તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્યાવરણ પ્રેમીઓમાં રોષ:ગાંધીનગરના સરગાસણ પાસે કચરો બાળવાની પ્રવૃતિ ફૂલી ફાલી, એક કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા

ગાંધીનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઈસમો સામે કડક કાર્યવાહી કરવા જાગૃત નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી

ગાંધીનગરનાં સરગાસણ ઓવર બ્રિજ તરફથી ઘ-0 તરફ જતા માર્ગ પર આવેલા વનરાજી વિસ્તારમાં નિત્યક્રમની માફક આજે પણ કોઇ ઈસમો દ્વારા કચરો બાળવામાં આવ્યો હોવાથી એક કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. જેનાં કારણે પર્યાવરણને નુકશાન પહોંચાડવાની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઈસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા જાગૃત પર્યાવરણ પ્રેમીઓ દ્વારા માંગ કરવામાં આવી છે.

ગાંધીનગર વિસ્તારમાં જાહેરમાં કચરો બાળી પર્યાવરણ તેમજ વનરાજી વિસ્તારને નુકશાન પહોંચાડવાની પ્રવૃતિઓ ફૂલી ફાલી છે. ગાંધીનગરમાં પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવી ગ્રીન સિટી ગાંધીનગરનું બિરુદ પરત મેળવવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે તંત્રની ઢીલી નીતિના કારણે જાહેરમાં કચરો બાળવાની પ્રવૃતિઓએ માજા મુકી છે.

ગાંધીનગરના સરગાસણ ઓવર બ્રિજ તરફથી ઘ-0 તરફ જતા વનરાજી વિસ્તારમાં ગેરકાયદેસર ઝૂંપડપટ્ટી વસાહત તેમજ ભંગારીયાઓએ અડીંગો જમાવી દેવામાં આવ્યો છે. અત્રેના વનરાજી વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી નિયમિત રીતે કચરો તેમજ ભંગારનો સામના સહિતની ચીજોને બાળવાની પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જેનાં કારણે ધુમાડાના ગોટે ગોટા એક કિલોમીટર દૂર સુધી નિયમિત જોવા મળવાનું રોજિંદું બની ગયું છે.

કચરો અને રબ્બરના ટાયર સહિતની ચીજો બાળવામાં આવતી હોવાથી નજીકના સેકટર-3 ન્યુ વસાહત સુધી પર્યાવરણ તેમજ સ્વાસ્થય માટે હાનિકારક ધુમાડો પહોંચી જતો હોય છે. જેનાં કારણે વસાહતીઓ ને ઘણી વાર કોઈ મોટી આગ લાગી હોવાનો પણ અહેસાસ થતો હોય છે. ત્યારે સેકટર-3 ન્યુ વસાહતના જાગૃત પર્યાવરણ પ્રેમીએ દિવ્ય ભાસ્કરને જાહેરમાં ચાલતી કચરો બાળવાની પ્રવૃત્તિના ફોટા તેમજ વીડિઓ મોકલી આપવામાં આવ્યો છે. અત્રેના જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે, નિયમિત રીતે અત્રેના વિસ્તારમાં કચરો બાળીને પર્યાવરણને નુકશાની પહોંચાડવાની પ્રવૃતિ બેરોકટોક ચાલી રહી છે. જેનાં કારણે તેના ધુમાડા દૂર દૂર સુધી જોવા મળતા હોય છે.

એક તરફ વિકાસની આંધળી દોટનાં કારણે આ વિસ્તારમાં વર્ષો જુના વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે. ત્યારે બાકી રહેલી વનરાજી વિસ્તારમાં પણ આવી પ્રવૃતિઓ ફૂલીફાલી છે. આડેધડ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવતા ગાંધીનગર ગ્રીન સિટીનું બિરુદ ગુમાવી ચુક્યું . ત્યારે ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ ગ્રીન સિટીનું બિરુદ પરત મેળવવા માટે કમર કસી રહી છે. ત્યારે તંત્ર દ્વારા પણ પોતાની ફરજ સમજીને આવી રીતે ચાલતી કચરો બાળવાની પ્રવૃતિઓ પર અંકુશ મેળવવાની દિશામાં કડક હાથે કાર્યવાહી કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...