નવો નિયમ:ભીનો-સૂકો કચરો અલગ નહીં હોય તો ઘરેથી કચરો નહીં ઉપાડાય

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 16મીથી સૂકો-ભીનો કચરો અલગ કરીને આપવાનું ફરજિયાત
  • મનપાની અપીલની કોઇ ખાસ અસર ન જણાતાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો અનિવાર્ય અમલ કરવાની ફરજ પડી

ગાંધીનગર મનપા વિસ્તારમાં હવે 16 ઓગસ્ટથી ભીનો-સુકો કચરો અલગ કરી આપવાનું ફરજિયાત કરી દેવાયું છે. જે ઘરેથી સુકો-ભીનો કચરો અલગ કરી આપવામાં નહીં આવે તે ઘરની કચરો ઉપાડવાની સેવા સ્થગિત કરી દેવાશે.

1 ઓગસ્ટના રોજ મ્યુનિસિપલ કમિશનર ડૉ. ધવલ પટેલે રહેવાસીઓને આ અંગે અપીલ કરી હતી. જોકે અપીલની કોઈ ખાસ અસર પડી ન હોવાનું લાગતાં હવે તંત્ર દ્વારા કેન્દ્ર સરકારના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2016 કાયદાનો અનિવાર્ય અમલ શરૂ કરી દેવામાં આવશે. જેમાં વાદળી કલરના ડસ્ટબીનમાં ભીનો કચરો અને લીલા ડસ્ટબીનમાં ભીનો કચરો આપવાનું ફરજિયાત કરાયું છે. તંત્ર દ્વારા છેલ્લા 15 દિવસથી આ અંગે મ્યુનિસિપલ કમિશનરનો પત્ર અને સુકા-ભીના કચરાની સમજ આપતા સ્ટિકર ઘરે-ઘરે પહોંચાડવા ઝુંબેશ કરાઈ હતી. તંત્ર દ્વારા રવિવારે રજાના દિવસે પણ આ ઝુંબેશ ચાલુ રાખીને લોકોને માહિતગાર કરાયા હતા. ત્યારે હવે 15 ઓગસ્ટના સ્વતંત્રતા દિન નિમિતે કચરાનું સેગ્રીગેશન કરીને સાચા અર્થમાં ભારત માતાનું ઋણ ચૂકવવા તંત્રને નાગરિકોને અપીલ કરી છે.

ઉત્પત્તિ સ્થળેથી જ કચરાને અલગ કરવો અનિવાર્ય , શહેરને સ્વચ્છ રાખવા ઝુંબેશ
કેન્દ્ર સરકાર દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ નામનો કાયદો વર્ષ 2016થી અમલી કરાયો છે. કાયદામાં કચરો ઉત્પન્ન કરનાર દ્વારા જ કચરાને અલગ-અલગ એકત્ર કરવા અને સંગ્રહ કરવાની વાત અત્યંત સ્પષ્ટતાથી જણાવવામાં આવેલી છે. ગાંધીનગરને સ્વચ્છ રાખીને પર્યાવરણને સુરક્ષિત કરવા તંત્ર દરરોજ દરેક ઘરે કચરા ગાડી મોકલીને 100 ટનથી વધુ કચરો એકત્ર કરે છે. તેના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે ઉત્પત્તિના સ્થળેથી જ કચરાને અલગ કરવામાં આવે તે અનિવાર્ય છે.

દરરોજ અંદાજે 100 ટન કચરો એકઠો થાય છે
ગાંધીનગરમાં દરરોજ અંદાજીત 100 ટન કચરો ભેગો થાય છે. મોટાભાગના નાગરિકો ભીનો અને સુકો કચરો અલગ નથી કરતા. બાયોડીગ્રેબલ કે જેનું વિઘટન થઇ શકે છે, તેવા ભીના કચરામાંથી ખાતર બનાવી શકાય છે.નોન બાયોડીગ્રેબલ કે જેનું વિઘટન થઇ શકતું નથી તેવા સુકા કચરાને રી-સાયકલ કે રી-યુઝ કરી શકાય છે. પરંતુ તે માટે કચરાને અલગ કરવાનું અનિવાર્ય છે. આથી શહેરનાં દરેક પરિવારને તેના ઘરેથી જ સુકો અને ભીનો કચરો અલગ કરીને આપવા હવે નિયમ લાગુ કરાશે.

અન્ય સમાચારો પણ છે...