સ્વચ્છતા સર્વેક્ષણ માટે ગાંધીનગર આવેલી દિલ્હીની ટીમને વેસ્ટ સેગ્રીગેશનની કામગીરી બતાવવા મહાનગરપાલિકા દ્વારા છૂટો કરાયેલો કચરો સેગ્રીગેશન સેન્ટરમાં પાછો લવાયો હતો. ટીમે બુધવારે સેગ્રીગેશન સેન્ટરની મુલાકાત લીધી ત્યારે કચરો ઓછો જોવા મળ્યો હોવાથી કચરો છૂટો પાડ્યા વિના જ ડમ્પિંગ સાઇટ પર લઈ જવાતો હોવાની છાપ ઊભી ન થાય તેમ હતું. આ ટીમ ગુરુવારે ફરીથી મુલાકાત લે તેવી ચર્ચા ચાલતાં મનપાએ આ રસ્તો અપનાવ્યો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા નિમાયેલી એજન્સીના સભ્યો બુધવારથી ગાંધીનગરની મુલાકાતે પહોંચ્યા છે. જેઓ દ્વારા અત્યાર સુધી સે-7 મટીરીયલ રિક્વરી ફેસીલીટી સેન્ટર, સેક્ટર-1 તળાવ, સેક્ટર-12 શૌચાલય, સેક્ટર-28 ગાર્ડન, ગોકુળપુરા સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી. ત્યારે આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સેક્ટર-7 ખાતેના મટિરિયલ રિકવરી ફૅસિલિટી સેન્ટર ખાતે ટીમ દ્વારા ગુરૂવારે બીજી વાર મુલાકાત લેવાય તેવી શક્યતા હતી.
બુધવારે મુલાકાત લેવાઈ ત્યારે 2 ટનની ક્ષમતાવાળા સેન્ટરમાં સેગ્રીગેશન કરેલો પ્લાસ્ટિક સહિતનો કચરો ઓછો દેખાયો હતો. જેના લેવાયેલા ફોટો સર્વેક્ષણમાં રિજેક્ટ થાય તેવી સ્થિતિ હતી. જેને પગલે ગુરુવારે બીજી વાર મુલાકાત લેવાશે, તેવી તૈયારીઓ તંત્ર દ્વારા કરી દેવાઈ હતી. જેમાં અત્યાર સુધી સેન્ટરથી બહાર લઈ જવાતો સેગ્રીગેટ કચરો બે ગાડીમાં ભરીને પાછો લવાયો હતો, જેમાં પ્લાસ્ટિક સહિતનો કચરો કાઢીને અહીં સેન્ટર પર અલગ-અલગ ઠલવાતો હોવાના દૃશ્યો જોવા મળ્યા હતા.
આ અંગે હાજર સુપરવાઈઝરને પૂછતાં તેઓ દ્વારા શહેરમાંથી લવાયેલો કચરો હોવાનું જણાવ્યું હતું કે ડોર-ટુ-ડોર કચરો લેતી ગાડીઓ અને જે 2 ગાડીમાં કચરો લવાયો તે બંને વચ્ચેનો તફાવત ઊડીને આંખે વળગતો હતો.
સેન્ટર પર સેગ્રિગેશન ઓછું દેખાય તો શું ફેર પડે?
તંત્ર દ્વારા સે-7 ખાતે ફેસિલીટી સેન્ટર ઉભુ કરાયેલું છે, 2 ટનની ક્ષમતા સામે જો સેન્ટર પર સેગ્રિગેશન ઓછું દેખાય તો તેનો સીધો મતલબ એ નીકળે કે ડમ્પિંગ સાઈટ પર સેગ્રિગેટ કર્યા વગરનો કચરો વધુ પહોંચે છે. જેને પગલે સેન્ટરની કામગીરી સાથે સ્વચ્છતાં સર્વેક્ષણના પેરામીટરમાં ઓછા માર્ક્સ મળે તેવી સ્થિતિ થતી હોવાનું જાણવા મળ્યું છે.
સ્વચ્છતા સર્વેક્ષણમાં 6000 માર્ક્સના 7500 કરાયા
કેન્દ્રના ગૃહ અને શહેરી મંત્રાલય દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2022 જાહેર કરાયું છે. 2021માં સ્વચ્છતા સર્વેક્ષણમાં 6000 માર્ક્સ હતા તે વધારીને 7500 કરાયા છે. જેમાં સિટિઝન્સ વોઇસ માટે 2,250, સસ્ટેઇનેબલ સેનિટેશન અને સફાઇ મિત્ર સુરક્ષાના 900 માર્કસ, પ્રોસેસિંગ એન્ડ ડિસ્પોઝલના 1200 માર્કસ, સેગ્રેટેડ કલેકશના 900 માર્કસ તથા સર્ટિફિકેશનના 2,250 માર્કસ કરાયા છે.
ક્લીનેસ્ટ કેપિટલ સિટી ઈન કન્ટ્રીનો એવોર્ડ મળ્યો હતો
દેશવ્યાપી સ્વચ્છતા સર્વેક્ષણ 2021માં 10 લાખથી ઓછી વસ્તી વાળા શહેરોમાં નેશનલ રેંકીગમાં ગાંધીનગર 6મા નંબરે જ્યારે ટોપ-25 સિટીમાં ગાંધીનગરને 11મો ક્રમ મળ્યો હતો. શહેરને ક્લીનેસ્ટ કેપિટલ સિટી ઈન કન્ટ્રીનો એવોર્ડ મળ્યો હતો. 2020માં પાટનગરને સફાઈ મુદ્દે ઈનોવેશન અને બેસ્ટ સ્ટેટ કેપિટલનો રાષ્ટ્રીય એવોર્ડમળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.