ભાજપમાં જતાં જતાં આપમાં જોડાઇ ગયા!:ગાંધીનગરના પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહે આખરે 'આપ'માં જોડાયા, ભાજપમાં સોગઠા બંધ ન બેસતા ઝાડું પકડ્યાનો ગણગણાટ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસે મળીને જનતાને લૂંટ્યા જ છે: સૂર્યસિંહ ડાભી
  • ત્રણ દિવસ પહેલા ભાજપમાં આવવાનો થનગનાટ હતો: જિલ્લા ભાજપ પ્રમુખ

ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી એવા સૂર્યસિંહ ડાભીએ પક્ષમાંથી રાજીનામુ આપ્યા બાદ અંતે આમ આદમી પાર્ટીનું ઝાડું પકડી લીધું છે. આમ આદમી પાર્ટીમાં જોડાતાં જ સૂર્યસિંહનાં સૂર પણ બદલાઈ ગયા છે. તેમણે નિવેદન કર્યું છે કે, અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસે મળીને ગુજરાતની જનતાને લૂંટ્યા જ છે. જેનાં પ્રત્યુત્તરમાં જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું હતું કે, ત્રણ દિવસ પહેલા તો સૂર્યસિંહ ભાજપમાં જોડાવા થનગનાટ કરી રહ્યા હતા. તેનાથી પાર્ટીને કોઈ ફાયદો નથી.

સૂર્યસિંહ 2015થી ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે હતા
સૂર્યસિંહ ડાભી 2015થી ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે હતા, જે બાદ ત્રણ મહિના પહેલાં અરવિંદસિંહ સોલંકીની જિલ્લા પ્રમુખ પદે નિમણુંક થતાં જ સૂર્યસિંહને કોંગ્રેસ સુષુપ્ત અવસ્થામાં હોવાનો અહેસાસ થયો હતો અને કોંગ્રેસ પાર્ટી સાથે વર્ષો સુધીનો છેડો ફાડી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપતા પહેલાં સવારે સૂર્યસિંહ ડાભીએ ટ્વીટ કર્યું હતું, જેમાં તેઓએ લખ્યું હતું કે, 'આ વર્ષ ઈલેક્શનનું છે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી થશે. ભાજપ અને આપ ઈલેક્શન મોડમાં છે ત્યારે કોંગ્રેસનું શું? કોંગ્રેસ સુસ્ત મોડમાં છે?'

કેજરીવાલની સરકારમાં થયેલા કામો જોઈને સૂર્યસિંહ જોડાયા: ઈસુદાન ગઢવી
કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ડાભીએ લખ્યું હતું કે, હું કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સદસ્ય પદેથી તેમજ પ્રદેશ મહામંત્રી પદેથી રાજીનામું આપું છું. હું કોંગ્રેસ છોડું છું, વિચારધારા નહીં. આજે સૂર્યસિંહ ડાભીએ સત્તાવાર રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાની જાહેરાત કરી છે. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીના ગાંધીનગર પૂર્વ જિલ્લા પ્રમુખ અને હાલ પ્રદેશ મહામંત્રી સૂર્યસિંહ ડાભી અને ઓમપ્રકાશ તિવારી આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સૂર્યસિંહ હંમેશા જનતાની સેવા કરવા માંગતા હતા, પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં રહીને તેમને હવે તે શક્ય ન લાગ્યું અને દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકારમાં થયેલા કામો જોઈને તેમણે આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો.

ભાજપ-કોંગ્રેસે મળીને જનતાને લૂંટ્યા જ છે: સૂર્યસિંહ ડાભી
બીજી તરફ સૂર્યસિંહ ડાભીએ જાહેર કરેલા નિવેદનમાં કહ્યું છે કે, ગુજરાતની જનતા ભાજપથી ખૂબ કંટાળી ગઈ છે અને હવે વિકાસના નામે જે છેતરપિંડી થઈ છે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આવનારા સમયમાં ગુજરાતમાં પણ દિલ્હી જેવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. આ માટે આમ આદમી પાર્ટી આવનારી ચૂંટણી જીતવા માટે તમામ પ્રયાસો કરશે. આજે ગુજરાતની જનતા પણ આમ આદમી પાર્ટીની સાથે છે કારણ કે અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસે મળીને ગુજરાતની જનતાને લૂંટ્યા જ છે અને જનતાને તેમની વાસ્તવિકતા ખબર પડી ગઈ છે. આ કારણે હવે એક માત્ર વિકલ્પ બચ્યો છે આમ આદમી પાર્ટી જે યોગ્ય વ્યવસ્થા કરી શકે છે.

ત્રણ દિવસ અગાઉ સૂર્યસિંહ ભાજપમાં આવવા થનગનાટ કરતાં હતાં: જિલ્લા ભાજપ પ્રમુખ
વર્ષોથી કોંગ્રેસનો હાથ પકડીને રાજકીય ક્ષેત્રે ઉપર આવેલા સૂર્યસિંહ ડાભીએ આમ આદમી પાર્ટીમાં જોડાતાની સાથે જ સૂર બદલીને નિવેદન જાહેર કર્યું છે કે, અત્યાર સુધી ભાજપ કોંગ્રેસ મળીને જનતાને લૂંટી છે. જેનાં વળતા પ્રત્યુત્તરમાં જિલ્લા ભાજપ પ્રમુખ અનિલ પટેલે આક્રોશ સાથે કહ્યું હતું કે, ડાભી કોંગ્રેસના વફાદાર રહ્યા નથી. ત્રણ દિવસ પહેલા તો ભાજપમાં આવવા થનગનાટ કરી રહ્યા હતા. ડાભીને પાર્ટીમાં આવવાથી કોઈ ફાયદો નથી. કોંગ્રેસની પાર્ટીએ મોટા કર્યા, સમય બધાનો બદલાય છે. એજ પાર્ટીને વફાદાર નથી અને આજે કોંગ્રેસ માટે જેમતેમ બોલે છે તો પછી ભાજપમાં કોણ લાવે.

અન્ય સમાચારો પણ છે...