તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા 200 બાળકોને અનાજની કિટનું વિતરણ કરાયું

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંસ્થાએ બાળકોના પરિવારની તપાસ કરીને દર મહિનાની અનાજની કીટ આપી

કોરોનાની મહામારીમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર 200 બાળકોના પરિવારોને અનાજની કીટ આપવાનું કામ માણસા તાલુકાની સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે. સંસ્થાએ અત્યાર સુધીમાં ગાંધીનગર, અરવલ્લી અને મહેસાણા જિલ્લાના બાળકોને કીટ આપી છે.ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે કોરોનાની બીજી લહેરની ઝપટમાં આવેલા અનેક પરિવાર છિન્ન ભિન્ન થઇ ગયા છે. તેમાં ઘણાં પરિવારોમાં માતા કે પિતા અથવા માતા-પિતા બન્નેનું અવસાન થતાં આવા પરિવારના બાળકોની હાલત ઉપર આભ નીચે ધરતી જેવી બની રહી છે.

ત્યારે માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને ભોજન મળી રહે તેમજ તેઓનું શૈક્ષણિક કાર્ય અધવચ્ચે છુટી જાય નહી તે માટે જિલ્લાના માણસા તાલુકાના સેવાભાવી વ્યક્તિઓ દ્વારા આવા બાળકોના પરિવારોને અનાજની કીટ આપવામાં આવી રહી છે. માણસાના સેવાભાવી વ્યક્તિઓને પ્રાગદાસ બાપા ટ્રસ્ટની મદદથી સેવાકાર્ય કરી રહ્યા હોવાનું બીપીનભાઇ ભટ્ટે જણાવ્યું છે.

પરિવારની સ્થિતિ જોયા બાદ સહાય કરાય છે
કોરોનાથી માતા કે પિતા તથા બન્નેના મોત થયા હોય તેવા બાળકોના પરિવારને રાશન કીટ આપતા પહેલાં તેના સેવાભાવી વ્યક્તિઓ તેના ઘરે જાય છે. ત્યાં પરિવારની સ્થિતિ ખરા અર્થમાં આર્થિક રીતે કપરી હોય તેવા પરિવારને અનાજની કીટ અપાય છે.

માણસા બીઆરસી ભવન દ્વારા સર્વેે કરાયો હતો
કોરોનાનીમાં માતા-પિતા ગુમાવનાર બાળકોનો સર્વે માણસા બીઆરસી ભવન દ્વારા પ્રાથમિક શિક્ષકોની મદદથી સરવે કરાયો હતો. તેમાં કુલ 200 બાળકોના નામ આવ્યા હતા. તેમાંથી જરૂરીયાતવાળા 54 બાળકોને અનાજની કીટ આપી છે.

3 જિલ્લાના બાળકોના ઘરે કિટ મોકલવામાં આવી
ગાંધીનગર જિલ્લાના માણસા, દહેગામ અને ગાંધીનગર તાલુકાના બાળકો તેમજ અરવલ્લી જિલ્લાના મોડાસા, માલપુર, બાયડ, મેઘરજ તાલુકાના બાળકો જ્યારે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બાળકોને કીટ આપી છે.

આવા બાળકોને ભણાવાશે
પ્રાગદાસ બાપુ ટ્રસ્ટ દ્વારા માતા કે પિતા તથા બન્ને ગુમાવનાર બાળકોનું શિક્ષણ કાર્ય અટકી પડે નહી તે માટે સેવાભાવી કાર્યકરો રૂબરૂ મુલાકાત કરી રહ્યા છે. ત્યાં પરિવારના વ્યક્તિઓ પાસેથી માહિતી લઇને જરૂરીયાતવાળા બાળકોનું શિક્ષણ કાર્ય અટકી પડે નહી તે માટેનું જરૂરી સહાય કરાશે.

અન્ય સમાચારો પણ છે...