રોશનીનો અદ્ભુત નજારો:દિવાળીના પર્વ નિમિત્તે ગાંધીનગરનું સુપ્રસિદ્ધ અક્ષરધામ મંદિર 10 હજાર દિવડાથી ઝળહળી ઉઠ્યું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • પાંચ દિવસ સુધી મુલાકાતીઓ રોશનીનો અદ્ભુત નજારો માણી શકશે

કોરોનાની વૈશ્વિક મહામારી પછી 29 વર્ષની પરંપરા મુજબ આજે અક્ષરધામ મંદિર પરિસરમાં કોરોના ગાઈડ લાઈનની અમલવારી વચ્ચે પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે 10 હજાર દીવડાનો શણગાર કરવામાં આવ્યો છે.

દીપોત્સવીનો તહેવાર શરૂ થઈ ગયો છે. જેનું ગુજરાતમાં ખૂબ જ મહત્વ છે તે દીપોત્સવીના તહેવારને લઈને ગુજરાતીઓમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે ગાંધીનગરના સેક્ટર 20 સ્થિત અક્ષરધામ મંદિરને છેલ્લા 29 વર્ષથી દીવડાઓથી શણગારવામાં આવે છે. ત્યારે પ્રમુખ સ્વામી દ્વારા શરૂ કરવામાં આવેલા દીપ કાર્યક્રમને આજે શરૂ કરવામાં આવ્યો હતો. જે આગામી પાંચ દિવસ સુધી આ દીવડાઓથી મંદિરને શણગારવામાં આવશે.

1992માં દીપ પ્રગટાવવાની શરૂઆત થઇ
અક્ષરધામમાં વર્ષ 1992માં સ્વામી મહારાજ દ્વારા દિવાળીના તહેવાર ઉપર દીપ પ્રગટાવવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી લઈને સતત 29 વર્ષ સુધી દર વર્ષે દિવાળીના તહેવાર ઉપર પાંચ દિવસ સુધી 10 હજાર દીવડાનો ઝગમગાટ કરવામાં આવે છે. અક્ષરધામ મંદિરના દર્શન કરવાથી શ્રદ્ધાળુઓને ધન્યતા અનુભવાય છે અને આ પ્રકારનો રોશનીનો ઝગમગાટ નયનરમ્ય લાગતો હતો.

મંદિર દિવાળીથી લાભપાંચમ સુધી રોશનીથી ઝળહળશે
આ અંગે જાગૃત પટેલ અને નીશીથ આચાર્યે જણાવ્યું હતું કે, અંધકારમાંથી ઉજાસ તરફ જવાનું પર્વ એટલે દિવાળી. દિવાળીના દિવસોમાં અક્ષરધામ મંદિર દિવાળીથી લાભપાંચમ સુધી દરરોજ સાંજે છ વાગ્યાથી લઈને 7.45 વાગ્યા સુધી રોશની કરવામાં આવે છે. પ્રમુખસ્વામી મહારાજ દ્વારા રોશની કરવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી લઈને સતત ચાલુ વર્ષે 29મા વર્ષે તે સિલસિલો ચાલુ રાખવામાં આવ્યો છે. રોશનીને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્ય અને વિદેશમાં રહેતા ભારતીયો પણ દિવાળીનો તહેવાર વતનમાં મનાવવા આવતા હોય છે ત્યારે અચૂક નિહાળવા આવે છે.

મંદિર પરિસરને દર વર્ષે દિવાળી પર્વ નિમિત્તે શણગારવામાં આવે છે
ઉલ્લેખનીય છે કે, મુલાકાતીઓ દિવાળીના દિવસથી કારતક સુદ પાંચમ(લાભ પાંચમ) એટલે કે 9 નવેમ્બર સુધી સાંજે 6થી રાત્રે 7.45 સુધી દીવડાનો શણગાર માણી શકશે. અક્ષરધામ મંદિર પરિસરને દર વર્ષે દિવાળી પર્વ નિમિત્તે શણગારવામાં આવે છે. આ ઉપરાંત શહેરના જાણીતા મંદિરોમાં પણ રોશની કરવામાં આવે છે અને નૂતન વર્ષ નિમિત્તે અન્નકૂટ પણ ભરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...