આયોજન:જિલ્લામાં 13થી 20 જૂન સુધી ગ્રામસભા, પ્રશ્નનો સ્થળનિકાલ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયત અને વિધાનસભાની ચૂંટણીલક્ષી આયોજન

વિધાનસભા અને ગ્રામ પંચાયતની ચૂંટણીનો ગઢ સર કરવા માટે રાજ્ય સરકારે ગ્રામસભાનો કાર્યક્રમ તારીખ 13થી 20 જૂન સુધી જિલ્લાનાં તમામ ગામોમાં યોજ્યો છે. ગ્રામસભામાં ઉપસ્થિત પ્રશ્નોનો સ્થળ ઉપર જ નિકાલ કરાશે અને સ્થળ પર નિકાલ ન થનારા પ્રશ્નો માટે ખાસ વ્યવસ્થા કરવાની રહેશે. વિધાનસભાની ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારના મતો અંકે કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અત્યારથી જ કામગીરી આરંભી દીધી હોય તેમ અલગ અલગ યોજનાઓની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

તેમાં સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં ગ્રામસભાનું આયોજન કરવાનો આદેશ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કરાયો છે. જેને પગલે જિલ્લા પંચાયતે 286 ગામોમાં ગ્રામસભા યોજવાનું આયોજન કર્યું છે, જે અંતર્ગત દરેક તાલુકા વિકાસ અધિકારીઓને ગ્રામસભા યોજના અને ગામના તલાટીને જરૂરી સુચના આપવાનો આદેશ જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌત્તમે કર્યો છે. નાયબ જિલ્લા વિકાસ અધિકારી જાન્હવી પટેલે તાલુકા વિકાસ અધિકારીઓને આદેશ કરી દીધો છે.

ગ્રામસભામાં રજુ થયેલા પ્રશ્નોનો સ્થળ ઉપર જ નિકાલ કરવાનો રહેશે. ઉપરાંત જે પ્રશ્નો સ્થળ ઉપર નિકાલ થાય તેવા નથી તેને સબંધિત કચેરીને મોકલી દેવાનો રહેશે. ઉપરાંત આવા પ્રશ્નોના નિકાલ માટે અલાયતી વ્યવસ્થા કરવાની રહેશે. ઉપરાંત ગ્રામસભાના બાકીના પ્રશ્નો અંગે દર મહિનાની સંકલન સમિતિની બેઠકમાં નિયમિત સમીક્ષા કરવાની રહેશે.

14માં અને 15માં નાણાંપંચ હેઠળ થયેલા કામોની કામગીરીને માન્ય કરતો ઠરાવ ગ્રામસભામાં કરવાનો રહેશે. ઉપરાંત તેમાં કોઇ સુધારાત્મક સુચન હોય તો તેની નોંધ કરવાની રહેશે. આંગણવાડીના મકાન નથી કે જર્જરિત હોય તો તેના માટે મકાન બાંધકામ માટે જમીનનો ઠરાવ કરાવાનો રહેશે. આંગણવાડીને લગતા પ્રશ્નો વિવિધ ગ્રાન્ટમાંથી આયોજન કરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...