તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતને મદદ મળશે?:વિનાશક તાઉ-તે વાવાઝોડાથી ગુજરાતમાં થયેલા નુકસાન સામે રાજ્ય સરકારે કેન્દ્ર પાસે રૂ.9836 કરોડની સહાય માગી

ગાંધીનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
તાઉ-તે વાવાઝોડાથી વીજ થાંભલાઓને મોટું નુકસાન - Divya Bhaskar
તાઉ-તે વાવાઝોડાથી વીજ થાંભલાઓને મોટું નુકસાન
  • તાઉ-તેથી ખેતીવાડી, મકાનો, મત્સ્યોદ્યોગ, વીજળી, રસ્તા અને માળખાકીય સુવિધાઓને નુકસાન
  • ગુજરાત સરકારે સહાયની જરૂરિયાત અંગે આવેદનપત્ર ભારત સરકારને મોકલ્યું
  • અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં તાઉ-તેથી સૌથી વધુ નુકસાન

ગુજરાતમાં તાજેતરમાં 17મી મેના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા તાઉ-તેથી ઊભી થયેલી પરિસ્થિતી અને નુકશાનીમાંથી પૂર્વવત થવા પૂનર્વસન કામો, માળખાકીય સુવિધાના કામો વગેરે માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ NDRF અંતર્ગત કુલ રૂ. 9836 કરોડની જરૂરિયાત અંગેનું મેમોરેન્ડમ-આવેદનપત્ર રજૂ કર્યુ છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવોએ મુખ્ય સચિવ અનિલ મુકીમના નેતૃત્વમાં નુકશાની સામે પૂર્વવત સ્થિતી માટે આ કેન્દ્રીય સહાયની જરૂરિયાત અંગે આ આવેદનપત્રમાં વિસ્તારપૂર્વક રજૂઆતો કરી છે.

તાઉ-તે વાવાઝોડાથી કૃષિ સહિતના જુદા જુદા વિભાગોને નુકસાન
કેન્દ્રીય સહાય માટે કેન્દ્ર સરકાર સમક્ષ રાજ્ય સરકારે રજૂ કરેલા આ મેમોરેન્ડમમાં જુદા-જુદા સેક્ટરમાં જે નુકસાન થયું છે તેની વિસ્તૃત વિગતો આ અહેવાલમાં રજૂ કરવામાં આવી છે તે અનુસાર, કૃષિ અને બાગાયતી વિભાગ, ઊર્જા વિભાગ, ઉદ્યોગ વિભાગ, મેરિટાઇમ બોર્ડ, પંચાયત, પાણી પુરવઠો, માર્ગ-મકાન, મત્સ્યોદ્યોગ, વન, શહેરી વિકાસ, શિક્ષણ વગેરે વિભાગોના નુકશાન મળીને કુલ 9836 કરોડ રૂપિયાની આ નુકશાનમાંથી પૂર્વવત થવા ગુજરાતને જરૂરિયાત હોવાના અંદાજો કેન્દ્ર સમક્ષના આવેદનપત્રમાં આપવામાં આવ્યા છે. આ સહાય ભારત સરકાર NDRFમાંથી ગુજરાતને ફાળવે તેવી આગ્રહભરી વિનંતી પણ કરવામાં આવી છે. એટલું જ નહિ, રાજ્ય સરકારે SDRF માટે પણ રૂ. 500 કરોડની વધારાની સહાયની માંગણી કરી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ફાઈલ તસવીર
મુખ્યમંત્રી વિજય રૂપાણીની ફાઈલ તસવીર

વાવાઝોડાની અસર રાજ્યના 23 જિલ્લાઓમાં થઈ
ગુજરાતમાં આ અગાઉ 1975, 1982 અને 1998માં જે વાવાઝોડા આવ્યા હતા તે આ વખતના વિનાશકારી તાઉ-તે વાવાઝોડાની તુલનાએ ઘણી ઓછી તિવ્રતા અને અસર વાળા હતા. ગુજરાતમાં ત્રાટકેલા આ તાઉ-તે વાવાઝોડાએ રાજ્યના 23 જિલ્લાઓને અસર પહોંચાડી છે. સમુદ્ર કિનારેથી રાજ્યમાં પ્રવેશેલું આ વિનાશક વાવાઝોડું 28 કલાક સુધી ગુજરાતને ઘમરોળીને રાજસ્થાન તરફ ફંટાયું હતું. કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરવામાં આવેલા ગુજરાતના આ મેમોરેન્ડમમાં તાઉ-તે વાવાઝોડાએ સર્જેલી તારાજીનો ચિતાર પણ આપવામાં આવ્યો છે. આ સંદર્ભમાં જણાવવામાં આવ્યું છે કે, આ વાવાઝોડાને પરિણામે માનવ હાનિ-જાનહાનિ, પશુ મૃત્યુ, મિલકતોને નુકશાન અને અન્ય મહત્વના ક્ષેત્રોનો કેપિટલ લોસ સૌથી વધુ અસરગ્રસ્ત એવા અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં મોટા પ્રમાણમાં થયો છે.

મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની
મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની

અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ થાંભલા, મકાનોને અસર
આ અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટા-જાયન્ટ ક્રેઇન ટાવર્સ, વીજળીના થાંભલાઓ, પાકા મકાનો વગેરે મોટી સંખ્યામાં જમીનદોસ્ત થઇ ગયા છે. એટલું જ નહીં, ખેતીવાડી-બાગાયતી પાકોના વૃક્ષો ધરાશાયી થવા, મૂળમાંથી જ ઉખડી જવા જેવા વિનાશથી આ તાઉતે વાવાઝોડાની વિકરાળતાનો ખ્યાલ આવી જાય છે. રાજ્યમાં હવાઈપટ્ટીઓ, વીજ, સિંચાઈ અને જળ વિતરણ સહિતના આંતરમાળખાને ભારે નુકસાન પહોંચ્યું છે. કૃષિ અને પાક વાવેતરમાં પણ મોટું નુકસાન થયું છે અને અસરગ્રસ્ત વિવિધ જિલ્લાઓમાં પશુધનની મોટાપાયે જાનહાનિ થવા પામી છે.