ભેદ ઉકેલાયો:ઉવારસદમાં ગ્રામ ઉદ્યોગ સેવા સંસ્થાનમાં ગોડાઉનનાં માલિકે જ ત્રણ એર કન્ડિશનરની ચોરી કર્યાનો ઘટસ્ફોટ

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 60 હજારની કિંમતના એર કન્ડિશનર ચોરીની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરી હતી
  • અડાલજ પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો

ગાંધીનગરનાં ઉવારસદમાં આવેલા ગ્રામ ઉદ્યોગ સેવા સંસ્થાનનાં ગોડાઉનનાં તાળા તોડીને તસ્કરો 60 હજારની કિંમતના એર કન્ડિશનર ચોરીને ફરાર થઈ ગયાની ફરિયાદના પગલે તપાસના અંતે ગોડાઉનનો માલિક જ એસી ચોર હોવાનો ઘટસ્ફોટ કરી અડાલજ પોલીસ દ્વારા ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં સફળતા હાંસલ કરી છે.

અડાલજના દેવ નંદન પરિસર વિભાગ-01માં રહેતા દુર્ગા પ્રસાદ ગુપ્તા ઉવારસદ પશુ દવાખાના પાસે ગ્રામ ઉદ્યોગ સેવા સંસ્થાન નામની વોશિંગ મશીન પાઉડર બનાવવા સહિત જુદી જુદી વસ્તુની ડિસ્ટ્રિબ્યુશર ચલાવી રહ્યા છે. તેમણે બંગલો ખાલી કરી દેતા તેમાંથી ત્રણ એર કન્ડિશનર લાવીને પોતાના ગોડાઉનમાં મૂક્યા હતા.

ગત તા.05મી જૂનના રોજ બપોરના ત્રણ વાગ્યાના અરસામાં ગોડાઉન બંધ કરીને દુર્ગાપ્રસાદ ઘરે ગયા હતા. બીજા દિવસે સંસ્થામાં રવિવારની રજા હોવાથી તેઓ તા. 07મી જુનના રોજ પોતાની સંસ્થાન પર ગયા હતા.જ્યાં ગોડાઉનનાં લોખંડના દરવાજાનું તાળુ તૂટેલું જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા. જેમણે અંદર પ્રવેશી ગોડાઉનમાં તપાસ કરતા સર સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. ત્યારે માલુમ પડયું હતું કે ગોડાઉનમાંથી ત્રણેય એર કન્ડિશનર કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરીને નાસી ગયા છે. આ અંગે દુર્ગા પ્રસાદે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે અડાલજ પોલીસ મથકના ઈન્સ્પેક્ટર જે. એચ. સિંધવે જણાવ્યું હતું કે, ગોડાઉનમાંથી એસી ચોરીની ફરિયાદના પગલે પેટ્રોલીંગ વધારી દઇ આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. તે દરમિયાન જમાદાર અનિલસિંહ તેમજ દેવેન્દ્રસિંહ ને મળેલી બાતમીના પગલે ઉવારસદ મોટી ખડકીમાં રહેતા અમિત હસમુખભાઈ પટેલની ધરપકડ કરી ઘરની તલાશી લેતા ઉક્ત એસી મળી આવ્યા હતા.

જેની કડકાઈથી પૂછતાંછ કરતાં ઉપરોક્ત ગોડાઉન તેનું જ હોવાનું બહાર આવ્યું હતું. જેનાં ભાડા પેટે અમિત દુર્ગા પ્રસાદ પાસેથી રૂ. 05 હજાર ભાડું વસુલતો હતો. ફરિયાદી એસી ભાડે આપવાનું પણ કામ કરતા હોવાથી તેમણે એસી ગોડાઉનમાં લાવીને મૂક્યા હતા. બાદમાં બંધ ગોડાઉનનાં તાળા તોડીને અમિત પટેલે ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આરોપીએ પોતાની માલિકીની જમીનમાં લાકડાના વેપારીને પણ જગ્યા ભાડે આપેલી છે અને તેનું પણ દર મહિને રૂ.40 હજાર ભાડું લેતો હોવાની પણ હકીકત બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...