વ્યવસ્થા કરવા ટકોર:જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ડીડીઓની ગેરહાજરી બદલ ઠપકા દરખાસ્તનો ઠરાવ કરાયો

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળાના જર્જરિત ઓરડા તોડી નાખ્યા પછી ખુલ્લામાં બેસતા વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા ટકોર
  • DDOની ગેરહાજરી અંગે નાયબ DDO જાહ્નવી પટેલે એસીએસની મીટિંગ હોવાનું કારણ આગળ ધર્યું હતું
  • સભામાં ગેરહાજર રહેવા બદલ ચારેય ટીડીઓ સામે નોટિસ ફટકારવા સદસ્યોની માગ

જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું આયોજન ડીડીઓની સૂચનાથી કરવામાં આવ્યું હોવા છતાં તેઓ સભામાં ગેરહાજર રહેતા ઠપકો આપતો ઠરાવ સર્વાનુમતે મંજૂર કરાયો હતો. જોકે ઠપકો ઠરાવ કરવા દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું. ઉપરાંત શાળાના જર્જરિત ઓરડા તોડી પાડ્યા બાદ વિદ્યાર્થીઓ ખુલ્લા બેસે નહી તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા સદસ્યોએ વિરોધ કર્યો હતો.

જિલ્લાના નવનિયુક્ત પાંચેય ધારાસભ્યો સભામાં હાજર રહેવાના હોવાથી તેમની રાહ જોવામાં જિલ્લા પંચાયતની સામાન્ય સભા પંદર મિનિટ મોડી શરૂ થઇ હતી. જોકે તેમ છતાં માત્ર બે જ ધારાસભ્યો હાજર રહ્યા અને બે ધારાસભ્યો ચાલુ સભામાં હાજર રહ્યા હતા.

સામાન્ય સભાના પ્રશ્નોત્તરીમાં વિપક્ષના સદસ્ય અજીતસિંહ રાઠોડે સભામાં જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતના બાંધકામ શાખાના નાયબ એન્જિનિયરના અવસાનની પાછળ તત્કાલિન ડીડીઓએ પોતાની કચેરીના રિનોવેશન પાછળ થયેલા ખર્ચના રૂપિયા 15 લાખ પોતાની પત્નીના ઘરેણાં વેચીને આપ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે સામાન્ય વહીવટી વિભાગ તપાસ કરી રહી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. આવી સિસ્ટમ બંધ કરવાની માગ કોંગ્રેસના સદસ્યે કરી હતી.

સામાન્ય સભામાં ડીડીઓની ગેરહાજરીને દક્ષિણના ધારાસભ્યે ગંભીર ગણીને ઠપકો આપતો ઠરાવની માગણી કરી હતી. જેને તમામ સદસ્યોએ સર્વાનુમતે સ્વીકારને ઠરાવ કરાયો હતો. જોકે સભાના સચિવ તરીકે હાજર નાયબ જિલ્લા વિકાસ અધિકારી જાહ્નવી પટેલે ડીડીઓની ગેરહાજરી પાછળ તમામ ડીડીઓની એસીએસની મીટિંગ હોવાનું કારણ જણાવ્યું હતું.

હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ચાલતા કેસ માટે વકીલની ફીના ઠરાવમાં રાજ્ય સરકારના નાણાંપંચના નિયમો મુજબ ફીની ચુકવણી કરવાની માંગ સદસ્ય અજીતસિંહે કરી હતી. ચારેય ટીડીઓની સભામાં ગેરહાજરી બદલ નોટિસ ફટકારવાની માગણી સદસ્યોએ કરી હતી.

શાસક અને વિપક્ષ કોણ છે તેવી માર્મિક ટકોર દક્ષિણના ધારાસભ્યે કરી હતી
જિલ્લા પંચાયતની સામાન્ય સભા શરૂ થતાં જ વિપક્ષના સદસ્ય અજીતસિંહે પ્રશ્નોની ઝડી વરસાવી હતી. જ્યારે સામે પક્ષે શાસકપક્ષના સદસ્યો પણ જવાબો આપવાની સાથે સાથે પ્રશ્નો કરતા હતા. આથી સભામાં હાજર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે માર્મિક ટકોર કરીને કહ્યું કે શાસક અને વિપક્ષ કોણ છે તેની જ મને ખબર પડતી નથી.

ગૃહમંત્રીના દત્તક ગામના કામો થતાં નથી
કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહે રૂપાલ ગામને દત્તક લીધું છે. તેમ છતાં ગામના આરઓ પ્લાન્ટ, એમ્બ્યુલન્સ વાન તેમજ ડસ્ટબીનના કામો છેલ્લા એક વર્ષથી કરવામાં આવતા નથી. ત્રણ ત્રણ સામાન્ય સભા પૂર્ણ થવા છતાં કામ નહી થતાં હોવાથી ટીડીઓને નોટીસ ફટકારવાનું સદસ્યોએ માંગણી કરી હતી.

ગુડામાં 4 ગામના સમાવેશનો ઠરાવ કર્યો
ગાંધીનગર તાલુકાના ચાર ગામોને ગુડામાં સમાવેશ કરવા જિલ્લા પંચાયતના પ્રમુખ દિલીપ પટેલે દરખાસ્ત કરી હતી. જેમાં ચંદ્રાલા, મોતીપુરા, માધવગઢ અને સાદરા ગામનો સમાવેશ કરવાનો ઠરાવ કરાયો હતો. ઉપરાંત જિલ્લા પંચાયતના નવા બિલ્ડીંગ માટે જમીન જિલ્લા કલેક્ટર કચેરી કે સચિવાલયની નજીક આપવાની દરખાસ્તને સર્વાનુમતે માન્ય રાખીને ઠરાવ કર્યો હતો.

કારોબારી સમિતિને સત્તાની સોંપણી કરાઇ
જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની સત્તાને પ્રમુખ હસ્તક રકાઈ હતી. ત્યારે કારોબારી સમિતિની બેઠકમાં સત્તાની માંગણી કરી હતી. જેમાં રેતી-કાંકરીની ગ્રાન્ટ, સ્ટેમ્પ ડ્યૂટીની ગ્રાન્ટ, સ્વભંડોળની ગ્રાન્ટ તેમજ અન્ય તમામ ગ્રાન્ટના કામોની સત્તા સર્વાનુમતે કારોબારી સમિતિને સોંપવાનો ઠરાવ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...