રાવ:ગ્રાન્ટેડ મા. અને ઉ. મા. શિક્ષકોને વેકેશનની કામગીરીની રજાઓ જમા કરવા રાવ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળી અને ઉનાળુ વેકેશન દરમિયાન શિક્ષકો ચુંટણી સહિતની કામગીરી કરતા હોય છે. ઉપરાંત હેડ ક્વાર્ટર નહી છોડવાની સુચના હોવાથી કામગીરીમાં રોકાયેલા શિક્ષકો વેકેશન ભોગવી શકતા નથી. ઉપરાંત ભોગવેલ વેકેશનની પ્રાપ્ત રજાઓ સર્વિસબુકમાં જમા કરવામાં આવે તેવો આદેશ કરવાની માંગ સાથે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક કર્મચારી સંઘ મહામંડળે શિક્ષણ સચિવને લેખિત રજુઆત કરી છે.

રાજ્યભરની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને દિવાળી અને ઉનાળુ વેકેશન દરમિયાન બોર્ડની કામગીરી, ચુંટણીની રાષ્ટ્રીય કામગીરી, મતદાર યાદીની કામગીરી, બીએલઓની, વસ્તી ગણતરી તેમજ અન્ય સરકારી પરીક્ષાઓની, આર.પી.-કે.આર.પી.ની તાલીમ, એનએસએસ અને એનસીસીની તાલીમ તેમજ વિવિધ તાલીમો તેમજ કામગીરીમાં વેકેશનમાં ફરજિયાત રોકવામાં આવે છે. આથી આવા શિક્ષકો એટલા દિવસો વેકેશન ભોગવી શકતા નથી. ઉપરાંત કેટલીકવાર ચુંટણીની કામગીરી આખુ વેકેશન દરમિયાન ચાલતી હોય છે.

આવી પરિસ્થિતિમાં હેડક્વાટર નહી છોડવાના આદેશો કરાય છે. જેને પરિણામે કામગીરીમાં રોકાયેલા શિક્ષકો વેકેશન ભોગવી શકતા નથી. જોકે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વેકેશન દરમિયાન કામગીરીમાં રોકાયેલા શિક્ષકોને રજાઓ આપવામાં આવે છે. પરંતુ રાજ્યભરની કેટલીક શાળાઓમાં તેની અમલવારી કરવામાં આવતી નહી હોવાથી રજાઓનો લાભ શિક્ષકોને મળતા નથી. ઉપરાંત નહી ભોગવેલી રજાઓની એન્ટ્રી સર્વિસ બુકમાં કરાતી નથી. આથી વેકેશન દરમિયાન કામગીરી કે તાલીમમાં રોકાયેલા શિક્ષકોને મળવાપાત્ર રજાઓની એન્ટ્રી સર્વિસબુકમાં કરાય તેવી માંગ સાથે રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ અને મહામંત્રી દ્વારા શિક્ષણ સચિવ અને શાળાઓના કમિશ્નરને લેખિત રજુઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...