છેતરપિંડી:ગાંધીનગરના સુઘડના વૃદ્ધાને ઈલેક્ટ્રીક બિલ ભરવાના બહાને ગઠિયાએ લિંક મોકલી રૂ. 1.44 લાખનો ચૂનો લગાવ્યો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરના સુઘડ શિખર બંગલોમાં રહેતા 67 વર્ષીય વૃદ્ધાને ઈલેક્ટ્રીક બીલ ભરવાના બહાને ઓન લાઇન લીંક મોકલી UGVCL તરીકે ખોટી ઓળખ આપી ગઠિયાએ બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાંથી 1 લાખ 44 629 ટ્રાન્સ્ફર કરી લઈને છેતરપિંડી આચરતા ઈન્ફોસિટી પોલીસ મથકના ચોપડે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

લાઈટ રાત્રે કપાઈ જવાનું કહેતા વૃધ્ધાએ ફોન કર્યો
ગાંધીનગરના સુઘડ શિખર બંગલોમાં રહેતાં કુસુમબેન દામોદરભાઇ ગોપલાનીનાં મોબાઇલ ઉપર ગત તા. 21 મી ઓક્ટોબરનાં રોજ સવારના સમયે એક અજાણ્યા મોબાઇલ નંબરથી વોટ્સઅપ મેસેજ આવ્યો હતો. જેમાં ઉલ્લેખ કર્યો હતો કે, તમારૂ માસીક ઈલેક્ટ્રીક બીલ અપડેટ થયેલ નથી. જેથી તમારા ઘરની ઈલેક્ટ્રીક લાઈન રાત્રીના સમયે કટ થઈ જશે.

UGVCLના અધિકારી તરીકે ગઠિયાએ ઓળખાણ આપી
કુસુમબેને લાઈટ કપાઈ જશે માનીને તુરંત જ તે નંબર ઉપર ફોન કર્યો હતો. અને લાઈટ બિલ ભરી દીધું છે હોવાની વાતચીત કરી હતી. ત્યારે સામેથી UGVCL ના અધિકારી બોલતા હોવાનુ કહી અજાણ્યા ઈસમે બિલ ભરવા અંગેની વાત શરૂ કરી Quick support App મોબાઈલમાં ડાઉનલોડ કરાવી હતી.

દસ રૂપિયા ટ્રાન્સ્ફર કર્યાને ટપોટપ એકાઉન્ટમાંથી રૂપિયા ઉપડી ગયા
ત્યારબાદ રૂ. 10 રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહેતા કુસુમબેને ક્વિક સપોર્ટ એપ્લિકેશન માં દસ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. જેનાં પગલે કુસુમબેનના મોબાઈલમાં એક ઓટીપી આવ્યો હતો. અને જોત જોતામાં તેમના બેંક એકાઉન્ટમાંથી ટપોટપ રૂ. 1 લાખ 44 હજાર 629 કપાઈ ગયા હતા. ત્યારે જઇને કુસુમબેનને ગઠિયો કળા કરી ગયો હોવાનો અહેસાસ થતાં અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.

અન્ય સમાચારો પણ છે...