કોણ બનશે મેયર?:ગાંધીનગરના નવા મેયરની આવતીકાલે તાજપોશી કરાશે, મનપામાં 44 કાઉન્સિલરોની પ્રથમ સામાન્ય સભા મળશે

ગાંધનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર કોર્પોરેશને સૌ પ્રથમ વખત અનુસૂચિત જાતિના મેયર મળશે
  • સભામાં મેયરની વિધિવત જાહેરાત ઉપરાંત ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતીના સભ્યોની પણ પસંદગી કરવામાં આવશે

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતિ મેળવી હતી. ત્યારે હવે આવતીકાલે ગુરૂવારે 44 કાઉન્સિલરોની પ્રથમ સામાન્ય સભા કોર્પોરેશનનાં નવા બિલ્ડીંગના સભાખંડમાં મળશે. જેમાં સૌ પ્રથમ વખત અનુસૂચિત જાતિના મેયરની વિધિવત જાહેરાત ઉપરાંત ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતીના સભ્યોની પણ પસંદગી કરવામાં આવશે.

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ત્રીપાંખીયો જંગ ખેલાયો હતો. ત્યારે ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ ભાજપે ઐતિહાસીક જીત હાંસલ કરી 44 માંથી 41 બેઠકો કબ્જે કરી હતી. હવે આવતીકાલે ગુરૂવારે ભાજપની સ્પષ્ટ બહુમતી સાથેની કોર્પોરેશનની સામાન્ય સભા મળવાની છે.

ભાજપ પાસે બહુમતી હોવાથી પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નક્કી થયેલા નામ પર અન્ય સભ્યો એટલે કે કાઉન્સિલરો મંજૂરીની મહોર મારી દેશે. જાણવા મળ્યા મુજબ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતીના 12 સભ્યોની યાદી તૈયાર કરી દેવામાં આવી છે. સામાન્ય સભા પૂર્વે પ્રભારી મંત્રી હર્ષ સંઘવી દ્વારા આ યાદીને સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.

આ વખતે ગાંધીનગર કોર્પોરેશનમાં અનુસૂચિત જાતિના મેયરની અઢી વર્ષ માટે નિયુક્તિ કરવામાં આવશે. ભાજપના પાંચ કોર્પોરેટર અનુસૂચિત જાતિના છે. તેથી આ પાંચમાંથી કોઈ એકની પસંદગી નિશ્ચિત છે. અઢી વર્ષની પાછલી મુદ્દત માટે મેયર પદ મહિલા માટે અનામત છે.

ભાજપના પાંચ એસસી કોર્પોરેટરમાં બે પુરુષ અને ત્રણ મહિલાનો સમાવેશ થાય છે. તેથી સળંગ પાંચ વર્ષ માટે મહિલાને મેયર પદ સોંપવાનો નિર્ણય લેવાય છે કે પછી બે પુરુષમાંથી કોઈની પસંદગી થાય છ તે અંગે અટકળો ચાલી રહી છે. પુરુષ સભ્યોને મેયર પદ સોંપવા નિર્ણય લેવાય તો હિતેશ મકવાણા અથવા ભરત દીક્ષિતમાંથી કોઈની પસંદગી થઈ શકે છે. મહિલા સભ્યોમાં ભાજપ પાસે ત્રણ વિકલ્પ છે.

અગાઉ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમા ચાર મેયર આવ્યાં છે. પ્રથમ મેયર તરીકે મહેન્દ્રસિંહ રાણા, બીજા મેયર હંસાબેન મોદી અને ત્રીજા મેયર પ્રવિણભાઈ પટેલ હતા. આ ત્રણેય મેયર કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયા બાદ બળવો કરીને ભાજપમાં જોડાયા હતા. ભાજપના પ્રથમ મેયર અને કોર્પોરેશનના ચોથા મેયર રીટાબેન પટેલ હતા.

આ ચારેય મેયર વોર્ડ-5 વિસ્તારમાંથી ચૂંટાયા હતા. જેના કારણે આ વોર્ડને વીઆઈપી વોર્ડ ગણવામાં આવે છે. હવે જોવાનું એ રહે છે કે, વોર્ડ-5ની આ મોનોપોલી અકબંધ રહે છે કે તૂટે છે. ગાંધીનગર કોર્પોરેશનની હદ વધ્યા પછી રાજકીય સમીકરણો પણ બદલાયા છે.

મેયર પદ કરતાં વધારે ખેંચતાણ સ્થાયી સમિતીના ચેરમેન પદ માટે ચાલી રહી છે. ગાંધીનગરની રાજકીય પરિસ્થિતિને જોતાં પાટીદાર અથવા રાજપૂત સમાજમાંથી કોઈને ચેરમેન પદ અપાય તેવી શક્યતા છે. મેયર અને ચેરમેનના પદ માટે ચૂંટાયેલા સભ્યોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે.

પોતાની રાજકીય વગનો ઉપયોગ કરવાની સાથે તેમણે અનેક નેતાઓ સુધી ભલામણનો દોર ચલાવ્યો છે. આવતીકાલે આજે સવારે 11 વાગે કોર્પોરેશનની નવી બિલ્ડીંગના સભાખંડ ખાતે યોજાનારી સામાન્ય સભામાં સમગ્ર સસ્પેન્સ પરથી પડદો ઊંચકાઈ જશે.

અન્ય સમાચારો પણ છે...