બજેટસત્રના પહેલા દિવસે વિપક્ષનો હોબાળો:‘ગૃહમંત્રી રાજીનામું આપે’નાં સૂત્રો વચ્ચે રાજ્યપાલે 5 મિનિટમાં સંબોધન ટૂંકાવ્યું

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગૃહમંત્રીની ફાઇલ તસવીર - Divya Bhaskar
ગૃહમંત્રીની ફાઇલ તસવીર
  • ખંડણીકાંડ બહાર લાવનાર ગોવિંદ પટેલના સન્માનમાં કોંગ્રેસી ધારાસભ્યો ઊભા થયા

રાજ્ય વિધાનસભાના ગૃહના બજેટ સત્રના પ્રથમ દિવસે જ રાજ્યપાલે સંબોધન કર્યું હતું, પણ કોંગ્રેસે રાજ્યપાલને સંબોધન કરવા દીધું નહીં. રાજ્યપાલે સંબોધન હાથ ધરતા કોંગ્રેસે ‘ગૃહ મંત્રી રાજીનામું આપે’ તેવા સૂત્રોચ્ચાર કરતા રાજ્યપાલે 5 મિનિટમાં તેમનું સંબોધન ટૂંકાવી નાખ્યું હતું.

રાજ્યપાલ જતા રહ્યા પછી કોંગ્રેસના ધારાસભ્યો કથિત આઈપીએસ ખંડણીકાંડ બહાર લાવનાર ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલના સન્માનમાં ઊભા થઈ ગયા હતા અને કોંગ્રેસના ધારાસભ્યોએ તેમને અભિનંદન આપ્યાં હતાં.

વિધાનસભા ગૃહમાં મહાત્મા ગાંધી, રવીન્દ્ર ટાગોરને યાદ કરી રાજ્યપાલે સંબોધન હાથ ધરતા જ કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુંમરે ઊભા થઈને ‘ગોડસેની વિચારધારા બંધ કરાવો’નાં સૂત્રો પોકાર્યા હતા. ઠુંમર બાદ એક પછી એક ધારાસભ્યે ગૃહ મંત્રી રાજીનામું આપે તેવાં સૂત્રો બોલાવીને ગૃહમાં વિરોધ વ્યક્ત કર્યો હતો. એક બાજુ રાજ્યપાલનું પ્રવચન ચાલી રહ્યું હતું અને બીજી બાજુ કોંગ્રેસના ધારાસભ્યો સૂત્રો બોલાવી રહ્યા હતા. રાજ્યપાલે 5 મિનિટ પ્રવચન કર્યા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર ચાલુ જ રાખતા છેવટે રાજ્યપાલે પ્રવચન ટૂંકાવીને પૂરું કરી દીધું હતું.

રાજ્યપાલે ગૃહ છોડી દેતા ધારાસભ્ય ગોવિંદ પટેલને કોંગ્રેસના ધારાસભ્યો તેમના સ્થાનેથી જ મોટેથી બોલીને અભિનંદન આપ્યા હતા. સૌએ એક પછી એક અભિનંદન આપ્યા પછી કોંગ્રેસના ધારાસભ્યોએ ગોવિંદ પટેલના સન્માનમાં ઊભા થઇ ગયા હતા. આ પછી ગૃહ વિધિવત રીતે શોકદર્શક ઉલ્લેખ સાથે હાથ ધરાયું હતુું.

બજેટનું કદ 2.40 લાખ કરોડ રહેવાની શક્યતા
ગુરુવારે ભૂપેન્દ્ર પટેલ સરકારનું પ્રથમ બજેટ છે. ચાલુ વર્ષે વિધાનસભા ચૂંટણી છે અને વર્તમાન સરકારનું આ છેલ્લું બજેટ હોવાથી તેને લોકરંજક બનાવવાના પ્રયાસો કરાશે. આ વખતે બજેટનું કદ 2.40 લાખ કરોડની આસપાસ રહે તેવી શક્યતા છે. ભૂપેન્દ્ર પટેલ સરકારે આવતાની સાથે જ વિવિધ વર્ગને આકર્ષવા પ્રયાસ કર્યા છે. હવે બજેટમાં પણ આ પ્રયાસો વિશેષપણે દેખાશે. યુવાનોને આકર્ષવા સરકારી નોકરીમાં મોટી સંખ્યામાં ભરતીની જાહેરાત થાય તેવી શક્યતા પણ સૂત્રોએ વ્યક્ત કરી છે.

ગોવિંદ પટેલને અભિનંદન આપી કોંગ્રેસે ભાજપની બેઠક બિનહરીફ કરી : રૂપાણી
રાજ્યપાલે ગૃહ છોડ્યા બાદ ખંડણીકાંડ બહાર લાવનારા ધારાસભ્ય ગોવિંદ પટેલને કોંગ્રેસી ધારાસભ્યોએ રૂપાણીની હાજરીમાં જ શાબાશી આપતા રૂપાણી બોલ્યા હતા કે, ગોવિંદભાઈ વિધાનસભાની ચૂંટણીની એક બેઠક કોંગ્રેસે જ ભાજપ માટે બિનહરીફ કરી નાખી, હવે 181ની વાત રહી.

અન્ય સમાચારો પણ છે...