વિરોધ:સરકારી કર્મચારીઓ આકરા મૂડમાં, પડતર માંગણીઓનો સત્વરે નિકાલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાનું એલાન

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત રાજય સંકલન સમિતિ દ્વારા વધુ એકવાર મુખ્યમંત્રીને પત્ર લખી પડતર પ્રશ્નો અંગે જાણ કરી

સરકારમાં ફરજ બજાવતા કર્મચારીઓનાં વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે વારંવાર મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. છતાં આજ દિન સુધી પડતર પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ આવ્યું નથી. તેથી ગુજરાત રાજય સંકલન સમિતિ દ્વારા વધુ એકવાર મુખ્યમંત્રીને પત્ર લખી પડતર પ્રશ્નો અંગે હકારાત્મક અભિગમ રાખી સત્વરે નિરાકરણ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં રાજયના તમામ મંડળો તેમજ મહાસંઘ દ્વારા આંદોલન કરવાનો સામૂહિક નિર્ણય કરવામાં આવ્યો હોવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

શિક્ષક સહાયકોને રક્ષણ સહિતના લાભો આપી પગાર પ્રથા બંધ કરવી

ગુજરાત રાજય કર્મચારી સંકલન સમિતિ દ્વારા વધુ એક વાર કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. ઉપરાંત સંકલન સમિતિ દ્વારા સત્વરે પડતર પ્રશ્નોનો નિવેડો નહીં લાવવામાં આવે તો આગામી દિવસે સરકાર વિરોધી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સમિતિના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલે મુખ્ય મંત્રીને પાઠવેલા પત્રમાં જણાવાયું છે કે, ફિક્સ પગારના કર્મચારીઓને કુલ પગાર સહિતના તમામ લાભો નિમણૂકની તારીખથી આપવા અને વર્ષ 2006 પહેલા નિમણૂક થયેલા તમામ શિક્ષક સહાયકોને રક્ષણ સહિતના લાભો આપી પગાર પ્રથા બંધ કરવી જોઈએ.

વય નિવૃત્તિ 58ની જગ્યાએ 60 વર્ષ કરવા માંગ

અધિકારી /કર્મચારીઓની NPS બંધ કરી જુની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવી, 7 માં પગાર પંચના બાકી લાભો જેવાકે HRA, શિક્ષણ તેમજ વાહન ભથ્થું તથા કેશલેસ મેડીક્લેમ યોજના, વય નિવૃત્તિ 58ની જગ્યાએ 60 વર્ષ કરી નિયુક્તિ પછી પુનઃ નિયુક્તિ પ્રથા બંધ કરી દેવી તેમજ એકાંકી જગ્યાના કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ 10, 20, 30 પગાર મર્યાદા સિવાય લાભ આપવાની પણ માંગણી કરાઈ છે.

મોંઘવારી ભથ્થાના તમામ હપ્તા રિલીઝ કરવાની માંગણી

તે સિવાય 50 વર્ષની વય મર્યાદા પછી તમામ ખાતાકીય અને સીસીસી પરીક્ષા આપવામાંથી કર્મચારીઓને મુક્તિ આપવી જોઈએ. પંચાયત બોર્ડ નિગમ નગરપાલિકા તેમજ વર્ક ચાર્જ /રોજમદાર કર્મચારીઓને પણ સાતમાં પગાર પંચનો લાભ આપવો. આઉટસોર્સથી ભરતી બંધ કરી કર્મચારીના મૃત્યુ બાદ રહેમરાહે નોકરી આપવી તેમજ કોવિડ ફરજ દરમિયાન મૃત્યુ પામેલા અધિકારી અને કર્મચારીઓને 25 લાખની સહાય સત્વરે આપી બિનસરકારી અનુદાનિત કોલેજોના કર્મચારીઓને વાહન ભથ્થુ તેમજ રાજ્ય કર્મચારીઓને રાહત દરે પ્લોટ આપવા થયેલા પરિપત્રની અમલવારી કરવા ઉપરાંત સ્થગિત કરવામાં આવેલા મોંઘવારી ભથ્થાના તમામ હપ્તા રિલીઝ કરવાની માંગણી કરવામાં આવી છે.

જો ઉપરોક્ત પડતર માંગણીઓ અંગે સત્વરે હકારાત્મક નિરાકરણ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં રાજયના તમામ મંડળો તેમજ મહાસંઘ દ્વારા આંદોલન કરવાનું ગુજરાત રાજય કર્મચારી સંકલન સમિતિ દ્વારા ચીમકી પણ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...