ગાંધીનગરની મહિલા ડોક્ટરને નાની નાની બાબતોમાં શારીરિક માનસિક ત્રાસ આપી દહેજ માંગી બે દીકરીઓ સાથે ઘરમાંથી કાઢી કાઢી મૂકનાર પતિ, સસરા, દિયર અને જેઠ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં રહેતી 40 વર્ષીય હોમિયોપેથીક ડોક્ટરના લગ્ન ગાંધીનગરના સેકટર-8માં રહેતા યુવક સાથે સમાજના રીત રિવાજ મુજબ વર્ષ - 2008માં થયા હતા. આ લગ્ન જીવનથી મહિલા ડોક્ટરે બે દીકરીઓને જન્મ આપ્યો હતો. પરંતુ લગ્નના થોડા વખતમાં જ સસરા, જેઠ અને દિયર નાની નાની વાતોમાં બિભત્સ ભાષા બોલીને ત્રાસ આપતા રહેતા હતા.
ત્રાસના કારણે દંપતીને વર્ષ - 2014માં ઘરમાંથી કાઢી મુકતા તેઓ અલગ અલગ સ્થળે વર્ષ-2020 સુધી ભાડે રહેવા લાગ્યા હતા. તેમ છતાં સસરા, જેઠ, દિયર ત્રાસ આપી પતિની ચઢવણી કરતા રહેતા હતા. જેનાં કારણે પતિ વધુને વધુ ત્રાસ આપતો રહેતો હતો. છતાં મહિલા ડોકટર મૂંગા મોઢે ત્રાસ સહન કર્યા કરતી હતી.
આ દરમિયાન સાસુનું અવસાન થતાં તે સાસરીમાં ગઈ હતી. ત્યારે દિયર ગુસ્સે થઈ ગયો હતો અને તેની ભાભીને જેમતેમ બિભત્સ ભાષા બોલ્યો હતો. બાદમાં દંપતી કુડાસણ દિવ્ય જીવન ઓરા ભાડેથી રહેવા લાગ્યું હતું. ત્યાં નવેમ્બર - 2021 માં પતિએ શારીરિક માનસિક ત્રાસ આપી દહેજ માંગી દીકરીઓ સાથે પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી. આ મામલે પરિણીતાએ સમાધાનના ઘણા પ્રયાસો કર્યા હોવા છતાં પતિ સહિતના સાસરિયાઓ સમાધાન માટે તૈયાર નહીં થતાં અંતે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.