સરકારી વકીલો માટે પરિસંવાદ:GNLUમાં “કન્વીકશન રેટ સરકારી વકીલની ભુમિકા” વિષય પર પરિસંવાદ યોજાયો, કાયદા મંત્રીએ કહ્યું- પ્રથમ ન્યાય વકીલ નહી, પણ પોલીસ જ આપી શકે છે

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનાં હસ્તે પરિસંવાદ ખુલ્લો મુકવામાં આવ્યો
  • કોર્ટમાં હાજર થનાર દરેક આરોપી આરોપી છે, તેવું વકીલે માની પણ ન લેવું જોઇએ- રાજેન્દ્ર ત્રિવેદી

ગાંધીનગરની ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે “કન્વીકશન રેટ સરકારી વકીલની ભુમિકા” વિષય પર પરિસંવાદ યોજાયો હતો. રાજ્યના સરકારી વકિલો આ સંવાદમાં હાજર રહ્યા હતા. કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનાં હસ્તે પરિસંવાદ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શિક્ષક સમાજને દિશા આપવાનું અને ઘડતર કરવાનું કામ કરે છે, તેમ વકીલ સમાજને બચાવવાનું કામ કરે છે, તેવું આજરોજ ડાયરેકટર ઓફ પ્રોસિક્યુશન કચેરી, ગાંધીનગર દ્વારા ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે આયોજિત “કન્વીકશન રેટ સરકારી વકીલની ભુમિકા” વિષયના પરિસંવાદમાં કાયદો અને ન્યાયતંત્ર, મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું.

સાચા વ્યક્તિને ન્યાય મળશે તો સમાજનો વિશ્વાસ ન્યાયતંત્રમાં ટકી રહેશેઃ કાયદા મંત્રી

પરિસંવાદને ખુલ્લો મુકી કાયદો–ન્યાયતંત્ર અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે, કોર્ટમાં હમેંશા કોટ પેહરીને આવવું, ટાઇ બાંઘવી જોઇએ, બટન બંઘ રાખવા જોઇએ, આ બાબત તમામ વકીલ મિત્રોને લાગું પડે છે. વકીલ સારો હશે, તો જજ સારા હશે, તો જ સરકારી વકીલ સારા હશે. સમાજને સારા વકીલની જરૂરિયાત છે. સારા વકીલો થકી જ સમાજને સાચો ન્યાય મળી શકશે. સાચા વ્યક્તિને ન્યાય મળશે તો જ સમાજનો વિશ્વાસ ન્યાયતંત્રમાં ટકી રહેશે.

સરકારી વકીલની ભુમિકા વિશે રસપ્રદ માહિતી આપી

જે વકીલનું વ્યક્તિત્વ સારું હશે, તે સારો વકીલ હશે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, વકીલે જીવનમાં સંવેદના રાખવી ખૂબ જરૂરી છે. કોર્ટમાં હાજર થનાર દરેક આરોપી આરોપી છે, તેવું વકીલે માની પણ ન લેવું જોઇએ. સરકારી વકીલ તરીકે વકીલની ભુમિકા કેવી હોવી જોઇએ, તેની ખૂબ રસપ્રદ દષ્ટાંતપૂર્વક વાત તેમણે તેમની શૈલીમાં કરી હતી.વકીલ ન્યાય અને જ્ઞાનનો પૂજારી છે, તેવું કહી તેમણે જણાવ્યું હતું કે, કોઇ નિર્દોષને સજા ન થાય તેનું ઘ્યાન હમેંશા વકીલે તેના જીવનભરની વકીલાત દરમ્યાન રાખવું જોઇએ. કન્વીકશન રેટ વઘારવા માટે વકીલનું વાંચન હોવું જરૂરી છે. તેની સાથે સરકારી વકીલમાં હિંમત અને વાંચન હોવું ખૂબ જરૂરી છે. કોઇપણ કેસમાં વકીલે સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ તેનું મનોમથંન સાથે સાથે ઉંડાણમાં જોવું જોઇએ. તેમજ કેસની નાનામાં નાની બાબત પર કોર્ટનું ઘ્યાન દોરવું જોઇએ. તો જ સાચો ન્યાય સમાજને મળશે.

પ્રથમ તબક્કે ન્યાય મળવો જોઈએનો આગ્રહ કર્યો

મંત્રીએ ન્યાય પ્રથમ તબક્કે જ મળવો જોઇએ, તેવો આગ્રહ વ્યક્ત કર્યો હતો. પ્રથમ ન્યાય વકીલ નહી, પણ પોલીસ જ આપી શકે છે. કારણ કે પોલીસ કેસની તપાસ કરીને જે વિગત રજૂ કરે છે, તેના પર ચાર્જશીટ બનતી હોય છે.

કાયદા સચિવ પી.એમ.રાવલે જણાવ્યું હતું કે, ન્યાયતંત્ર માટે ઉત્તમમાં ઉત્તમ આપણે શું કરી શકીશું, તે દિશામાં આગળ જવાની વાતને પ્રાધાન્ય આપવું જોઇએ.કન્વીક્શન રેટ વઘારવા આપણે શું કરી શકીશું જેનું આજે આપણે મનોમંથન કરીશું, તેવું કહી સરકારી વકીલની કન્વીક્શન રેટ વઘારવા માટેની શું ભુમિકા છે, તેની પણ રસપ્રદ અને વિસ્તૃત માહિતી આપી હતી.

ઘટના

પ્રેસિક્યુશનના નિયામક જગરૂપસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, સરકારી વકીલો એક સાથે એક જગ્યાએ કોઇપણ કામ અર્થે ભેગા થયા હશે, આ રીતે કોઇ વિષય પર અભ્યાસ કે મનોમંથન કરવા ભેગા થયા હોય તે કદાચ આ પ્રથમ ઘટના હશે. કન્વીશન રેટમાં વઘારો થાય તો ક્રાઇમ રેટ ઘટશે. તેમજ વકીલોને લોકઅદાલતમાં જે કેસોનો નિકાલ થાય તેવો હોય તેને તે અદાલતમાં લઇ જવા માટે પણ ભારપૂર્વક જણાવ્યું હતું. જેથી કેસોનો નિકાલ સમયમર્યાદામાં થશે, તો નાગરિકોનો ન્યાયતંત્રમાં વિશ્વાસ વઘુ મજબૂત બનશે.

613 વકીલો પરિસંવાદમાં સહભાગી બન્યા

પ્રોસિક્યુશનના નાયબ નિયામક રાકેશ રાવે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને જણાવ્યું હતું કે, કન્વીકશન રેટ વઘારવો છે, આ માટે સરકાર વકીલની ભુમિકા વિશે વિસ્તૃત સમજ આપવા માટે આ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજયના વિવિધ તાલુકા કોર્ટમાં ફરજ બજાવતા 613 વકીલો આ પરિસંવાદમાં સહભાગી બન્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, લોકશાહી દેશમાં સંસ્થાને મજબૂત બનાવવા માટે કોર્ટ છે. ન્યાયતંત્રમાં રહેલી સામાન્ય નાગરિકને શ્રધ્ધા અને વિશ્વાસને ટકાવી રાખવાની જવાબદારી વકીલો પર રહેલી છે.

કાર્યક્રમના અંતે કાયદાના સંયુક્ત નિયામક અને આઇ.પી.એસ અધિકારી વિધિ ચૌઘરીએ આભારવિઘી કરી હતી. આ પરિસંવાદમાં વિવિધ તાલુકા કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવતા વકીલો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...