વિધર્મી દ્વારા હિન્દુ યુવતીને લગ્નની લાલચે ધર્મ પરિવર્તન કરાવવાની પ્રવૃત્તિ રોકવા માટે વિધાનસભામાં પસાર કરેલા લવ જેહાદ(ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ) બિલને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મંજૂરી આપી છે. હવે ગુજરાત સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડીને તેનો અમલ શરૂ કરવામાં આવશે.
ગુજરાત સરકારે આ કાયદામાં 5 વર્ષ સુધીની સજા અને રૂ.2 લાખ સુધીના દંડની જ્યારે સગીર સાથેના ગુનામાં 7 વર્ષ સુધીની સજા અને રૂ.3 લાખ દંડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ, જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષની જોગવાઈ કરાઇ છે. ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે લવ જેહાદ ઉપરાંત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) વિધેયકને પણ મંજૂરી અપાઇ છે.
લોહીના સગપણવાળી કોઈપણ વ્યક્તિ ફરિયાદ નોંધાવી શકશે
આવા લવજેહાદના કિસ્સામાં નવી કલમ 3ક દાખલ કરવામાં આવનાર છે, જેને લઇને વ્યક્તિ વિરૂદ્ધ નારાજ થયેલી વ્યક્તિ તેના માતા-પિતા, ભાઈ-બહેન અથવા લોહીના સગપણથી લગ્ન અથવા દત્તક વિધાન નથી પણ ધરાવતી કોઇ અન્ય વ્યક્તિ હકુમત ધરાવતા પોલીસ મથકમાં પ્રથમ માહિતીનો અહેવાલ આપતાની સાથે જ એફઆઈઆર દાખલ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
કાયદા મુજબ મદદગાર સામે પણ કાર્યવાહી થશે
લવજેહાદના કિસ્સામાં કેટલીક વ્યક્તિઓ ગુનો કરવામાં મદદગારી કરનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને પગલા લેવામાં આવશે કેટલાક કિસ્સામાં બિનજામીનપાત્ર ગુનો પણ બનશે. આ માટેની તપાસ નાયબ પોલીસ અધિક્ષક થી ઉતરતા દરજ્જાના હોય તેવા અધિકારી કરી શકશે નહીં તેવી જોગવાઈ પણ વિશેષ રીતે કરવામાં આવી છે. નવી કલમ-4થી કોઈ વ્યક્તિના લગ્ન કરાવીને અથવા કોઈ વ્યક્તિને લગ્ન કરાવવામાં મદદ કરીને ધર્મ પરિવર્તન એકમાત્ર હેતુના સંબંધમાં શિક્ષાની જોગવાઇ કરવામાં આવી છે. ગેરકાયદેસર ધર્મ પરિવર્તન દ્વારા લગ્ન સંસ્થા અને સંગઠને કરેલા ગુના સાબિત થાય તેવા કિસ્સામાં બિન જામીનપાત્ર ગુનો બનશે.
દંડ-સજાની જોગવાઈ વધુ આકરી થશે
ગુરૂવારે ગુજરાત વિધાનસભામાં ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003માં સુધારા કરીને પ્રલોભન, બળજબરી, ગેરરજૂઆત અથવા બીજા કોઈ કપટયુક્ત સાધન મારફત ધર્મ પરિવર્તન કરાયું હોવાનું જણાશે તો તેવા કિસ્સામાં દંડ અને સજાની જોગવાઈ વધુ આકરી બનાવવામાં આવશે. આમ તો આ સમગ્ર સુધારો લવ જેહાદની પ્રવૃતિ રોકવા માટે છે. ઉતરપ્રદેશની પેટર્ન મુજબ લવ જેહાદ સામે કાયદામાં મોટો સુધારો આવી રહ્યો છે અને તેની જોગવાઈ મુજબ કસુરવાન વ્યક્તિને ઓછામાં ઓછી ત્રણ વર્ષની અને વધુમાં વધુ પાંચ વર્ષની સજા-2 લાખની ઓછો નહીં તેટલો દંડ કરવામાં આવશે. જો આ પ્રકારનો ગુનો સગીર અથવા અનુસૂચિત જાતિ-આદિ જાતિની વ્યક્તિના કિસ્સામાં બન્યું હશે તો 4 વર્ષથી 7 વર્ષ સુધીની સજા અને 3 લાખથી ઓછો નહીં તેટલો દંડ કરવામાં આવશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.