણ પાંચ એસ.ટી વર્કશોપના ઇ-ખાતમૂર્હત ગાંધીનગરથી સંપન્ન કર્યા. આ સાથે જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આજે દહેગામ ખાતે રૂપિયા 6 કરોડના ખર્ચે નિર્માણ પામેલ નવીન બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. જેમાં કોરોનાકાળમાં રાજ્યમાં એસ.ટી વિભાગને 500 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે આગામી 5 વર્ષોમાં રાજ્યના તમામ તાલુકાના બસ સ્ટેશનો સુવિધાનજક બનાવવાના સરકારના આયોજન વિશે જણાવ્યું હતું.

આધુનિક બની એસ.ટી બસો
આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજયના નાગરિકોની સલામત યાતાયાતની સૂવિધાઓ પુરી પાડી અદ્યતન પરિવહન સેવાઓ પૂરી પાડવા રાજય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબધ્ધ આયોજન કર્યુ છે. પ્રવર્તમાન યુગમા ટેકનોલોજીના માધ્યમથી એસ.ટી.ની સુવિધાઓ સહિત નવીન બસો દ્વારા મુસાફરોને પરિવહન સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે જેનો મહત્તમ ઉપયોગ નાગરિકો કરી રહ્યા છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની તસવીર
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની તસવીર

એસ.ટી વિભાગને 500 કરોડથી વધુનું નુકસાન
નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ધંધા- રોજગાર, સામાજિક અને અન્ય પ્રસંગોમાં એક સ્થળે થી બીજા સ્થળે જવા માટે આજે રાજયના મોટા ભાગના નાગરિકો એસ.ટી. બસ સુવિધાનો લાભ લે છે. રાજયમાં નિયમિત 25 લાખ જેટલા લોકો બસ પરિવહનની સુવિધાનો ઉપયોગ કરે છે. ગાંધીનગર અને દહેગામ તાલુકામાં દૈનિક સંચાલિત થતી એરાઇવલ અને ડર્પાચર ટ્રીપો કુલ - 725 છે. તેમજ બસ ટર્મિનલ પરથી દૈનિક 26,232 કિલોમીટરનું સંચાલન કરવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું, લોકડાઉનના સમયમાં સદંતર બસોનું પરિવહન બંધ હતું. તેમ છતાં રાજય સરકાર દ્વારા એસ.ટી. બસના કર્મયોગીઓનો નિયમિત પગાર કરવામાં આવ્યો છે. આ કોરાના કાળમાં એસ.ટી.ને આવક ન હોવાથી રાજય સરકારે લોક સુવિધા આપતાં એસ.ટી. નિગમની રૂપિયા 500 કરોડ કરતા વધુની નુકશાનીને ઉપાડી લીધી છે.

દહેગામના બસ સ્ટેશનમાં અદ્યતન સુવિધા
દહેગામ ખાતે નિર્માણ કરવામાં આવેલા બસ સ્ટેશનમાં અદ્યતન સુવિધા વાળા મુસાફરો માટેની બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટીંગ હોલ, સ્ટુડન્ટ પાસ – ટીકીટ રૂમ, એ.ટી.એસ.- એ.ટી.આઇ રૂમ, કંટ્રોલ રૂમ, કેન્ટીન, વોટર રૂમ, સ્ટોલ કમ શોપ, લેડીઝ રેસ્ટ રૂમ ( શૌચાલય સહિત), શૌચાલય, વિકલાંગ વ્યક્તીઓ માટે સ્પે. પ્રકારના શૌચાલય તથા સ્લોપીંગ રેમપ્ની સુવિધા સહિત, રેસ્ટ રૂમ જેવી સુવિધાઓ આપવામાં આવી છે.

મુખ્યમંત્રીએ બસ સ્ટેશન, એસ.ટી. વર્કશોપનું લોકાર્પણ કર્યું
મુખ્યમંત્રીએ બસ સ્ટેશન, એસ.ટી. વર્કશોપનું લોકાર્પણ કર્યું

મુખ્યમંત્રીએ 8 નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું
આજરોજ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-એસ.ટી દ્વારા રાજ્યના પ્રજાજનોની સેવામાં 43.72 કરોડ રૂપિયાના વિવિધ લોકાર્પણ-ખાતમુહૂર્ત ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યા હતા. મુખ્યમંત્રીએ રાજ્યના વિવિધ વિસ્તારોમાં 8 નવા બસ સ્ટેશન, 1 એસ.ટી. વર્કશોપના મળીને કુલ રૂ. 28.20 કરોડના કામોના લોકાર્પણ કર્યા હતા. આ ઉપરાંત તેમણે પાંચ ડેપો વર્કશોપ જે કુલ રૂ. 15.52 કરોડના ખર્ચે નિર્માણ પામવાના છે તેના પણ ઇ-ખાતમુહૂર્ત કર્યા હતા.