ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સોલૈયા ગામમાં આયોજિત વિશ્વ આંજણા ચૌધરી મહાસંમેલનને સંબોધન કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, જે કોમ-જાતિ કે સમાજમાં એકતા, સંગઠન અને ભાઈચારો છે, એકમેકને સહયોગી બનવાની ભાવના છે, જેમની યુવા પેઢી શિક્ષિત છે-વ્યસનથી મુક્ત છે એ સમાજ ઉન્નતિ કરે છે. નિશ્ચિત રૂપે શિરોમણિ બને છે.
સોલૈયા ગામના વતની અને કેનેડામાં સ્થાયી થયેલા રમણભાઈ રણછોડભાઈ ચૌધરીએ જ્ઞાતિજનોમાં શિક્ષણ અને સંસ્કારોનું સિંચન થાય, જ્ઞાતિજનો સંગઠિત થાય, વ્યસનોથી દૂર રહે અને દેશ, જ્ઞાતિ, ધર્મની ઉન્નતિ માટે પ્રવૃત્તિ રહે એવા પવિત્ર હેતુથી સોલૈયામાં ત્રિદિવસીય વિશ્વ આંજણા ચૌધરી મહાસંમેલનનું આયોજન કર્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ પ્રસંગે આયોજિત હવનમાં આહુતિ આપી હતી અને દીપ પ્રગટાવીને મહાસંમેલન ખુલ્લું મૂક્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ યશ, કીર્તિ અને આર્થિક ઉપાર્જનની સાથોસાથ બાળકોને ભારતીય જીવન મૂલ્યો અને આદર્શ સંસ્કારો આપવા અનુરોધ કર્યો હતો અને કહ્યું હતું કે સંસ્કારી બાળકો સારા પરિવારનું નિર્માણ કરશે, પરિવાર સારો હશે તો સમાજ સારો બનશે, સારા સમાજથી જ રાષ્ટ્ર પ્રગતિ કરશે અને રાષ્ટ્ર પ્રગતિ કરશે તો આદર્શ વિશ્વનું નિર્માણ થશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, જો વ્યક્તિ બાળપણથી જ સંઘર્ષશીલ, પરિશ્રમી અને કંઈક કરી છૂટવાની તમન્નાવાળો હોય તો પરમાત્મા પણ તેનો સાથ આપે છે. ગુજરાતના ટંકારામાં જ જન્મેલા સ્વામી દયાનંદ સરસ્વતીજી કહેતા, 'પ્રત્યેક વ્યક્તિએ અન્યની ઉન્નતિમાં પોતાની ઉન્નતી સમજવી જોઈએ.' આંજણા ચૌધરી સમાજના અગ્રણી રમણભાઈ રણછોડભાઈ ચૌધરી સોલૈયા જેવા નાના ગામમાં જન્મ્યા, અહીં જ ભણ્યા-ઉછર્યા, અને આજે જે રીતે સામાજિક જવાબદારીઓનું નિર્વહન કરી રહ્યા છે એ જ તેમને મહાન બનાવે છે. તેમણે આંજણા ચૌધરી સમાજની એકતા અને સંગઠન માટે જે કામ કર્યું છે અને સમાજને આગળ લઈ જવા જે પ્રયત્નો કર્યા છે તેને અભિનંદન પાઠવું છું.
સારા વિચારો જ વ્યક્તિને ઉન્નત બનાવે છે. સારા સંસ્કારો અને સારી વિચારધારા વ્યક્તિની સૌથી મોટી પૂંજી છે એમ કહીને રાજ્યપાલએ કહ્યું હતું કે, રમણભાઈ ચૌધરી સમાજના હિત અને કલ્યાણ માટે આગળ આવીને સામાજિક જવાબદારી નિભાવી રહ્યા છે. આવો ભાવ પ્રત્યેક વ્યક્તિમાં પેદા થવો જોઈએ. એક-એક વ્યક્તિ મળીને સમાજ બને છે. આખી દુનિયાને આપણો પરિવાર માનીને સૌના કલ્યાણ માટે આપણે પ્રયત્નશીલ રહીએ એ જ આપણા 'વસુધૈવ કુટુમ્બકમ્'ની સાચી વિભાવના છે.
'આંજણા ચૌધરી સમાજ ખેતીવાડી સાથે જોડાયેલો છે. શાસ્ત્રોમાં પણ સૌથી ઉત્તમ ખેતી ગણવામાં આવી છે. વેદ પણ કહે છે, 'મહેનતથી ખેતી કરો.' કિસાન રાજાઓનો રાજા છે. ખેતી કામ સૌથી શ્રેષ્ઠ અને પવિત્ર કામ છે. ખેતીમાં નવી ટેકનીક જોડો. રાસાયણિક ખાતર છોડો અને પ્રાકૃતિક ખેતી અપનાવો' એવું આહ્વાન કરતાં પ્રાકૃતિક ખેતી માટે હંમેશા પ્રયત્નશીલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ખર્ચ ઓછું થશે, આવક બમણી થશે અને ધરતી માતા પવિત્ર થઈ જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.