ગુજરાતમાં બળાત્કારના કિસ્સા:સરકારે બળાત્કારના આંકડા છુપાવ્યા લોકસભામાં ઓછા કિસ્સા બતાવ્યા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસે આંકડા રજૂ કરીને ગુજરાત સરકારની પોલ છતી કરી
  • વિધાનસભા કરતાં સંસદમાં બતાવેલા કેસની સંખ્યા ઓછી

રાજ્ય સરકાર દ્વારા બળાત્કાર જેવા ગંભીર ગુનાના આંકડા પણ લોકસભા અને વિધાનસભામાં અલગ અલગ રજૂ કરીને ગંભીર ગુનાહીત પ્રવૃત્તિ થઇ રહી હોવાનો આક્ષેપ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા પાર્થિવ કઠવાડિયાએ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકારે વિધાનસભામાં વર્ષ 2020 અને 2021 એમ બે વર્ષમાં ગુજરાતમાં 3796 બળાત્કાર અને 61 સામૂહિક બળાત્કારના આંકડા રજૂ કર્યા હતા. જયારે લોકસભામાં વર્ષ 2020 અને 2021 એમ બે વર્ષ દરમિયાન બળાત્કારના 1075 અને 35 સામૂહિક બળાત્કારના ગુના બન્યા હોવાનો આંકડા રજૂ કર્યા છે. આ અંગે ગુજરાત સરકાર માફી માગી સ્પષ્ટતા કરે તેવી માગ કોંગ્રેસના પ્રવક્તાએ કરી હતી.

કોંગ્રેસના પ્રવક્તાએ એવો પણ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે, ખોટા આંકડા ગુજરાત સરકારના છે કે કેન્દ્ર સરકારના? કેન્દ્ર અથવા રાજ્ય સરકાર પૈકી જેણે ખોટા આંકડા રજૂ કર્યા હોય તેના જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવામાં આવે તેવી માગ પણ કોંગ્રેસના પ્રવક્તાએ કરી હતી. પ્રવકતાએ કહ્યું હતું કે, ગુજરાત વિધાનસભાના 10 માર્ચ,2022ના રોજ ગુજરાતમાં બળાત્કારના કિસ્સા અંગે પૂછાયેલા પ્રશ્નનાે જવાબ અને 20 ડિસેમ્બર,2022ના રોજ લોકસભામાં પૂછાયેલ પ્રશ્નના જવાબમાં મોટો તફાવત છે. કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે, દેશભરમાં ગુજરાતને મોડલ સ્ટેટ તરીકે ભાજપે રજૂ કર્યુ હોવાથી ગુનાહિત પ્રવૃત્તિઓને પણ ઓછી દર્શાવીને ખોટું ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરવાનો નિરર્થક પ્રયાસ ભાજપ સરકારે કર્યો છે. મહિલાઓની સુરક્ષા બાબતે ગુજરાત સરકાર ઊણી ઊતરી હોવાનો આક્ષેપ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...