સાડા ત્રણ માસ અગાઉ સામાજિક અને સ્વૈચ્છિક કારણોસર ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખે રાજીનામું આપ્યું હતું. જોકે ત્રણ માસ પછી રાજીનામું પરત ખેંચવાનો લેખિત પત્ર ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખે ગાંધીનગર તાલુકા વિકાસ અધિકારીને આપ્યો છે. આથી ત્રણ માસમાં પ્રમુખના રાજીનામાના રાજકીય નાટકનો અંત આવ્યો છે.
તાલુકા પંચાયતના હાલના પાંચ વર્ષ વિવાદાસ્પદ બની રહ્યા હતા. ભાજપ અને કોંગ્રેસની રાજકીય ખેંચતાણ બાદ કોંગ્રેસના સદસ્યોની રાજકીય આંટીઘૂંટી જોવા મળી છે. જોકે તાલુકા પંચાયતના પ્રમુખ ગોપાળજી ઠાકોરના રાજીનામાનું રાજકીય નાટક ગત સપ્ટેમ્બર-2022 માસમાં શરૂ થયું હતું. ત્યારબાદ ગત તારીખ 21મી, સપ્ટેમ્બર-2022ના રોજ ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખના હોદ્દા પરથી ગોપાળજી ઠાકોરે રાજીનામું આપી દીધું હતું. ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખે રાજીનામું આપતા પ્રમુખ પદ માટે રાજકીય લોબિંગ શરૂ થયું હતું.
જોકે ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતા આચારસંહિતાના ભાગરૂપે ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા બોલાવવામાં આવી નહી. જેને પરિણામે ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખનું રાજીનામું મંજુર કરવામાં આવ્યુ નહી કે મંજુર કરવાની કાર્યવાહી કરવામાં આવી નહી તેવી ચર્ચાઓ રાજકીય પક્ષોના કાર્યકરોમાં ઉઠી હતી.
ચૂંટણીમાં કોંગ્રેસે જિલ્લાને પાંચમાંથી એકપણ બેઠક હાંસલ કરી નહી. વિધાનસભા ચૂંટણીમાં કારમા પરાજયને પગલે જિલ્લા કોંગ્રેસની આંખો ઉઘડતા ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખનું રાજીનામું પરત ખેંચવાની સુચના આપી હતી. જેને પરિણામે ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખના હોદ્દા પરથી આપેલું રાજીનામું તારીખ 13મીના રોજ પરત ખેંચતો પત્ર તાલુકા વિકાસ અધિકારીને લખાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.