ભૂસ્તરનો સપાટો:ગાંધીનગરમાં ભૂસ્તર તંત્રે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી ગેરકાયદેસર રેતી ચોરીનું નેટવર્ક ઝડપી પાડ્યું

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રે ચેકીંગ કરી ભૂ માફિયાનાં ટ્રકો ઝડપી લીધા
  • રોયલ્ટી પાસ કરતાં વધુ સાદી રેતી સાથે રૂ. 50 લાખનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા ગઈકાલે રાત્રે જિલ્લાના વિવિધ સ્થળોએ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી ભૂ માફિયાઓ દ્વારા રાત્રે પણ ચલાવવામાં આવતાં રેતી ચોરીના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જે અન્વયે બે ટ્રકોમાં પરમીટ કરતા વધુ સાદી રેતી ચોરીને વહન કરતાં બે ટ્રકો સાથે રૂ. 50 લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો.

ગાંધીનગર જિલ્લામાં ભૂ માફિયાઓ ધ્વારા બેફામ રીતે નદીનાં પટમાં ખનન કરીને નિયમ મુજબ ત્રણ મીટરથી વધુ ખોદકામ કરી દેવામાં આવ્યું છે. ગાંધીનગરના બોરીજ, શાહપુર, ઇન્દ્રોડા, સહિતનાં વિસ્તારોમાં ભૂ માફિયાઓ દ્વારા અધધ માત્રામાં ખનન કરી દેવાયું છે.

સુવ્યવસ્થિત રીતે ચાલતાં રેત ચોરીના નેટવર્કને તોડી પાડવા માટે ભૂસ્તર તંત્ર દ્વારા રાત્રિ દરમિયાન પણ કામગીરી શરૂ કરી દેવાઈ છે. જે અન્વયે ભૂસ્તર શાસ્ત્રી બી એમ જાલોધરાની સૂચનાથી રોયલ્ટી ઈન્સ્પેક્ટર ની ટીમે જિલ્લાના વૈષ્ણદેવી સર્કલ, કલોલ, છત્રાલ સહિતના વિસ્તારોમાં ગઈકાલે રાત્રે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. એ દરમ્યાન બે ટ્રકો ટ્રકોને ઝડપી લઈ તપાસ કરવામાં આવી હતી.

તપાસમાં ડમ્પર ટ્રક (GJ-24-X-1697)માં રોયલટી પાસમાં 30.00 મેટ્રિક ટનનો ઉલ્લેખ હતો. પરંતુ ટીમ દ્વારા રેતીનો જથ્થો ચકાસવામાં આવતા 8.820 મેટ્રિક ટન સાદી રેતી ખનિજનું ગેરકાયદેસર વહન કરાતું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.

બીજી એક ડમ્પર ટ્રક (GJ-08-AU-5824)માં પણ રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત રીતે 46.150 મેટ્રિક ટન સાદી રેતીનું વહન કરવામાં આવી રહ્યું હતું. જેનાં પગલે બન્ને ટ્રક સાથે ગેરકાયદેસર રેતીના જથ્થા સાથે રૂ. 50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ રાત્રિ દરમ્યાન વિભાગ ધ્વારા સરપ્રાઈઝ ચેકીંગ ચાલુ રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...