ભેદ ઉકેલાયો:ગાંધીનગરનાં ધોરી માર્ગો પર છરીની અણીએ લૂંટ કરનાર ગેંગનો પર્દાફાશ, ગબ્બર સાથે મળીને કાકા ભત્રીજાની ગેંગ ગુના આચરતી હતી

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરનાં ધોરી માર્ગો ઉપર રાત્રિ દરમ્યાન એકલ દોકલ વાહન ચાલકોને આંતરીને છરીની અણીએ મોબાઇલ તેમજ રોકડ રકમની લૂંટના ગુનાને ગબ્બર નામના ઈસમ સાથે મળીને કાકા ભત્રીજાની ગેંગ અંજામ આપતી હતી. આ ગુનામાં અડાલજ પોલીસે 22 વર્ષના ભત્રીજાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મધરાત્રે કલોલ હાઇવે ઉપર લૂંટ કરી હતી
કલોલ રેલ્વે પૂર્વ રામનગર સોસાયટીમાં રહેતો અર્જુન રાજેન્દ્રભાઇ પ્રજાપતિ વેદ એર કન્ડીશનરના નામથી ઘરેથી એસી રીપેરીંગનો વ્યવસાય કરે છે. બે દિવસ પહેલા અર્જુન તેના પાડોશી વસ્તાભાઇ જકતાભાઇ પટેલ સાથે અમદાવાદથી ઘરે પરત જઈ રહ્યો હતો. ત્યારે રાત્રીના દોઢેક વાગે અડાલજ બાલાપીર સર્કલથી કલોલ તરફ જતા રોડ ઉપર તેમના એકટીવાની પાછળ બે બાઇક સવારો આવ્યા હતા. જે પૈકી એક બાઇક ઉપર ત્રણ માણસો તથા બીજા બાઇક ઉપર બે ઇસમો બેઠા હતા.

એજ રાતે મહેસાણાનાં યુવકને પણ લૂંટી લીધો હતો
બાદમાં રસ્તો પૂછવાના બહાને એક્ટિવા આગળ આવીને ઉભા રહી છરી બતાવીને મોબાઇલ ફોન અને રોકડા 3300 રૂપિયા લૂંટી લઈ નાસી ગયા હતા. ત્યારે આગળ જઈને ઉક્ત ગેંગે કડી મહેસાણાનાં મેઘલ સોનીને છરી બતાવીને એપલ કંપનીનું મેકબુક તથા મોબાઇલ ફોન લૂંટી લીધા હતા. આટલેથી સંતોષ નહીં થતાં આ ગેંગે વલાદ ગામે રહેતા અને દૂધ વિતરણનું કામ કરતાં સુહાગ રાજેશભાઈ પટેલ અને તેના સાળા જ્ય ત્રિવેદીને પણ ઈકો કારનો કાચ તોડી છરી બતાવી મોબાઇલ લૂંટ કરી હતી.

લૂંટના ગુના આચાર્યા હોવાની કબૂલાત
એકજ રાતમાં ઉપરાછાપરી લૂંટના ગુના પ્રકાશમાં આવતા જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલની સૂચનાથી ડીવાયએસપી પી ડી મણવરનાં સુપરવિઝન હેઠળ અડાલજ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ થકી તપાસનો દોર શરૂ કરી ઝુંડાલ સર્કલ વિસ્તારથી બાઈક સાથે મિતેષ રાકેશભાઈ લોધી (ઉ.વ-22, રહે. ગલી નંબર-10/બી, પુષ્પાનગર, ભાર્ગવરોડ, કુબેરનગર) ની ધરપકડ કરી લેવામાં આવી હતી. જેની પૂછતાંછમાં મિતેષ અને તેના કાકા વિકાસ કાલીચરણ રાજપુત તથા પ્રકાશચંદ તથા ગબ્બર નામના ઈસમ સાથે મળી લૂંટના ગુના આચાર્યા હોવાની કબૂલાત કરી હતી. આથી પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...