શુભારંભ:ગાંધીનગરના સેકટર-21 શાક માર્કેટમાં સ્થપાયેલાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્રનો રાજ્યપાલે પ્રારંભ કરાવ્યો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો વધુને વધુ લોકો સુધી પહોંચાડવા દરેક જિલ્લા મથકે વેચાણ કેન્દ્ર શરૂ કરવાનું આયોજન: રાજ્યપાલ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજય સરકારના સહયોગથી રાજ્યના સૌ પ્રથમ ગાંધીનગરના સેકટર- 21 શાકમાર્કેટમાં સ્થાપેલાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનનાં વેચાણ કેન્દ્ર The Natural Shopનો શુભારંભ કરાવ્યો હતો. આ કેન્દ્રમાં પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલ ખેત પેદાશો તેમજ તેની બનાવટની ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.

આ પ્રસંગે રાજયપાલે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા રાજય સરકાર દ્વારા દરેક જિલ્લા મથકે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ કેન્દ્રો સ્થાપવાનું આયોજન હાથ ધરાયું છે. જેના કારણે લોકોને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો સરળતાથી ઉપલબ્ધ થશે અને ખેડૂતોને પ્રારંભિક કૃષિ ઉત્પાદનોનું માર્કેટ મળશે.

ગાંધીનગર ખાતે ફાર્મર પ્રોડયુસર આર્ગોનાઇઝેશન – FPO અંતર્ગત શરૂ કરાયેલા આ સરકારી વેચાણ કેન્દ્રનો પ્રારંભ કરાવતા રાજયપાલે ઉમેર્યું હતું કે, રાસાયણિક કૃષિના દુષ્પરિણામથી લોકો કેન્સર, ડાયાબિટીસ, હદયરોગ જેવી અસાધ્ય બિમારીનો ભોગ બની રહ્યા છે, ત્યારે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના આ વેચાણ કેન્દ્રો દ્વારા લોકોને રાસાયણિક ખાતર અને જંતુનાશકોથી મુક્ત એવો પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો મળી શકશે.

એટલું જ નહીં ખેડૂતોને આવા ઉત્પાદનોની યોગ્ય કિંમત પણ મળશે. પ્રાકૃતિક કૃષિને કારણે જળ-જમીન અને પર્યાવરણનું રક્ષણ થશે. દેશી ગાયનું જતન- સંવર્ધન થશે અને ખેડૂતોની આવક વધશે. જેના કારણે વડાપ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદીના વર્ષ- 2022 માં ખેડૂતોની આવક બમણી કરવાનું સપનું સાકાર થશે. રાજયપાલે આ તકે વધુને વધુ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો વાપરવા લોકોને આગ્રહ પણ કર્યો હતો.

કૃષિ રાજય મંત્રી રાધવજી પટેલે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી થકી ઉત્પાદન થયેલ ખાધ ચીજવસ્તુઓના વેચાણ માટે ખેડૂતોને આ દુકાન આપવામાં આવી છે. રાજયમાં પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતો ઉત્સુક છે. આ ખેતી ગૌ મૂત્ર- ગોબર થકી તૈયાર થયેલ જીવા અમૃત ખાતર થકી ઉત્પાદન કરવામાં આવે છે. આ ખાતર થકી જમીનની ફળદ્રપતા વધે છે. તેમજ પાણીની બચત સાથે સાથે ખર્ચે પણ ઘટે છે. આ ઉત્પાદન થયેલા શાકભાજી- અનાજમાં દવાનો અંશ ન હોવાથી આ ઉત્પાદનનો ઉપયોગ કરનાર વ્યક્તિના સ્વાસ્થને પણ ફાયદો થાય છે.

આ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન કેન્દ્રના શુભારંભ પ્રસંગે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કાર્પોરેશનના મેનેજીંગ ડિરેકટર મહેશસિંગ, આત્માના સ્ટેટ નોડલ ઓફિસર ડી.વી.બારોટ, ગુજરાત રાજય બીજ નિગમના મેનેજીંગ ડિરેકટર પી.એસ.રબારી, નાયબ બાગાયત નિયામક ડી.જે.પટેલ, આત્મા પ્રોજેક્ટના ડાયરેકટર બી.એમ.પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી બી.આર.પટેલ સહિત આમંત્રિત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...