કિશોરોનું વેક્સિનેશન:"રસી મુકાવી લે બેટા, તને કશું નહીં થાય, અમે તારું ધ્યાન રાખીશું, દવા પણ આપીશું" હાઉસ ટુ હાઉસ વેક્સિનેશનમાં આરોગ્ય કર્મીનો કિશોરી સાથેનો સંવાદ

ગાંધીનગર13 દિવસ પહેલા
  • રસીકરણની હાઉસ ટુ હાઉસ કામગીરી માટે ઉનાવા પ્રાથમિક આરોગ્યની ટીમ સ્લમ વિસ્તારમાં પહોંચી
  • બાળકોને રસીના ફાયદાઓ વિશે માહિતી આપીને કુનેહપૂર્વક રસી મૂકવા માટે તૈયાર કરાયાં

ગાંધીનગર જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા જે બાળકો સ્કૂલમાં નથી જતાં તેવા બાળકોનો સર્વે કરીને ટીકાકરણનો પ્રારંભ કરાયો છે. જો કે ઝૂંપડપટ્ટીનાં બાળકો હજી પણ રસી લેવા માટે આનાકાની કરતાં હોવાથી આરોગ્ય કર્મચારીઓ સાથે રમૂજી દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. જેમાં આરોગ્ય કર્મચારીઓની સમજાવટથી અંતે બાળકો રસી મૂકાવવા તૈયાર પણ થઈ રહ્યા છે.

ગાંધીનગરમાં 15થી 18 વર્ષના બાળકોને કોરોના રસીથી સુરક્ષિત કરવાની ઝુંબેશનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જિલ્લાની શાળાના બાળકોને કોરોના રસી આપવા માટે આરોગ્ય તંત્ર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સાથે સંકલન કરીને જિલ્લાના 15થી 18 વર્ષની ઉંમરના બાળકોનું ટીકાકરણ કરવા માટે કામે લાગી ગયું છે. જો કે હજી પણ શાળાએ નહીં જતાં સ્લમ વિસ્તારમાં બાળકો કોરોના રસી અંગે જાગૃતિના અભાવે જલ્દી કોરોનાની રસી મુકાવવા માટે તૈયાર થતાં નથી.

જેનાં કારણે આરોગ્ય કર્મચારીઓને બાળકોને રસીના ફાયદાઓ વિશે માહિતી આપીને કુનેહપૂર્વક રસી મૂકવા માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ સમજાવટ દરમિયાન ઘણી જગ્યાએ આરોગ્ય કર્મચારીઓ-બાળકો વચ્ચે રમૂજી સંવાદો પણ સર્જાતા હોય છે. રસીકરણની હાઉસ ટુ હાઉસ કામગીરી માટે ગઈકાલે ઉનાવા પ્રાથમિક આરોગ્યની ટીમ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પહોંચી હતી.

જ્યાં દૂરથી જ આરોગ્યની ટીમને જોઇને એક બાળકી દોડીને ઝુંપડામાં ઘૂસી ગઈ હતી. જેમાં ઝુંપડામાં જઈને મહિલા કર્મચારીએ બાળકી સાથે વાર્તાલાપ શરૂ કર્યો હતો અને તેને સમજાવી હતી. તેમ છતાંય બાળકી રસી લેવા તૈયાર ન થતાં મહિલા કર્મચારીએ તેને કુનેહપૂર્વક સમજાવી હતી. તેમ થતાં પણ બાળકી ન માનતાં મહિલા કર્મીએ "તું બહાર આવી જા. તને બાટલા પણ ચડાઇશ અને આટલી બધી દવાઓ પણ આપીશ" એમ કહ્યું હતું. જેમાં અંતે આરોગ્ય ટીમની ઘણી સમજાવટ પછી બાળકી રસી લેવા માટે તૈયાર થઈ હતી. આમ આરોગ્ય કર્મચારીઓની ધીરજ અને કુનેહપૂર્વકની કામગીરી બીરદાવવા લાયક કામગીરી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...