10 ગુનાનાં ભેદ ઉકેલાયા:ગાંધીનગરના અડાલજની ઝૂંડાલ નર્મદા કેનાલ પાસે લૂંટ વિથ મર્ડરને અંજામ આપનાર ગેંગ ઝડપાઈ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેનાલ પાસે પ્રેમી પંખીડા પર છરીના ઘા ઝીંકી પ્રેમીની હત્યા કરી હતી
  • સિગારેટ પીવા ઉભેલા પ્રોફેસરને પણ છરી બતાવી લુંટી લીધા હતા
  • લગ્ન થતાં ન હોવાથી માનસિક ત્રસ્ત આરોપી યુગલ પર હુમલો કરતો હતો

ગાંધીનગરનાં અડાલજ પાસેની ઝૂંડાલ નર્મદા કેનાલ પાસે થોડા વખત અગાઉ પ્રેમી પંખીડા પર હૂમલો કરી પ્રેમીને મોતને ઘાટ ઉતારનાર આરોપીની સાથે તેના બે સાગરિતોને લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. આ ગેંગે કેનાલ પાસે એક પ્રોફેસરને પણ છરી બતાવી લૂંટ ચલાવી હતી. ત્યારે પ્રેમીની હત્યા કરનાર આરોપીની પૂછતાંછમાં પોતાના લગ્ન ન થતાં હોવાથી માનસિક રીતે ત્રસ્ત થઈ કેનાલ પાસે કોઈ પણ યુગલને જુએ એટલે તેમના પર હુમલો કરતો હોવાની ચોંકાવનારી કબુલાત પણ કરવામાં આવી છે. આ ગેંગ દ્વારા અત્યાર સુધી દસ ગુનાને અંજામ આપ્યો હોવાની પણ કબૂલાત કરી છે.

અમદાવાદ જુનાવાડજ સાબરનગર ખાતે રહેતી 21 વર્ષીય છાયા અમરસિંહ પારગી તેના પ્રેમી અજય પ્રવીણભાઈ સાગર ગત. તા. 10મી ઓક્ટોબરે કેનાલ પાસે એક્ટિવા લઈને ઉભા હતા. તે સમયે અજાણ્યો બાઈક સવાર પોતાનું બાઇક થોડેક દૂર મૂકી તેઓની પાસે આવ્યો હતો. અને તમે લોકો અહિંયા કેમ બેઠા છો? શુ કરવા આવ્યા છો? વગેરે સવાલો કરીને માથાકૂટ કરવા લાગ્યો હતો. આ દરમિયાન તેણે પોતાની પાસેની છરી કાઢીને પ્રેમી પંખીડા પર હુમલો કર્યો હતો. પ્રેમિકા છાયાએ બૂમાબૂમ કરતા એક સવાર ઊભો રહી ગયો હતો. જેનાં કારણે હુમલાખોર બાઈક લઈને નાસી ગયો હતો. બાદમાં ઈજાગ્રસ્ત પ્રેમી પંખીડા પૈકી અજયનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

એના થોડા દિવસ પછી 13મી ઓક્ટોબરે ગાંધીનગરના રાંદેસણમાં આવેલ શ્રીરંગ ઓએસિસ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા અને ઉવારસદ કર્ણાવતી કેમ્પસમાં યુનાઇટેડ વર્લ્ડ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇનમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા શુભમભારતી સુનીલભારતી કુંભાર સિગારેટ પીવા માટે ઝુંડાલ નર્મદા કેનાલ પાસે ડાબી બાજુ ઉભા રહેવા તેમણે સર્વિસ રોડ પર કાર પાર્ક કરી હતી અને બ્રિજથી 200 મીટર દૂર પાર્કિંગ લાઈટ ચાલુ કરી સિગારેટ પીવા લાગ્યા હતા. ત્યારે થોડીક વારમાં બાઈક પર ત્રણ ઈસમો નીકળ્યા હતા. જેમણે થોડેક દૂર બાઈક પાર્ક કરીને શુભમ તરફ દોટ મૂકી હતી. અને છરી બતાવીને લેપટોપ, રોકડ રકમ અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી.

આમ આંતરે દિવસે લૂંટ વિથ મર્ડરની ઘટના બનતાં અડાલજ પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાંચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગૃપ સહિત અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા પણ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. નિકોલ પાસે કેનાલ પર પણ આ જ પ્રકારની ઘટનાનો સામે બની હતી. બીજી તરફ મોટાભાગના કેસોમા એક જ થીયરી સામે આવી હતી.

પોલીસે 18 કિમીના વિસ્તારમાં પૂછપરછ કરીને ટેકનિકલ માહિતી મેળવી હતી. પોલીસે આરોપીઓને ઝડપી લેવા જિલ્લા પોલીસની 14 ટીમો બનાવી હતી. આસપાસના ગામડામા રહેતા અને શંકાસ્પદ આરોપીઓની પોલીસ દ્વારા પૂછપરછ કરાઇ હતી. હુમલો કરનાર યુવકનો સ્કેચ બનાવીને ચારેતરફ તપાસ શરૂ કરાઈ હતી. અને વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમાર (રહે. બંસીની ચાલી, નરોડા, મૂળ કડાદરા, દહેગામ) અને તેનો સાગરિત દિપક કલાજી ઠાકોર(રહે. દહેગામ કડાદરા) અને કિરણ ઉર્ફે ગેડયો આતાજી ઠાકોર (રહે. સુથારવાસ કડાદરા, દહેગામ) ની ધરપકડ કરી લેવાઈ હતી.

આ અંગે ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમાએ જણાવ્યું હતું કે, વિપુલ પરમાર હુમલાનો મુખ્ય આરોપી છે. જ્યારે દિપક ઠાકોર નામનો તેનો સાગરિત પણ પકડાયો છે. આરોપી યુવક વિપુલ પરમાર સાયકો હોવાનું સામે આવ્યું છે. તેણે લગ્ન માટે છોકરીઓ જોઈ હતી, પરંતુ તેના લગ્ન થઈ શક્યા નહતા. જેને કારણે તે કોઈ પણ યુગલને જોતા જ તેમના પર હુલમો કરતો હતો. પોતાના લગ્ન નહોતા થતા, તેથી આ ચિંતાને કારણે વિપુલ માનસિક રીતે બીમાર થઈ ગયો હતો. આરોપી વિપુલ કડોદરાનો વતની છે. તે અગાઉ પણ કેટલાક ગુનાઓમાં પકડાયેલો છે, અને તેને ત્રણ વર્ષની જેલ પણ થઈ છે. તેના સાગરિતો પણ અન્ય ગુનાઓમાં સંડોવાયેલા છે.

તેની માતા તેના પિતાને છોડીને જતી રહી હતી, જેથી પિતાએ બીજા લગ્ન કર્યા હતા. પરંતુ તેની સાવકી માતા તેને સાથે સારો વ્યવહાર રાખતી ન હતી. આ ભેદભાવને કારણે ઉશ્કેરાયેલો રહેતો હતો. શાદી ડોટ કોમ પર તેણે પોતાનુ નામ લગ્ન માટે નોંધાવ્યુ હતું, જ્યાં તેણે એક યુવતીનો પણ સંપર્ક કર્યો હતો. પણ તેની માતા લગ્ન કરવા દેતી ન હતી, તેથી તે ગુસ્સે ભરાયેલો રહેતો હતો. સમયસર પકડાયો ન હોત તો અન્ય યુગલો પણ તેનો ભોગ બન્યા હોત.

પહેલા કપલ પર હુમલો અને ત્યાર બાદ લોકોની સાથે લૂંટફાટ થવા લાગી હતી. ભોગ બનેલા લોકો પાસેથી આરોપીનું જે વર્ણન મળ્યુ તે એકસરખુ હતું. તમામ ઘટનાઓની હુમલો કરવાની સ્ટાઈલ પણ એક જેવી હતી. હુમલો કરનાર શખ્સ કોઈ પણ જાતના કારણ વગર આ રીતે હુમલો કરતા હતા જેથી ગાંધીનગર પોલીસને શંકા ગઈ હતી. ભોગ બનનારાઓએ આપેલુ વર્ણન પોલીસ પાસે એકમાત્ર પુરાવો હતો, જેના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી હતી. આમ ગાંધીનગર પોલીસે અમદાવાદ અને ગાંધીનગરનાં મળીને લૂંટ, મર્ડર અને ચોરીના 10 ગુન્હાનાં ભેદ ઉકેલી કાઢવામાં આવ્યા છે.

સાવકી માતા તેના લગ્ન થવા દેતી નથી તેવું વિપુલને સતત લાગતુંં હતુંં
કડાદરાના વતની અને હાલ નરોડા અશોક મીલની ચાલીમા રહેતા વિપુલના પિતા બીજી પત્ની લાવ્યા હતા. બંનેના લગન બાદ એક પુત્રનો જન્મ થયો હતો. જેમા તેને સતત એવુ લાગતુ હતુ કે, તેની સાવકી માતા તેના લગ્ન થવા દેતી નથી.

પરિણામે મનો વિકૃત બની ગયો હતો. તપાસમાં એવુ પણ બહાર આવ્યુ હતુ કે કડાદરા વિષ્ણુભાઇ પરમાર સીઆરપીએફમા નોકરી કરતા હતા. હાલમા નિવૃત જીવન ગુજારી રહ્યા છે. ત્યારે તેમની પહેલી પત્નિથી વિપુલ નામનો એક દિકરાનો જન્મ થયો હતો. પરિણામે તેના લગ્ન નહિ થતા તે પ્રેમી યુગલો જોઇને ગુસ્સે ભરાતો હતો અને તે કાઇ પણ સમજે તે પહેલા તેમના ઉંપર છરીથી હુમલો કરતો હતો.

પ્રેમી યુગલોને પોલીસ હેરાન કરે તો જાણ કરો : IG
નર્મદા કેનાલ ઉપર શાંતિભર્યા માહોલમા અનેક યુગલો બેસવા આવતા હોય છે. ત્યારે રેંન્જ આઇજી અભય ચૂડાસમાએ જણાવ્યુ કે, પ્રેમી યુગલો અંદરની ઝાડીઓમા બેસવાની જગ્યાએ ખૂલ્લામા બેસવુ જોઇએ. જ્યારે કોઇ પોલીસ તમને હેરાન કરે તો તેનો ફોટો પાડી લો અને તેનુ આઇડી પ્રુફ માગી મને જાણ કરો. ઈચ્છા પૂરી ન થતી હોય તેવા લોકો આવા કૃત્ય કરતા હોય છે: મનોચિકિત્સક

અન્ય સમાચારો પણ છે...