શોખ બડી ચીજ હે:ગાંધીનગર આરટીઓએ 8 મહિનામાં ફેન્સી નંબર પ્લેટની હરાજી કરતાં અધધ રૂ. 2.42 કરોડ જેટલી આવક રળી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાર હજારથી વધુ લોકોએ મનગમતા વાહનોના નંબર લીધા
  • ગોલ્ડન અને સિલ્વર 583 નંબર પ્લેટ માટે 55 લાખની આવક થઈ
  • ફોર વ્હીલરના ગોલ્ડન નંબર પ્લેટની હરાજી 40 હજાર રૂપિયાથી શરૂ થાય છે

ગાંધીનગર આરટીઓ વિભાગ દ્વારા મનપસંદગીનાં ગોલ્ડન અને સિલ્વર નંબર સહિતની નંબર પ્લેટની ઓનલાઈન હરાજી યોજવામાં આવતી રહે છે. જે અન્વયે છેલ્લા આઠ મહિના દરમિયાન યોજાયેલી હરાજીમાં 4013 વાહન ચાલકોએ મનપસંદ ફેન્સી નંબર માટે બોલી લગાવી અધધ રૂ. 2 કરોડ 41 લાખ 59 હજાર ચૂકવીને આરટીઓની તિજોરી છલકાવી દેવામાં આવી છે.

કહેવત છે ને કે શોખ બડી ચીજ હે.. શોખીનો પોતાનો શોખ પૂરું કરવા માટે લાખો રૂપિયા ખર્ચી નાખતા પણ અચકાતા નથી. ગાંધીનગરના વાહન ચાલકો પણ પોતાના વાહનોમાં પસંદગીનાં ફેન્સી નંબર પ્લેટ માટે આઠ મહિના દરમિયાન યોજાયેલી હરાજીમાં લાખો રૂપિયાની બોલી લગાવી ગાંધીનગરની તિજોરી છલકાવી ચૂક્યા છે.

ગાંધીનગર આરટીઓનાં સૂત્રોના જણાવ્યા અનુસાર વાહનોની ફેન્સી નંબર પ્લેટ એટલે કે ગોલ્ડન અને સિલ્વર નંબર માટે નિયમ મુજબ ઓનલાઈન હરાજી યોજવામાં આવતી હોય છે. સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થતી હોવાથી હરાજીમાં ભાગ લેનાર વાહનચાલકો ઓનલાઈન ભાવ બોલતાં હોય છે. જેમાં સૌથી વધુ રકમ ની બોલી લગાવનારને તેની પસંદગીનો નંબર ઈસ્યુ કરવામાં આવતો હોય છે. ઘણા લોકો પોતાના લકી નંબર માટે પણ બોલી લગાવતાં હોય છે.

ગાંધીનગર આરટીઓમાં માર્ચ મહિનાથી અત્યાર સુધી એટલે કે આઠ મહિનામાં ગોલ્ડન અને સિલ્વર નંબરોની નંબર પ્લેટ માટે 583 નંબર પ્લેટની ઓક્શન થયું હતું. જેમાં 55 લાખની આવક આઠ મહિનામાં RTO ને થઈ છે, જ્યારે અન્ય લોકોને પોતાના ફેવરિટ નંબર માટે 3,430 નંબર પ્લેટ આપવામાં આવી છે. જેમાં 1 કરોડ 87 લાખ 59 હજાર જેટલી આવક આઠ મહિનામાં થઈ છે.

એટલે કે દરેક પ્રકારના ફેન્સી નંબર પ્લેટની આઠ મહિનામાં 2 કરોડ 41 લાખ 59 હજાર આવક આરટીઓને થઈ છે. ગોલ્ડન અને સિલ્વર નંબર જે નક્કી થયેલા હોય એ જ આપવામાં આવે છે. જ્યારે અન્ય નંબર જે તે વ્યક્તિ આરટીઓ પાસે માંગણી કરતા આરટીઓ દ્વારા અવેલેબલ નંબર પૈસા આપી આપવામાં આવે છે.

વધુમાં સૂત્રોએ ઉમેર્યું હતું કે, ફોર વ્હીલરના ગોલ્ડન નંબર પ્લેટની હરાજી 40 હજાર રૂપિયાથી શરૂ થાય છે. તો ક્યારેક ચાર લાખ સુધી પહોંચે છે. ટુ વ્હીલરની હરાજી 8 હજાર રૂપિયાથી શરૂ થાય છે તો સિલ્વર નંબર પ્લેટની ફોરવ્હીલરની હરાજી 15 હજાર રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે ટુ વ્હીલરની હરાજી 3,500 રૂપિયાથી શરૂ થાય છે.

અન્ય નંબરોની હરાજી ફોરવ્હીલરની 8 હજારથી શરૂ થાય છે. અને ટુ-વ્હીલરની 2 હજારથી શરૂ થાય છે. ખાસ કરીને ગોલ્ડન નંબરમાં નંબર પ્લેટમાં એક જ આંકડાના ચાર નંબર, એક જ આંકડાનો નંબર અને એક અને બે આંકડાનો એક સરખો નંબર હોય છે. જેથી તેની કિંમત વધુ હોય છે અને વધુ હરાજી બોલે છે. જે સિલ્વર અને ગોલ્ડનમાં નંબર નથી હોતા તે અન્ય વાહનોનાં માલિકોને ફાળવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...