કાર્યવાહી કરાશે:ગાંધીનગર શહેરી વિસ્તારમાં પાણી - ગટર વેરાની 40 ટકા વસુલાત થઈ, બાકીદારોને નોટિસ ફટકારવામાં આવશે

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણી અને ગટરના વેરાની વસુલાત માર્ચ મહિનામાં જ એડવાન્સમાં વિભાગ દ્વારા કરી લેવામાં આવતી હોય છે

ગાંધીનગર શહેરી વિસ્તારમાં પાણી અને ગટર વ્યવસ્થા સંભાળતા પાટનગર યોજના વિભાગ દ્વારા પાણી અને ગટર વેરાની 40 ટકા જ વસુલાત કરવામાં આવી છે. ત્યારે આગામી મહિનાથી વેરો નહીં ભરનાર બાકીદારોને નોટિસ ફટકારવાની તૈયારી વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

ગાંધીનગર નાં શહેરી વિસ્તારના એકથી ત્રીસ સેકટર ઉપરાંત આસપાસના 8 ગામોમાં પાણી ગટરનાં વેરાની વસુલાત પાટનગર યોજના વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે. આમ તો પાણી અને ગટરના વેરાની વસુલાત માર્ચ મહિનામાં જ એડવાન્સમાં વિભાગ દ્વારા કરી લેવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે કોરોના કાળ ના કારણે અત્યાર સુધી માં 40 ટકા જ વસુલાત શક્ય બની શકી છે.

ગાંધીનગરમાં સેક્ટરો તેમજ આસપાસના વિસ્તારોમાં મળીને કુલ 26 હજાર જેટલા પાણી અને ગટરના ધારકો પાસેથી દર વર્ષે રૂપિયા 2.40 કરોડ જેટલો વેરો વસુલવાનો થતો હોય છે.ત્યારે આ વખતે પણ દર વર્ષની જેમ પાટનગર યોજના વિભાગ દ્વારા પાણી-ગટર વેરાની એડવાન્સ વસુલાત કરવામાં આવી હતી. ફેબ્રુઆરી માસમાં બીલ પણ પહોંચાડી દેવામાં આવ્યા હતા. પરંતુ આ વખતે કોરોનાની બીજી લહેરને કારણે વેરા વસુલાતની નબળી કામગીરી થઇ છે.

આ અંગે પાટનગર વિભાગ ના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગાંધીનગર શહેર અને આસપાસના ગામડામાંથી ફક્ત 40 ટકા જ વસુલાત થઇ શકી છે. ત્યારે આગામી દિવસોમાં તંત્ર દ્વારા વેરા વસુલાતની કામગીરીને વધુ કડક બનાવવા માટે બાકીદારોને લેખિતમાં નોટિસ આપવામાં આવશે. તેમાં પણ ઘણા વર્ષોથી વેરો ભરવાનું બાકી હોય તેવા પાણી-ગટરના જોડાણધારકોની લાઇન કાપી નાંખવા અંગે પણ તંત્ર આ વખતે ગંભીરતાથી વિચારી રહી છે.

તો ઘણી મિલકતો અને એકમો વેરો પણ ભરતા નથી અને તેમને નોટિસ આપવામાં આવે તો તેનો પણ યોગ્ય ઉત્તર મળતો નથી આવા જોડાણધારકોના ત્યાં જઇને રૂબરૂ મુલાકાત લેવામાં આવશે અને ત્રિકમ સાથે જ તંત્રની ટીમ જશે વેરો નહીં ભર્યો હોય તો આવા જોડાણો કાપી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...