ચોર ગેંગ ઝડપાઇ:ગાંધીનગર-અમદાવાદનાં વિસ્તારોમાંથી ટુ વ્હીલર વાહનો ચોરીને ભંગારમાં વેચતી ગેંગનો પર્દાફાશ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • લોકલ ક્રાઇમ બ્રાંચે 13 વાહનોની ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો, ચાર ઈસમોને ઝડપાયા
  • વાહનો ચોરીને ગેરેજમાં લઈ જઈ કટરથી કાપી નાખતાં હતા

ગાંધીનગર અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં સીએનજી રિક્ષામાં ફરીને રેકી કરી ડુપ્લીકેટ ચાવીથી ટુ વ્હીલર વાહનો ચોરીને પોતાના ગેરેજમાં લઈ જઈ કટર મશીનથી વાહનો કાપી નાખી ભંગારમાં વેચી મારવાના રેકેટનો પર્દાફાશ થયો છે. લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા ગેંગના ચાર ઈસમોને શાહપુર ખાતેથી ઝડપી લઈ 13 ગુનાનો ભેદ ઉકેલી કાઢી 1 લાખ 32 હજારનો મુદામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગરમાં વધતા જતાં વાહન ચોરીના બનાવો ઉપર અંકુશ મેળવવા માટે રેન્જ આઈજી અભય ચુડાસમા અને જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલએ આપેલી સૂચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ જે એચ સિંધવનાં સીધા સુપરવિઝન હેઠળ સ્ટાફના માણસો ચોરીના ગુનાની ઊંડાણ પૂર્વક તપાસ કરી રહ્યા હતા. એ દરમિયાન મળેલી બાતમીના આધારે શાહપુર બ્રિજ તરફથી એક સીએનજી રીક્ષા અને નંબર પ્લેટ વિનાના બાઈક સાથે ચાર ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા.

જેમની પૂછતાંછ તેમણે પોતાના નામ અમરસિંહ યશવંતસિંહ ચૌહાણ (ગલાજી ની ચાલી, દુઘેશ્વર રોડ) દિપક રાજુભાઈ તાયડે (વિવેકાનંદ નગર, હાથીજણ), વનરાજ અભેસિંહ વાઘેલા (વિવેકાનંદ નગર, હાથીજણ) અને શુભાનઅલી કુતુંબદિન અસારી (ઇન્દિરા નગર, હાથીજણ) હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે રીક્ષા અને બાઇક પરથી સાયલન્સર નંગ - 5, સીટ નંગ - 6, પેટ્રોલ ટેન્ક નંગ - 3, બાઈક નાં એન્જિન સહિત વાહનોનાં અન્ય પાર્ટસનો ભંગાર, મોબાઈલ ફોન, રીક્ષા મળી 1 લાખ 32 હજાર 100 નો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો.

એલસીબી દ્વારા જપ્ત કરાયેલ મુદ્દામાલ
એલસીબી દ્વારા જપ્ત કરાયેલ મુદ્દામાલ

આ અંગે એલસીબી પીઆઈ સિંધવે જણાવ્યું હતું કે, આ ગેંગનાં મુખ્ય સૂત્રધાર ગાંધીનગર અમદાવાદના અલગ અલગ વિસ્તારોના સીએનજી રીક્ષા લઈને રેકી કરીને ડુપ્લીકેટ ચાલી વડે ટુ વ્હીલર વાહનો ચોરી લઈ પોતાના ગેરેજમાં લઈ જતો હતો. જ્યાં આ વાહનોની નંબર પ્લેટ કાઢીને કટર મશીન વડે વાહનોને કાપી નાખી તેનો ભંગાર કરી દેતા હતા. બાદમાં નક્કી કરેલ ભંગાર ની દુકાને જઈને વેચી મારતા હતા. જેમાં અમરસિંહ અને વનરાજ વાહનો ચોરતા અને દીપક અને શુભાન વેચાણ કરતા હતા.

આમ ગાંધીનગર અમદાવાદના 13 ગુનાનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે. જેમાં ગાંધીનગરનાં ઈન્ફોસિટી, સેકટર - 21, રાણીપ અને ચાંદખેડાનાં ગુનાનો પણ સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી છ નંગ ડુપ્લીકેટ ચાવી પણ જપ્ત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...