તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરાહનીય કામગીરી:નવસારી રેલવે ટ્રેક પર આપઘાત કરવા પહોંચેલા યુવકને ગાંધીનગરની જીવન આસ્થાની ટીમે બચાવી લીધો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોન ઉપર સતત યુવાનને સમજાવી નવસારી લોકેશન પર મોકલી

કોરોના મહામારીના પગલે અનેક પરિવારો આર્થિક સંકળામણ ભોગવી રહ્યા છે. જેનાં કારણે પરિવારમાં નાના મોટા ઝગડો થતાં રહેતા હોવાના અનેક કોલ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે કાર્યરત જીવન આસ્થાના કંટ્રોલ રૂમમાં આવતા હોય છે. ત્યારે ગઈકાલે નવસારીના 33 વર્ષીય યુવાને રેલવે ટ્રેક પર જઈ આપઘાત કરવા આવ્યો હોવાનો કોલ જીવન આસ્થા હેલ્પ લાઈનમાં કરવામાં આવ્યો હતો.

જેની જીવન આસ્થા હેલ્પલાઇનના લાયઝન ઓફિસર પી. સી. વાલેરા દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી હતી અને તાત્કાલિક અઘટિત ઘટના ઘટે એ પહેલાં જ નવસારીના યુવકનું જીવન આસ્થાની ટીમ દ્વારા લાઈવ કાઉન્સલીંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું અને યુવાનને આપઘાત નહીં કરવા સતત સમજણ આપવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું.

આ દરમિયાન કાઉન્સિલરને સતત ટ્રેનના અવાજ પણ સંભળાઈ રહ્યા હતા. જેથી પરિસ્થિતિ પારખી ગયેલી ટીમ દ્વારા કાઉન્સલીંગ ચાલુ રાખી યુવાનનું લાઈવ લોકેશન મેળવવામાં આવ્યું હતું. બાદમાં નવસારી સ્થાનિક પોલીસને સત્વરે જાણ કરી તાત્કાલિક રેલવે ટ્રેક પર પહોંચી જવા જણાવવામાં આવ્યું હતું.

એક તરફ ગાંધીનગરમાં બેઠા બેઠા ફોન પર કાઉન્સલીંગ ચાલુ રાખી નવસારી પોલીસને તેની લાઈવ લોકેશન પણ મોકલવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. જેનાં થકી સ્થાનિક પોલીસની વાન લોકેશનના આધારે નવસારી રેલ્વે ટ્રેક પર પહોંચી ગઈ હતી અને યુવાનને આપઘાત કરતા બચાવી લેવામાં આવ્યો હતો. ગાંધીનગર ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરીની જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા નોંધ લઈ જીવન આસ્થાની સરાહનીય કામગીરીને બિરદાવવામાં આવી હતી.

આ અંગે લાઇઝનીંગ ઓફીસર વાલેરાએ જણાવ્યું હતું કે,, છેલ્લા ઘણા સમયથી કોરોના મહામારીના કારણે જીવન આસ્થા હેલ્પ લાઈન પર આર્થિક તેમજ કૌટુંબિક ઝગડાને લાગતા કોલમાં વધારો નોંધાયો છે. ત્યારે અત્રેના કંટ્રોલ રૂમથી દરેક લોકોની સમસ્યાનું કાઉન્સલીંગ કરી સમસ્યાનું સમાધાન કરવામાં આવતું રહે છે.

અન્ય સમાચારો પણ છે...