ખેલાડીએ ખેલૈયાઓ સાથે રમઝટ બોલાવી:ગોલ્ડમેડાલિસ્ટ મીરા ચાનુ ગાંધીનગરના કલ્ચરલ ગ્રાઉન્ડમાં મન મૂકીને ગરબે ઘૂમ્યાં

ગાંધીનગર2 મહિનો પહેલા

ગાંધીનગરના કલ્ચરલ ફોરમમાં નવલી નવરાત્રિ સોળે કલા ખીલી ઊઠી છે. કલ્ચરલ ફોરમની નવરાત્રિ-2022માં પહેલા નોરતેથી જ ખેલૈયાઓ મન મૂકીને ગરબાની મોજ માણી રહ્યા છે. કોરોનાકાળનાં બે વર્ષ પછી ગરબાનાં આયોજનો થતાં ખેલૈયાઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ છલકાઈ રહ્યો છે. ગાંધીનગર કલ્ચરલ ફોરમના ઉલ્લાસ અને ઉમંગભર્યા વાતાવરણમાં યુવાધન હિલોળે ચડયું છે. ત્યારે ગઈકાલે પાંચમા નોરતે દેશનું ગૌરવ વધારનાર પદ્મશ્રી મીરાબાઈ ચાનુ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. અહીં કલ્ચરલ ફોરમના ગરબા નિહાળીને વેઈટલિફ્ટર મીરાબાઈ પણ પોતાને રોકી શક્યાં નહોતાં અને ગરબાના તાલે ઝૂમી ઊઠયાં હતાં.

2022માં ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો
મીરાબાઈ ચાનુએ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ 2018, ટોક્યો ઓલિમ્પિક્સ 2020 અને છેલ્લે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 ત્રણ મોટી રમત અને ત્રણ મોટા મેડલ મીરા ચાનુના નામે છે. આ રેકોર્ડ ભારતની સ્ટાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુનો છે.

ટોક્યો ઓલિમ્પિક્માં 202 કિલો વજન ઊંચક્યું હતું
ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં ટોક્યોમાં મીરાએ દેશ માટે પ્રથમ મેડલ જીત્યો હતો, જ્યારે ટોક્યો ઓલિમ્પિક્માં તેમણે મહિલાઓના 49 કિલો વજનના વર્ગમાં કુલ 202 કિલો વજન ઊંચકીને ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો.

પદ્મશ્રી મીરાબાઈ ચાનુને મળેલી જીત સાથે જોડાયેલી વાતો

  • 1. મીરાબાઈ ચાનુ ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારત માટે મેડલ જીતનાર પ્રથમ એથ્લીટ બની છે. તેમણે સિલ્વર મેડલના રૂપે દેશને ટોક્યો ઓલિમ્પિકમાં પ્રથમ મેડલ અપાવ્યો હતો.
  • 2. મીરાબાઈ ચાનુએ 49 કિલો વજનના વર્ગની મહિલા વેઇટલિફ્ટિંગ ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ચાનુએ કુલ 202 કિલો વજન ઊંચકી સ્નેચમાં 87 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 115 કિલો વજન ઊંચક્યું હતું.
  • 3. મીરાબાઈ ચાનુ મહિલા વેઇટલિફ્ટિંગમાં મેડલ જીતનાર બીજી ભારતીય ખેલાડી છે. તેમની પહેલાં કર્ણમ મલ્લેશ્વરીએ 2000 સિડની ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
  • 4. બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ પછી મીરાબાઈ ચાનુ બીજી ભારતીય મહિલા છે, જેમણે ઓલિમ્પિકમાં ભારત માટે સીલ્વર મેડલ જીત્યો હતો.
  • 5. ચાનુ મેરી કોમ પછી બીજી ઉંમરલાયક મહિલા છે, જેણે ઓલિમ્પિક્માં મેડલ જીત્યો છે. મેરી કોમે લંડનમાં 29 વર્ષમાં મેડલ જીત્યો હતો. ચાનુએ 26 વર્ષમાં ટોક્યોમાં આ અદ્ભુત પ્રદર્શન કર્યું હતું.

તસવીરોમાં જોઈએ ગરબાની રમઝટ

અન્ય સમાચારો પણ છે...