મ્યુનિસિપલ કોર્પોરેશન સંકુલમાં જ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કરનારા 3 સફાઈ કામદારની હાલત સુધારા પર છે ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તુષાર પરીખ સહિતના આપના નેતાઓ મંગળવારે મોડી સાંજે સિવિલ હૉસ્પિટલ પહોંચીને કામદારોની મુલાકાત લીધી હતી.
તુષાર પરીખે કામદારોના હાલચાલ પૂછી સમગ્ર મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી હતી. સારવારમાં રહેલા કામદારોએ લાગણી વ્યક્ત કરી હતી કે કોર્પોરેશન દ્વારા તેઓના પ્રશ્નોના નિરાકરણ માટે બાહેંધરી આપવા પછી પણ તેઓના હિતમાં પગલાં ન લેવાતાં તેઓ દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરાયો હતો.
ત્યારે તુષાર પરીખે રજૂઆત કરી છે કે કોર્પોરેશનની બિલ્ડિંગમાં આ પ્રકારનો બનાવ લાંછનરૂપ ઘટના છે. પ્રત્યક્ષ રીતે આ બાબતનું સમાધાન એજન્સીઓ દ્વારા થવું જોઈતું હતું પરતુ મહાનગરપાલિકા દ્વારા જ પ્રયત્નો થઈ રહ્યાં છે. ત્યારે સમગ્ર મુદ્દે એજન્સીઓ સામે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવશે તથા કોર્પોરેશન દ્વારા કામદારોના પ્રશ્ને શું નિર્ણય લેવાયો છે તે અંગે ખુલાસો કરવા તુષાર પરીખે વિનંતી કરી છે.
મહત્ત્વનું છે કે સ્માર્ટ વૉચ સહિતના મુદ્દે સફાઈ કામદારોએ 100 દિવસથી વધુ સમયથી ઉપવાસ આંદોલન અને હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું. મેયર અને ભાજપ શહેર પ્રમુખે પારણાં કરાવ્યાં હતાં છતાં કોર્પોરેશન દ્વારા તમામ કામદારોને નોકરીએ ન રાખવામાં આવતાં ફરી કોકડું ગુંચવાયું હતું. દરમિયાન, 3 કર્મીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.